ગીરનાં જંગલોમાં એક મહિનાનાં ટૂંકા ગાળામાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ મામલે ગંભીર નોંધ લઈને રાજ્ય સરકાર અને વન વિભાગની આકટી ટિકા કરી છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સિંહોનાં મોત મામલે સવાલો ઉઠાવ્યાં છે.
ગીરનાં એશિયાટિક સિંહોનાં થઈ રહેલાં ટપોટપ મોતનાં મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે સાથે એવો આક્ષેપ પણ કર્યો છે કે માનવસર્જિત આ ઘટનામાં ગુજરાતનાં ગૌરવ અને ઓળખ સમાન સિંહો ગુમાવવા પડે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અને એક મહિનામાં 23 સિંહોનાં મોતને ઈનફાઈટનાં કારણે મોતમાં ખપાવીને રાજ્યનું વન વિભાગ ઢાંકપિંછોડો કરવાનો જે પ્રયાસ કરી રહી છે તે અયોગ્ય છે.
પોતાનાં બે પાનાંનાં પત્રોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઈએ એ થઈ નથી, કેમ કે જુદા-જુદા પ્રકારનાં વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, કેનાઈન ડિસ્ટેમ્પર, ઈમ્યુનો ડિફેશચ્નીશ વગેરેથી સિંહ-સિંહણની શ્વાસનળી-ફેફસાં અને લિવરને નુકસાન થતું હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવાયાં નથી.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સિંહોનાં મૃત્યુ કુદરતી પ્રક્રિયા સિવાય ન થાય તે માટે લગભગ વર્ષ 2007માં સિંહો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી આવે તો શું કરવું? પરંતુ તેમ છતાં આજદિન સુધી સિંહોને ડાયેરિયા, તાવ, લોહીવાળા ઝાડા થાય, શરદી, ભૂખ ન લાગવી કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધૂનિક ટેક્નોલોજી અને અને સાધનોથી સજ્જ લેબ હોવી જોઈએ તે નથી. પરિણામે સમયસર નિદાનો થતાં નહિ હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
તેમણે પોતાનાં પત્રમાં એવું પણ કહ્યું છે કે, બિનકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે, જેમાં વન વિભાગ ખૂદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતાં માંસાહાર વખતે તેમાં રસાયણો નાંખીને સિંહોને અર્ધબેભાન અવસ્થામાં આવે તેવું કરવામાં આવે છે તેનાં કારણે સિંહ દર્શન નજીકથી કરી શકાય અને તેના માટે વ્યક્તિઓનાં ગ્રૂપદીઠ રૂપિયા પાંચથી દસ હજાર જેવી રકમ લેવામાં આવતી હોવાનો પણ આરોપ મૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં સિંહોને રંજાડતાં અને મરઘી બતાવી પરેશાન કરતાં વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગનાં સત્તાધીશો હરકતમાં આવ્યાં હતાં.
તેમણે મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં સિંહોનાં અકુદરતી મૃત્યુ બાબતે, વન વિભાગની બેદરકારી બાબતે તેમ જ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવી જવાબદાર વન અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા લખાયેલાં આ પત્ર બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકાર કેવાં પગલાં ભરે છે કે માત્ર રાજકીય રોટલો શેકવાનાં આશયે આ પત્ર લખાયો હોય એવું નિવેદન આપે છે એ જોવું રહ્યું.