સિંહોનાં મોત ઈનફાઈટથી નહિ પણ વાયરસના કારણે જ થયાં હોવાનો મત

ભારત દેશનું ગૌરવ અને એશિયાઈ સિંહો પર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તેમ  11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. વનવિભાગના અધિકારીઓએ દાવો કર્યો આ સિંહોનાં મોતનું કારણ ઇન્ફાઇટ છે પરંતુ વાત સાંભળી તમને નવાઈ લાગશે શું એટલી બધી સંખ્યામાં મોતનું કારણ ઇન્ફાઇટ હોય ખરા પરંતુ આ વાતને લઇ અમરેલી જૂનાગઢ ગાંધીનગર સુધી વનવિભાગ ગૂંચવાયું છે ત્યારે અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમી અને ગ્રીન બ્રાન્ડ એમ્બેસેડર સહીત સિંહોના નિષ્ણાતો અને સિંહ પ્રેમીઓ ની સાથે વાતચીત કરી. શંકાસ્પદ સિંહોના મોત મામલે મોટાભાગના લોકોએ સિંહો સહિત વન્યપ્રાણીમાં વાયરસની શંકા દર્શાવી અને સ્થાનિક વનવિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સિંહ ભારત દેશ ગુજરાત સૌરાષ્ટ્રનું ઘરેણું અને ગૌરવ કહેવાય છે, પરંતુ સિંહોની માઠી દશા બેસી છે અને વનવિભાગ અને રાજ્યસરકાર મસમોટા દાવા ઓ કરે છે અને સિંહોને બચાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. આ વાત છે અમરેલી જિલ્લાની અહીં આવેલ ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં એક સાથે 11 દિવસમાં 11 સિંહના મોત સાથે રાજુલા રેન્જના ભેરાઈમાં સિંહણનું શંકાસ્પદ મોત આમ 12 સિંહોનાં મોતથી સમગ્ર અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ ગાંધીનગર જૂનાગઢ વનવિભાગની ઉચ્ચ અધિકારીની ટીમો અહીં પહોંચી ધારી વનવિભાગની ઓફિસ ખાતે બેઠક કરી સ્થળનું નિરીક્ષણ કર્યું અને સિંહોના મોતથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો. ત્યારબાદ બીજા દિવસે દિલ્હીની કેન્દ્રીય અલગ અલગ ટીમો આવી સાથે પી.સી.સી.એફ સહીતના ઉચ્ચ અધિકારીઓ આવ્યા તપાસ કરી પી.એમ બાદ સેમપલની ચકાસણી કરવાનો દાવો કર્યો અને આ પ્રકારની ગંભીર ઘટના બની તેમ છતાં સ્થાનિક બીટ ગાર્ડથી લઈને આરએફઓ, ડીએફઓ, સી.સી.એફ., એ.સી.એફ. સહીતના વનવિભાગના અધિકારીઓએ 3 દિવસ સુધી પોતાના સરકારી નંબર સ્વિચ ઓફ કરી દેવાની ફરજ પડી અને ત્યારબાદ તારીખ 23ના રોજ બપોરે જૂનાગઢમાં વનવિભાગના અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ બોલાવી દાવો કર્યો કે અહીં કુદરતી બીમારી અથવા તો ઇન્ફાઇટના કારણે સિંહોના મૃત્યુ થયા છે. જો કે ઈન્ફાઇટનું કારણ વનવિભાગે જાહેર કરતા અહીં ઉડી ને આંખે વળગે તેવી વાત એ છે શા માટે ગાંધીનગર દિલ્હી વનવિભાગની ટીમને ધારી પંથકમાં દોડી આવવાની જરૂર પડી? શા માટે વનવિભાગને મીડિયાથી દૂર ભાગવાની જરૂર પડી? શા માટે વેટેનેરી ડોક્ટરો મીડિયા સાથે સીધી વાત નથી કરતા? આવા અનેક સવાલો વનવિભાગ સામે ઉઠી રહ્યાં છે.
અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમી પ્રકૃતિ પ્રેમી લાઈન ફાઉન્ડેશન સહીત વનવિભાગ અને સિંહો સાથે સંકળાયેલા લોકોની સાથે વાત કરી સિંહોના મોત પાછળનું કારણ શું અને હવે સિંહો માટે શું કરવું જોઈએ સહિતની સિંહોની સલામતી અને સુરક્ષા જાળવવા માટે શું શું પગલાં લેવા જોઈએ તે જાણવા માટેનો પ્રયાસ કર્યો.
ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ માં 11 સિંહોના મોતની ઘટનાને સૌ કોઈએ દુઃખદ ગણાવી. સિંહો સહિત વન્યપ્રાણીમાં કોઈ વાયરસ અથવા તો કોઈ ગંભીર પ્રકારનો વાયરસ હોવાની આશંકા દર્શાવી રહ્યાં છે. અને ઈન્ફાઇટની ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે. ઇન્ફાઇટની ઘટના ક્યારે બને સિંહોના ગ્રુપ ખૂંખાર હોય અને ખૂબ ઓછા પ્રમાણમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. મોટાભાગે વનવિભાગ સિંહોના મોતમાં ઈન્ફાઇટનું કારણ આગળ ધરી મામલો છૂપાવે છે. જયારે જયારે સિંહોના મોત અને સિંહોની પજવણી કરતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે વનવિભાગ તેમની જવાબદારી નિભાવવાના બદલે જવાબદારીમાંથી છટકવાનું પસંદ કરતા વધારે જોવા મળે છે.
સિંહો અને વન્યપ્રાણીમાં ગંભીર પ્રકારનો વાયરસ છેલ્લા 1 માસથી આવ્યો હોવાની આશંકા જોવા મળી રહી છે. પ્રથમ રાજુલા શહેરમાં આવેલ કુંભનાથ મંદિર પર આવેલ ધાર પર બીમાર દીપડો જોવા મળતાં રાજુલા વનવિભાગે જન્માષ્ટમીના તહેવારમાં સાતમની રાતે દીપડો પાંજરે પૂરી બાબરકોટ નર્સરી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો. ત્યાં વેટેનરી ડોક્ટર સારવાર કરી રહ્યાં હતા અને દીપડાને પ્રથમ હોમીટ થયું અને મોંમાંથી ફીણ નીકળી દીપડાનું મોત થયું ત્યાર બાદ વનવિભાગે દીપડો બીમારીના કારણે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે રાજુલાના ભેરાઇના ખારામાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો અને અમરેલી ડીસીએફ પ્રિયન્કા ગેહલોત સહીતના વનવિભાગના અધિકારીઓનો કાફલો પહોંચ્યો. ઘટના સ્થળે અને સિંહણના મોંમાંથી ફીણ નીકળ્યા હતા. જેથી મીડિયાકર્મીઓ સ્પોટ પર કવરેજ કરવા પહોંચ્યાં, પરંતુ સ્થાનિક અધિકારીઓએ મામલો દબાવી ખાનગી રીતે મૃતદેહનો કબ્જો મેળવી લીધો. તેનું કારણ હજુ સુધી વનવિભાગે જાહેર નથી કર્યું. ત્યારબાદ 2 દિવસ પછી ધારીના દલખાણીયા રેન્જમાં 11 દિવસમાં 11 સિંહના મોત થયાનું બહાર આવ્યું. તેમાં પણ પ્રથમ સિંહોને મોઢામાંથી ફીણ નીકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વાત ધારી વનવિભાગ સ્વીકારવા અને આ અંગે મીડિયા સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી.
અમરેલી જિલ્લામાં સિંહોના વસવાટ પર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ લીલીયા રેન્જ, સાવરકુંડલા ખાંભા રાજુલા જાફરાબાદ પીપાવાવ સહિત અનેક વિસ્તારમાં સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ છે. ત્યારે વનવિભાગ ખાનગી રહે તપાસ તો કરી રહ્યું છે, પરંતુ જો વધુ ઇન્ફેક્શનના કારણે મોટાભાગના સિંહોમાં આ પ્રકારનો વાયરસ લાગી આવશે તો અમરેલી જિલ્લામાં રહેલા સિંહોની સંખ્યામાં ખુબ મોટો ઘટાડો આવે તેવી એક શક્યતા છે. જોકે હાલમાં વનવિભાગે આદેશ આપ્યા છે તે મુજબ તમામ સિંહોનું રેસ્ક્યુ કરી ચકાસવામાં આવશે તો કયા પ્રકારનો વાયરસ અને કેવી રીતે થાય છે સિંહોના મોત તેનું કારણ બહાર આવે તેમ છે. પરંતુ વનવિભાગના દાવા સામે મોટાભાગના લોકોએ વાયરસની શંકા દર્શાવી છે. ત્યારે હવે જોવાનું એ છે શું વનવિભાગ અને રાજ્ય સરકાર સિંહોને બચાવવા કોઈ ખાસ એક્સન પ્લાન ઘડશે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશે.