સિંહોનાં મોત મામલે ઢાંક પિંછોડો, ઈનફાઈટિંગને કારણે થયા વાઈરસથી નહીં

છેલ્લાં 11 દિવસમાં 11 સિંહોનાં મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને આ તમામ સિંહોનાં મોત અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીર જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જમાં થયા હોવાનું ખૂલતાં નિંભર તંત્ર સફાળું જાગ્યું હતું અને આ મોતનાં કારણો શોધવા માટે ગીરનાં જંગલો ખૂંદવાનું શરૂ કર્યું હતું. જોકે, આ બાબતે પણ રાજ્ય સરકારનાં વન વિભાગ દ્વારા ઢાંક પિંછોડો કરવામાં આવી રહ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કેમ કે, સરકારે સિંહોની ઈનફાઈટિંગનું કારણ આગળ ધર્યું છે. જોકે, સિંહોનાં મૃતદેહ જોતાં એવું લાગી રહ્યું છે કે, સિંહોની ઈનફાઈટિંગ આ મોત માટે જવાબદાર નથી, પરંતુ વાઈરસ ફેલાવાનાં કારણે મોત થયાં છે. કેમ કે, સિંહોનાં મોંઢામાંથી ફીણ નીકળેલાં જોવા મળ્યાં છે, જ્યારે ઈનફાઈટિંગ હોય તો તેનાં શરીર પર ઈજાનાં નિશાન હોવા જોઈએ જે જોવા મળતાં નથી. ત્યારે સરકારનાં વનવિભાગની કામગીરી ઉપર અનેક સવાલ પ્રાણીવિદ્દો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
પ્રાથમિક તપાસનાં અંતે આજે બપોરે રાજ્યનાં અગ્ર મુખ્ય વનસંરક્ષક જી. કે. સિન્હાએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે, 11 સિંહોનાં મોત થયાં છે અને તે કોઈ વાઈરસને કારણે નહિ પરંતુ, ક્ષેત્ર અધિકાર માટેની લડાઈ એટલે કે સિંહોની ઈનફાઈટીંગનાં કારણે મોત થયાં છે. અને જે 11 સિંહોનાં મોત થયાં છે તે માત્ર દલખાણિયા રેન્જમાં જ નહિ પરંતુ અન્ય જસાધાર રેન્જમાં પણ મોત થયાં છે. તેમણે એવું કહ્યું કે, 9 સિંહોનાં મોત દલખાણિયા રેન્જ તેમ જ બે સિંહોનાં મોત જસાધાર રેન્જમાં થયાં છે.
આ સમગ્ર ઘટના અંગે જે અખબારી યાદી આપવામાં આવી તેમાં પણ મોટો વિવાદ ઊભો થયો છે. કેમ કે, આ અખબારી યાદીમાં એવું જણાવ્યું છે કે, 2 સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાનાં બાકી છે, જ્યારે અગ્ર મુખ્ય વનસંરક્ષક સિન્હાનાં મતે ત્રણ સિંહોનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાનાં બાકી છે. આ બતાવે છે કે, સિંહોનાં મોત મામલે રાજ્ય સરકારનાં વન વિભાગ દ્વારા કંઈક છૂપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
તો બીજી બાજુ ભરૂચ આવેલાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહોનાં મોત મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સિંહોનાં મોત બાબતે તપાસ ચાલી રહી છે અને જે સત્ય હશે તે ઉજાગર કરવામાં આવશે અને જો આ સિંહોનાં મોત કુદરતી નહિ પરંતુ અકુદરતી રીતે થયાં હશે તો સિંહોનાં મોત મામલે જે કોઈ જવાબદાર હશે તેમની સામે આકરાં પગલાં ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા 48 કલાકથી વધુ સમય દરમિયાન 3 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 12 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટ અને ફેફાસમાં સંક્રમણ જણાવ્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 2 નર સિંહનાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.