સરપંચ રાજ ખતમ કરવા સામે ગાંધીનગરમાં દેખાવો થશે

ગ્રામ પંચાયતોના 20 હજાર પ્રતિનિધિઓ આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે ચિંતન શિબિર યોજીને સરકાર સામે 30 સળગતાં મુદ્દાઓ રજૂ કરશે. આ બાબતો સરપંચોની થતી ઉપેક્ષા અંગે છે.

ગુજરાત રાજ્યના 12 હજાર ગામના સરપંચોને વહીવટમાં પડતી મુશ્કેલીને પગલે પ્રશ્નના ઉકેલ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ વારંવાર માંગણી કરી છે કરી હોવા છતાં તેમને સરપંચોના પ્રતિનિધિઓને મળવાનો સમય નથી આપ્યો.

સરપંચને જાહેર સેવકનું ઓળખપત્ર આપવું, સરપંચને ટોલ ટેક્સમાંથી મુક્તિ, સરપંચ લોક્પ્રતિનીધી અધિનિયમમાં સમાવેશ કરવો, ગ્રામ પંચાયતોમાં પંચાયત ઓફીસ, લાઈટ પાણી પટ્ટાવાળા અને શૌચાલયની સુવિધા પૂરી પાડવી, ગ્રામ પંચાયતનું લાઈટ બીલ સરકાર માફ કરે અથવા અલગથી ગ્રાન્ટ ફાળવણી કરવી, ગ્રામ પંચાયતના સભ્યો સરપંચને સુપરસીડ ન કરી સકે તે માટે પહેલાની જેમ ગ્રામ સભામાં નિર્ણયો લેવામાં આવે જે માટે પંચાયત ધરામાં ફેરફાર કરવો, સરપંચોને માસિક રૂ.25,000 વેતન આપવું અને તેની જોગવાઈ આગામી બજેટમાં કરવી સહિતના મુદે ચર્ચા કરાશે.

કયા હક્ક છીનવાયા?

ચેક પર સહી કરવાના હક્ક છીનવી લેવાયા. પંચાયતમાં સરપંચની સત્તાઓ નક્કી કરવા અને તલાટી મંત્રી અને રેવન્યૂ તલાટીની જવાબદારીઓ નક્કી નથી થઈ. સરકારના ઠરાવો, પરિપત્રો અને સૂચનાઓ સીધી પંચાયતને મળતી નથી, ગ્રામ પંચાયત માટે સ્ટાફ અને મહેકમ મંજૂર નથી, સરપંચોને ઓળખકાર્ડ મળે, ગ્રામ પંચાયતને ફાળવાતી ગ્રાન્ટો વસ્તીના આધારે મળે, તેમજ ગ્રામ પંચાયતના કામો ઉપર GST રદ કરવાની માગણી, ગરીબો માટે મકાનો બનાવવા પ્લોટની ફાળવણી, નાણાંની ફાળવણીમાં ભેદભાવ, મધ્યાહ્ન ભોજન યોજનામાં ગેરરીતિ, સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર બંધ કરવા, જમીનોના હક્ક છીનવવા, જંત્રીના દરો, ગૌચરની જમીનોના હક્કો, દરેક ગામને તલાટી આપવા, ચેકડેમની યોજનાઓ માટે હક્કો આપવા, સિંચાઈનું પાણી, મગફળી-કપાસના પોષણક્ષમ ભાવ આપવાની મુખ્ય માગણીઓ છે. સરપંચ કોઈ પક્ષના હોતા નથી તેમ છતાં ગુજરાતના મોટા ભાગના સરપંચ ભાજપ સરકારની વિરુદ્ધમાં હોવાથી તેમના હક્કો છીનવવામાં આવી રહ્યા હોવાનું તેઓ માની રહ્યા છે.

પંચાયતી રાજ ખતમ

સમગ્ર ભારતમાં બળવંતરાય મહેતાએ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કરી હતી. ગુજરાત 25 વર્ષ પહેલા સમગ્ર ભારતમાં પંચાયતી રાજમાં પ્રથમ નંબરે હતું. ભાજપનું શાસન આવ્યા બાદ 22 વર્ષ પછી તે 18મા સ્થાને ભારતના રાજ્યોમાં જતું રહ્યું હોવાનો તાજેતરમાં મુંબઈની એક સંસ્થા દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં ગુજરાતનું ત્રીસ્તરીય (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત) રાજ શ્રેષ્ઠ હતું. હવે આ ત્રણેય સંસ્થાઓ પાસેથી મહત્ત્વના અધિકારો સરકારે લઈ લીધા છે. ગ્રામ સચિવાલય અને જિલ્લા સેવા સદન નામ આપવામાં આવ્યા છે પણ મહત્ત્વના હક્ક હતા તે છીનવી લેવામાં આવ્યા છે. છેલ્લો હક્ક ખેતીની જમીન બિન ખેતી કરવા કે ન કરવાના હક્કો પંચાયતી રાજ પાસે હતા, તે જાન્યુઆરી 2019થી ભાજપ સરકારે છીનવી લીધા છે. ગુજરાતમાં લોકશાહી નહીં પણ અધિકારી શાહી સ્થાપિત કરી દેવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ગ્રામ પંચાયતોની ગુજરાતની પંચાયતો કરતા વધારે હક્કો આજે છે. જે સરપંચ સરકાર સામે બોલે કે જે ગામ ભાજપને મત ન આપે તેમની ગ્રાન્ટ આપવામાં સરકારી અખાડા થાય છે. ગ્રામ પંચાયતને કામ કરવા માટે કેટલા નાણાની જરૂર છે તે માટે બજેટની સત્તા આપી સરકાર પાસે ગ્રાન્ટ આપવાના પંચાયતના કાયદામાં જોગવાઈ કરવાની ખાસ આવશ્યકતા છે. તેમ નહીં થાય તો ગામડાઓ રાજકીય કિન્નાખોરીનો વધારે ભોગ બનશે.

2012થી આફત શરૂ

જાન્યુઆરી 2012મા ગુજરાતની 8170 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં 5661 ગ્રામ પંચાયતના સરપંચ એવા હતા કે જે ભાજપને સમર્થન આપતા ન હતા, જેમાં બિનહરીફ થયેલા સરપંચ 2372 હતા. તેમાં ઘણી પંચાયતોમાં તો સરકારે ધમકીનો પ્રયોગ કર્યો હોવાનું જાહેર કર્યું હતું. 22 વર્ષના ભાજપના શાસનમાં ગ્રામ્ય વિસ્તારની અવગણના કરવામાં આવી રહી હોવાથી આવું થયું હતું. જેની સીધી અસર લોકસભામાં તો ન દેખાઈ પણ 2017ની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરકાર વિરોધી માનસ ધરાવતા ગામડાઓમાં ભાજપની વિચારધારાઓને જાકારો મળ્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે, 12 હજાર ગ્રામ પંચાયતોમાંથી 9800 ગામડાઓમાં ભાજપને ઓછા મત મળ્યા હતા અને કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. શહેરોમાં ભાજપને વધુ મત મળતા વધુ ધારાસભ્યો ચૂંટાયા હતા અને સત્તા મેળવી હતી. આમ 2012થી સરપંચો ભાજપની વિરુદ્ધ જતા તેમના પર આફત શરૂ થઈ હતી.

મુખ્ય પ્રધાનના શહેર આસપાસ આંદોલન

મુખ્ય પ્રધાનના રાજકોટ શહેરની આસપાસના 52 ગામના ખેડૂતોએ 9 સપ્ટેમ્બર 2016મા રૂડા – રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ ખેડૂતોની જમીન લઈ રહી હતી, તેનો વિરોધ કરવા એકઠા થયા હતા. જો સરકાર જમીન લઈ લેશે તો 52 ગામના ખેડૂતો આત્મવિલોપન કરશે, એવી જાહેરાત કરી હતી. બાઘી, નારણકા, વિજયનગર, રાજગઢ, હડમતિયા બેડી, નાકરાવાડી, ધમલપર, ખેરડી જેવા ગામો હતા.

સહી સામે આંદોલન

નાણાકીય વહીવટમાં તલાટીની સહી ફરજિયાત કરવાનો પરિપત્ર સરકારે કર્યો ત્યારથી સરપંચો મોટા પાયે સરકાર સામે થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના 200 સરપંચ રસ્તા પર આવી ગયા હતા અને રેલી કાઢી કલેક્ટરને કહી દીધું હતું કે અમારો હક્ક પરત કરો. પંચાયતને પરમેશ્વર ગણવામાં આવે છે, ત્યારે સરપંચોની સત્તા છીનવીને ભાજપ સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરવાને બદલે વિકેન્દ્રીકરણ કરી રહી છે. પંચાયત અધિનિયમમાં સુધારા કર્યા સિવાય માત્ર પરિપત્રને આધારે કરેલા નિર્ણય ગ્રામ પંચાયતોના અધિકાર પર સરમુખત્યારી તરાપ મારવા સમાન છે. આથી પરિપત્ર તાકીદે રદ્દ કરવા માગણી કરાઈ હતી. જો તેમ નહીં કરે તો 2017ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સરપંચોએ એલાન કર્યું હતું, જે અહીં સાચું ઠર્યું હતું. સુરેન્દ્રનગરમાં ભાજપના ધારાસભ્ય એક જ ચૂંટાયા છે, આવું રાજ્યભરમાં થયું છે.

2018મા સરપંચોએ પરિવર્તન કર્યું

6 ફેબ્રુઆરી 2018મા 1182 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી. 241 પંચાયતો બિનહરીફ થઈ હતી. કુલ 22,036 ઉમેદવારો હતા, જેમાં સરપંચ માટે 5928 ઉમેદવારો હતા. પરિણામમાં 70 ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સભ્યોનો ભવ્ય વિજય થયો હોવાનો ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો હતો. છે. ભાજપ સરકારની ગામડા વિરોધી, ખેડૂત વિરોધી નીતિના કારણે પ્રજાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હોવાનો કોંગ્રેસનો દાવો હતો. ભાજપે 80 ટકાનો દાવો કર્યો હતો પણ વિધાનસભાના મત ભાજપને ગામડાઓમાં મળેલા તેની વિરુદ્ધનો દાવો હતો.

ધારાસભ્યોને પગાર તો સરપંચોને પગાર આપો

ગુજરાત પંચાયત પરિષદે 6 ફેબ્રુઆરી 2018મા સરકાર સમક્ષ એવી માગણી કરી હતી કે, ગામના પ્રથમ નાગરિક સરપંચોને ખિસ્સા ખર્ચ નીકળે એટલું દર મહિને રૂ. 5 હજારનો પગાર આપવો જોઈએ. પંચાયત પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ કહ્યું કે જો ધારાસભ્યને એક લાખ, સંસદને વર્ષે રૂ. 25 લાખથી વધારાનું માનદ વેતન મળતું હોય તો સરપંચને પણ પાંચ હજાર જેવી નજીવી રકમ માનદ વેતન તરીકે સરકારે આપવી જોઈએ. જે અંગે ઊંઝા તાલુકાના તમામ 65 ગામના સરપંચોએ આવી જ માગણી કરી હતી.

પોલીસ પટેલ આપો

ઓક્ટોબર 2018મા ગુજરાતમાં પરપ્રાંતના લોકો પર હુમલા થયા ત્યારે અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતિય પર હુમલા થશે તો જિલ્લાના 464 સરપંચોની જવાબદારી પોલીસ અને જિલ્લા વડાએ નક્કી કરી હતી. કેટલાક સરપંચોએ ત્યારે કહ્યું હતું કે આ જવાબદારી પોલીસ પટેલ નિભાવતા હતા, તે પ્રથા ફરી લાવો. સરકારે ગામડાઓની આ વ્યવસ્થા ઝૂંટવી લીધી છે અને હવે સરપંચને તે માટે જવાબદારી વધારી રહ્યા છે. જો તેમ હોય તો ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલા થયા તેના માટે મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ જવાબદાર હોવા જોઈએ, માત્ર સરપંચ જ કેમ?

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જંગ

ગુજરાતમાં જ્યારે પણ ઓછો વરસાદ પડે છે ત્યારે સરપંચ પર દબાણ વધી જતું હોય છે કારણ કે સરકાર ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં વિલંબ કરતી હોય છે. તેથી દર વર્ષે સરપંચોએ તે માટે આંદોલનો કરવા પડતા હોય છે. 2018-19મા વરસાદ ઓછો થવાના કારણે ઓછામાં ઓછા 5 હજાર ગામડાઓ અછતગ્રસ્ત છે પણ સરકારે તો માત્ર 52 તાલુકાને જ અછત હેઠળ લીધા છે. તેથી 20 જિલ્લાઓમાં ગામડાઓએ રજૂઆત કરવી પડી છે કે આંદોલન કરવા પડ્યા છે. મોબરીમાં આવું જ આંદોલન કરવા માટે 102 ગામના સરપંચોએ રેલી કાઢી હતી. આ વર્ષે ઓછામાં ઓછા 2 હજાર ગ્રામડાઓએ પોતાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કે દેખાવો કરવા પડ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતનાં મોટા ભાગના તાલુકામાં અપૂરતો વરસાદ થતા ખેતી નિષ્ફળ ગઈ છે.

કૃષિનીતિ જાહેર કરો

ગ્રામ્ય અર્થતંત્ર કૃષિ આધારિત છે. તેથી પંચાયત પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ કહ્યું હતું કે, સરકારે કૃષિનીતિ જાહેર કરીને ગ્રામ પંચાયતોને મજબૂત કરવી જોઈએ પણ ગુજરાત સરકારે કૃષિનીતિ જ બનાવી નથી. ઉદ્યોગોની નીતિ છે, પણ કૃષિનીતિ નથી. તેથી પંચાયતો નાણાકીય અને રાજકીય રીતે સદ્ધર બનતી નથી. સરકારે ગ્રાન્ટ માટેના નિયમો આ નીતિ દ્વારા જાહેર કરવા જોઈએ.

ગામના કામો ઠપ્પ

ગ્રામ પંચાયતના ખર્ચ માટે રોકડેથી ચૂકવણા માટે જે ચેક સરપંચના નામનો આપવામાં આવે છે. આ રકમ સરપંચ દ્વારા બેંકમાંથી ઉપાડી ગ્રામ પંચાયતના ચાલતા કામો જેવા કે સફાઈની કામગીરી, વિકાસના ચાલતા કામો, સંસદ સભ્યની ગ્રાન્ટના કામો, ધારાસભ્યની ગ્રાન્ટના કામો, એ.ટી.વી. યોજનાના કામો, પંદર ટકા અને પાંચ ટકા આયોજન મંડળ તરફથી મળતી ગ્રાન્ટના કામો જેવા વિગેરે કામોના મજૂરોના ચૂકવણા રોકડેથી કરવામાં આવે છે અને માલ-સામાન ચેકથી ખરીદવામાં આવે છે. આ પ્રથા પહેલેથી ચાલતી આવે છે.

આ પ્રથા બંધ કરી દરેક ચૂકવણા ચેકથી કરવાની સૂચનાઓ મળી છે. આ અમલવારી કરવાથી કોઈ મજૂરો કામે આવતા નથી, કોઈ ધંધાદારી માલ-સામાન આપતા નથી, તેમજ મજૂરોને ચેક આપવામાં આવે તો બેંકમાં ચેક જમા કરવા તથા ઉપાડવા મો બે દિવસની રોજીરોટી ગુમાવવી પડે છે, તેમજ દરેકના ખાતાઓ બેંકમાં હોતા નથી તેમજ દરેક ગામમાં બેંકની સગવડ પણ નથી. જેથી અન્ય ગામમાં કે તાલુકા કક્ષાએ આવો વહીવટ કરવા જવું પડે છે.

ગામમાં મરેલા ઢોર, કૂતરા ઉપાડવાની કામગીરી, ગામમાં નાની સફાઈની કામગીરી, પાણીવિતરણની કામગીરી, સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તથા બંધ કરવાની કામગીરી, ગામમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો રીપેરીંગ કરવાની કામગીરી, વિકાસના કામોમાં ખરીદી કરવામાં આવતા માલ-સામાન, રેતી-ઈંટો-કાંકરી વિગેરે ખરીદી, વિકાસના કામો માટે રાખવામાં આવતા મજૂરોની મજૂરીની રકમના ચૂકવણા, સફાઈ માટે રાખવામાં આવતા વાહનોના ભાડાના બીલના ચૂકવણા, વિકાસના કામો માટે રાખવામાં આવતા વાહનો, જેસીબી વિગેરેના બીલો, વિકાસના કામો કે ગ્રામ પંચાયત અન્ય કામોનું ચૂકવણું બીલનો ચેક આવ્યે થાય છે અને મજૂરો તેમનું મહેનતાણું દરરોજ આપવું પડે છે. ગામની પ્રથા મુજબ દરરોજ બે વખત ચા-પાણી પણ પાવા પાડે છે. જેનું ચૂકવણું રોજેરોજ કરવાનું થાય છે. જેથી આવા પેમેન્ટ ચેકથી કરવા શક્ય નથી. જેથી હાલમાં જે જુની પ્રથા છે તે જ ચાલુ રાખવી જોઈએ.

ગ્રામ પંચાયત જે કામો રાખે છે તેમાંથી ઈન્કમ ટેક્સ કપાત કરવામાં આવે છે. ગ્રામ પંચાયત એ ત્રિસ્તરીય પંચાયતની જ એક પાંખ હોય, ગ્રામ પંચાયતના કામોમાંથી ઈન્કમ ટેક્સ કપાત કરવાની જે પ્રથા (નિયમ) છે તે રદ કરવો જોઈએ.

ગ્રામ પંચાયત જે માલ-સામાન ખરીદ કરે છે તે બીલોમાં તમામ ટેક્સ તથા જી.એસ.ટી. સાથેનું બીલ આવે છે. જેથી ગ્રામ પંચાયતના કામમાંથી કોઈપણ જાતના ટેક્સ વસૂલ કરવો જોઈએ નહીં. અત્યારે જે 14મું નાણાપંચના ખાતા રાષ્ટ્રીયકૃત બેંકમાં છે તે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખોલવાનો આદેશ કર્યો છે, તેનો વિરોધ કરી ચાલુ ખાતા યથાવત્ રાખવા જોઈએ. ગ્રામ પંચાયત દ્વારા કામ રાખવામાં આવે ત્યારે ટેન્ડર ફી વસૂલ કરવામાં આવે છે. સરકારશ્રીના નિયમોનુસાર પાંચ લાખ સુધીના કામો વગર ટેન્ડરે આપવાની જોગવાઈ છે. જેથી ટેન્ડર ફી પ્રથા બંધ કરવી જોઈએ.

ગ્રામ પંચાયતને કામોના વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારે સી. ડિપોઝિટ ભરવી પડે છે અને બીલમાંથી પણ કપાત કરવામાં આવે છે. ગ્રામ પંચાયત સદ્ધરતાનું પ્રમાણપત્ર કામ રાખતી વખતે આપે છે તેમજ ગ્રામ પંચાયત એ સહકારી સંસ્થા છે. જેથી સી. ડિપોઝિટ લેવાની પ્રથાને રદ (બંધ) કરવી જોઈએ.

જે કામ મંજુર થયેલ હોય તે કામમાં મટીરિયલ કે અન્ય કોઈપણ વીસ હજાર ઉપરની ખરીદીની જાહેરાત કરવાની સૂચના આપવામાં આવી છે જે ગેરવ્યાજબી છે કારણ કે તેમાં થતો ખર્ચ પંચાયતોને પરવડે તેમ નથી, જેથી આ નિયમને રદ કરવામાં આવે. આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો જિલ્લા તથા રાજ્યમાં રહેલ તમામ સરપંચો સાથે મળીને આ આંદોલન છેડવામાં આવશે.