સાધુઓને બ્લેકમેઈલ કરાયા

અમરેલીમાં બે સાધુઓને બ્લેકમેઈલ કરવાનો મામલો, મહિલાઓ સાથે ફોટા એડિટ કરી માંગી ખંડણી
અમરેલીના બે ભેજાબાજ યુવકોએ સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓને બ્લેકમેઈલ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓના ફોટાને અન્ય મહિલા સાથે એડીટ કરીને સંપ્રદાયને બદનામ કરવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને તપાસનો દૌર આગળ વધાર્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓની પાસેથી ખંડણી માંગવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, સાધુઓએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ IPC કલમ 384, 501 અને 114 મુજબનો ગુન્હો નોંધ્યો છે. તો હાલમાં પોલીસે બંને આરોપીઓ બિપિન બોધરા ઉર્ફે ભૂરા અને પ્રતાપ કાછડીયાની ધરપકડ કરી છે.
વેરાવળની સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી સૂર્યપ્રકાશદાસજી ગુરુ સ્વામી હરીપ્રકાશદાસજી અને સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સાથે અન્ય મહિલાના ફોટા એડિટિંગ કરીને ટોટલ 2 કરોડ 60 લાખની ખંડણી માંગી હતી. બને સાધુને અમરેલી બોલાવીને આ ખંડણીખોરોએ બદનામ કરવાના ઈરાદે મોબાઈલમાં ફોટા દેખાડીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને સંપ્રદાયને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. સાધુએ પોલીસ ફરિયાદ કરતા હાલ બને ખંડણીખોરો ગણતરીની કલકોમાં ઝડપાઇ ગયા હતા.  અને પોલીસે આ બન્ને ખંડણીખોરો સામે મોબાઈલ સહિતનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબ્જે કરીને વધુ તપાસ માટે તેને FSLમાં મોકલીને તપાસ આગળ વધારી છે.