સાયકલ ખરીદી કૌભાંડનો અહેવાલ દબાવી દેવાયો

10 માર્ચ 2018માં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલની ખરીદીમાં કરોડોનું કૌભાંડ જાહેર થયું ત્યારે તેની તપાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરવાનો આદેશ આપી તેનો અહેવાલ માંગ્યો હતો. તે અહેવાલ હજુ સુધી જાહેર કર્યો નથી. જેમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી હતી. સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નથી, છતાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તપાસ પૂરી કરી નથી. જેમાં સાયકલ કૌભાંડમાં વડોદરા, મહેસાણા, વલસાડ, કચ્છ આણંદ, પોરબંદર, વલસાડ અને ખેડાના જિલ્લો મુખ્ય જણાય છે. આ જિલ્લામાં ઘણી સાઈકલો ધૂળ ખાતી પડી રહી છે.

મુખ્ય પ્રધાને જે વિગતો માંગી હતી તેમાં પડી રહેલી સાયકલો, ધૂળખાતી સાયકલો, પડી રહેલી સાયકલના સંજોગો, સાયકલો કેટલાં સમયથી પડી રહી છે જેવી વિગતો માંગી હતી. ત્યાર પછી શું થયું તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ભાજપના પ્રચારના કાર્યક્રમોમાં  બાળકોને આ સાયકલ આપવામાં આવતી હોય છે. ગરીબ-બીપીએલ વિદ્યાર્થીનીને ધોરણ-8 અને ધોરણ-9 પાસ કરે ત્યારે સાયકલ આપવામાં આવતી હોય છે.

સાયકલ ખરીદીમાં શંકા એટલા માટે જાય છે કે, જૂની સાયકલો પડી રહી હોવા છતાં કરોડો રૂપિયાની નવી સાયકલ ખરીદવામાં આવે છે. .

8.48 લાખ સાયકલ ખરીદી

રૂપાણી સરકારે છેલ્લા 4 વર્ષમાં રૂ.220 કરોડની કૂલ 8.46 લાખ સાયકલો ખરીદાઈ છે. જુની સાયકલોનો હિસાબ વિશે કોઈ જ ધ્યાન રાખવામાં આવતું નથી. જે ભંગાર બની જાય છે.

ક્યાં કેટલી સાયકલ પડી રહી

1 – આણંદમાં 5 હજારથી વધુ સાયકલો પડી રહી.

2 – વલસાડની સરકારી કુમાર છાત્રાલયમાં 1000થી વધારે સાયકલો ત્રણ વર્ષથી પડી રહી હતી.

3 – ખેડાના ઠાસરાની વાણુતી પ્રાથમિક શાળામાં 500 સાયકલો પડી રહી હતી.

4 – તારાપુરની કુમારશાળામાં 58 સાયકલો સડેલી અઢી વર્ષથી પડી હતી.

5 – પોરબંદરમાં 168 સાયકલને પરત જમા કરવવા કહ્યું પણ પડી રહી હતી.

6 – ખેડામાં 10 હજાર સાયકલો પડી રહી હતી તેમ છતાં નવી સાયકલો ખરીદવામાં આવી હતી.

7 – આંકલાવ તાલુકામાં જૂની સાયકલ હતી છતાં નવી 1000 સાયકલો ખરીદવામાં આવી હતી.

8 – જિલ્લાઓમાં 50 થી 1000 સુધીની સાયકલો આપી પણ બાળકો સુધી પહોંચી શકી નથી.

ગ્રીમકો દ્વારા ખરીદાયેલી સાયકલ

વર્ષ – રૂપિયા કરોડ – સાયકલ લાખ નંગ – એક સાયકલની કિંમત

2014-15 – 45.93 – 1.89 – 2430

2015-16 – 54.92 – 2.20 – 2496

2016-17 – 56.96 – 2.24 – 2542

2017-18 – 62.11 – 2.13 – 2915

કૂલ – 219.92 – 8.46 – 2599 (સરેરાશ)

સરકારને સવાલ

સાયકલ સ્ટોકમાં હોવા છતાં કેમ ખરીદ કરાય છે ?

શું ખરીદી માત્ર કાગળ પર થાય છે ?

સાયકલ કોને આપવામાં આવી તેનો રેકોર્ડ જાહેર કરાય છે ?

વિદ્યાર્થીઓને સાયકલ કેમ પહોંચતી નથી ?

જેમને પહોંચે છે તેની સ્થિતી કેમ સારી નથી ?

(દિલીપ પટેલ)