સરદાર પટેલનાં જન્મસ્થળ નડિયાદનમાં ઘોડીયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરના રોજ અનાવરણ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં સરદાર પટેલના નામની ચર્ચા થતી હોય, ત્યારે સરદાર સાહેબના જન્મ સ્થળ નડિયાદને કેવી રીતે ભૂલી શકાય. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનવારણને લઈને નડિયાદમાં આવેલ તેમનું જન્મસ્થળ ફરીથી ચર્ચામાં આવ્યું છે. ચાલો જાણીએ સરદાર સાહેબના બાળપણનાં એ દિવસો વિશે…
નડિયાદ નગરનો દેસાઈ વગા વિસ્તાર એટલે સરદાર પટેલનું જન્મ સ્થળ. નડિયાદ શહેરના દેસાઈ વગા વિસ્તારમાં આવેલા ઘરમાં ભારતની સ્વતંત્રના શિલ્પી એવા સરદાર પટેલનો જન્મ થયો હતો. આજે પણ તેમના આ મોસાળમાં સરદાર પટેલના હોવાનો અહેસાસ પળે પળે થાય છે. તેમની સાથે જોડાયેલી અનેક વસ્તુઓ તેમની યાદગીરી રૂપે સચવાયેલી છે. જેમાં ખાસ છે તેમનું ઘોડિયું. મોસાળમાં સરદાર પટેલ આ ઘોડિયામાં ઝૂલે ઝૂલ્યાં હતાં.
મોસાળમાં તેમના હાલના પડોશી અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ એવા મનીષભાઈ દેસાઈએ આ વિશે જણાવ્યું કે, સરદાર પટેલનું વ્યક્તિત્વ જેટલું મોટું છે, તેટલી જ મોટી પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવડાવી છે. તેમનું આ સ્વપ્ન 31મી ઓક્ટોબરે સાકાર થવાનું છે. આ વિસ્તારના રહેવાસી તરીકે આ બાબત અમારા માટે ગર્વ જેવી છે.
નર્મદા કિનારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે, ત્યારે સરદાર પટેલના મોસાળના પાડોશીઓ આ બાબત માટે આનંદ વ્યક્ત કરી રહ્યાં છે. તેમનાં મોસાળના લોકો આમ તો વિદેશમાં જઈને વસ્યા છે. તેમના મામાના દીકરાના દીકરાઓ પરદેશમાં રહે છે. પણ જ્યારે પણ નડિયાદ આવે ત્યારે અહીં રહે છે. સરદાર પટેલનો જન્મ જ અહીં થયો હતો. અહીં તેમનું બાળપણ વિત્યું હતું. અહીંની ગલીઓમાં તેઓ રમ્યા હતા. અહીં રમીને અને ભણતર મેળવીને તેઓ મોટા થયા હતા. આજે સરદાર પટેલના ઘરમાં ઐતિહાસિક યાદો અને તેમના જીવન ચરિત્રનો ઇતિહાસ સંગ્રહાયેલો છે.