સિંહોનું ચાર મહિનાનું વેકેશન પૂર્ણ, આજથી શરૂ થયું જંગલ સફારી

ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં વતન ગીરનાં જંગલોમાં આજથી ફરી પ્રવાસીઓની અવરજવર ફરી શરૂ થશે. સિંહોનાં ચાર મહિનાનાં વેકેશન બાદ વન વિભાગ દ્વારા આજથી ફરી જંગલનાં દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્લાં મૂકવામાં આવશે. સાથે સાથે પ્રતિ વર્ષ પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલાં વધારાને જોતાં ગુજરાત સરકારે પરમીટમાં પણ વધારો કર્યો છે.
15મી જૂનથી 16 ઓક્ટોબર સુધી ચાર મહિના દરમિયાન સિંહોનો સંવનનકાળ હોવાનાં કારણે વન વિભાગ દ્વારા ગીરનાં જંગલમાં પ્રવાસીઓનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હોય છે. આ પ્રતિબંધ પાછળનું કારણ સિંહોનાં સંવનન દરમિયાન કોઈ જાતની ખલેલ ન પડે તે હોવાનું વન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું. સિંહોનાં ચાર મહિનાનાં વેકેશન બાદ મંગળવારથી ફરી ગીરનાં જંગલમાં પ્રવાસીઓનો ધમધમાટ વધી જશે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી દિવસની 90 પરમિટ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગીરનાં જંગલમાં પ્રવાસન વિભાગ દ્વારા કરાયેલાં પ્રચારને લઈને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકારે આ વર્ષથી પ્રતિદિન 150 પરમિટ આપવાનો નિર્ણય કર્યો છે. આમ દિવસની 60 પરમિટનો વધારો કર્યો હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગીરનાં જંગલોમાં પ્રવાસીઓને સિંહ જોવા માટે જિપ્સી દ્વારા લઈ જવામાં આવે છે. જેમાં ગાઈડ પણ હોય છે. પરંતુ સિંહોને જોવા માટે પ્રવાસીઓએ અગાઉથી પરમિટ કઢાવવાની રહેશે અને તે પણ ઓનલાઈન જ કઢાવવાની હોય છે. અને આ પરમિટ માટે કુલ રૂપિયા 2700 જેટલું પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાનું હોય છે. આ રકમમાં પરમિટ પેટે રૂપિયા 800, જિપ્સીનાં રૂપિયા 1500 અને ગાઈડનાં રૂપિયા 400 વસૂલવામાં આવે છે. ખાસ વાત એ છે કે, પ્રવાસીઓને વનવિભાગ દ્વારા જિપ્સીમાં જ સિંહ દર્શન માટે જવાનું હોય છે, ખાનગી વાહનોને મંજૂરી આપવામાં આવતી નથી. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા દેવળિયા પાર્કમાં પણ સિંહ દર્શન માટે ખાસ જિપ્સીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિપ્સીમાં લોખંડનાં પિંજરા લગાવેલાં હશે. જેથી સિંહ દર્શન સમયે જો કોઈ સિંહ હુમલો કરે તો પ્રવાસીઓને નુકસાન ન થાય. દેવળિયા પાર્કમાં અત્યાર સુધી વન વિભાગની બસ દ્વારા જ સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, પરંતુ આ વર્ષથી પહેલીવાર લોખંડનાં પિંજરાવાળી 70 જિપ્સી દ્વારા દેવળિયા જંગલ સફારીની મુલાકાત લઈ શકાશે. અને આ વખતે દેવળિયા પાર્કની ખાસિયત એ છે કે પ્રથમવાર 25 જેટલી મહિલા ગાઈડની પણ નિમણૂંક કરવામાં આવી છે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારી નિયમ ઉપરાંત કેટલાંક અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવામાં આવે છે અને તે માટે રાતનો સમય વધારે પસંદ કરવામાં આવે છે. કેમ કે, રાતનાં સમયે સિંહ સામાન્ય રીતે શિકાર કે પાણી પીવા માટે જંગલમાં ટહેલતાં હોય છે અને આ વાતનો લાભ કેટલાંક લાંચિયા અધિકારીઓ ઉઠાવતાં હોય છે. અને એવું કહેવાય છે કે આવા ગેરકાયદેસર સિંહ દર્શન સમયે જે મારણ આપવામાં આવે છે તેનાં દ્વારા વાઈરસ ફેલાતો હોય છે જેનાં કારણે સપ્ટેમ્બર મહિનામાં ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. આ તમામ સિંહો પૈકી મોટાભાગનાં સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઘટના બાદ હવે સિંહોનું વેકેશન પૂર્ણ થતાં જ ફરી ગીરની જંગલ સફારીની ટૂર આજથી શરૂ થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, સોમવારે પણ ગીરનાં સિંહોનાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને એક રિટ પિટીશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કરેલાં સોગંદનામાં બાદ બુધવારે હાઈકોર્ટ દ્વારા સિંહો માટે નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવે એવી શક્યતા રહેલી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર અને વન વિભાગ તાજેતરમાં બનેલી ઘટના બાદ ગંભીર થઈ છે કે નહિ.