સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદ ના કારણે જળાશયો હજુ પણ મોટે ભાગે ખાલીખમ જેવી સ્થિતિમાં છે. ત્યારે જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગને પહોંચી વળવા માટે આયોજન હથ ધરાયું છે અને બંને તંત્ર દ્વારા સંયુક્તપણે ડેમ સાઈટની મુલાકાત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછા વરસાદના કારણે જળાશયો ભરાયા નથી, ત્યારે જિલ્લાના ગુહાઈ ડેમમાં માત્ર 20 ટકા જેટલું જ પાણી છે. આ સંજોગોમાં તે ડેમના પાણીનો પીવાના પાણીમાં ઉપયોગ કરવો કે સિંચાઈના પાણી માટે પાણી છોડવું એની દ્વિધા વચ્ચે જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમ સાઈટની મુલાકાત લઈને સર્વે હાથ ધરાયો હતો કે પીવા માટે કેટલું પાણી આપવું અને સિંચાઈ માટે કેટલું પાણી આપવું પરંતુ હાલ ડેમના પાણીની સ્થિતિ પ્રમાણે પીવાના પાણી માટે પહોંચી વળાય તેમ નહિ હોવાનું અધિકારીઓનું માનવું છે.
ચાલુ સાલે ચોમાસા દરમિયાન નહિવત્ વરસાદનાં કારણે ખેડૂતોએ પ્રથમ વરસાદે વાવણી કરેલો પાક માંડ માંડ પકવ્યો છે, ત્યારે હજુ કેટલાય હેક્ટર વાવેતર ઊભું છે. આ સંજોગોમાં પાક બચવવા માટે પાણીની અતિ જરૂરિયાત સર્જાઈ છે. ડેમમાં 20 ટકા પાણી હોવાથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી, ત્યારે ખેડૂતો દ્વારા પણ એક વાર સિંચાઈ માટે પાણીની માંગ કરી છે. પરંતુ ડેમમાં પાણીની સ્થિતિ પ્રમાણે જો સિંચાઈ માટે પાણી અપાય તો માત્ર 1000 હેક્ટરમાં ચાલે એટલું આપી શકાય એમ છે વધારાની સિંચાઈનું પાણી આપી શકાય એમ નથી.
એક તરફ ચાલુ સાલના ચોમાસામાં ઓછા વરસાદને લઈ ખેડૂતોનો પાક નિષ્ફળતાના આરે હતો, ત્યારે હવે જળાશયો ખાલી હોવાથી પીવાના પાણીમાં પણ ઘટ આવનારા દિવસોમાં પડે એવિ સ્થિતિ છે. તો બીજી તરફ સિંચાઈનું પાણી પણ આપી શકાય એમ નથી, ત્યારે હવે આગામી સમયમાં પાણીની તંગી નિવારવા માટે નર્મદાના નીરની આવશ્યકતા ઊભી થઈ છે