સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ

સી. આર. પાટીલ નવસારીના ત્રીજી વખતના ભાજપના સાંસદ છે. તેમની સામે મોરચો મંડાઈ ચૂંક્યા છે. જયારે નવસારીમાં ઉમેદવારોને લઇને સેન્સ લેવામાં આવી રહી હતી ત્યારે કોળી સમાજના નેતાઓએ સી. આર. પાટીલ સામે વિરોધ કર્યો હતો. કોળી સમાજને ટિકિટ આપવાની માંગણી કરી છે. નવસારીમાં કોળી સમાજના 4 લાખ મતદારો છે. તેથી બિનગુજરાતીને બદલે આ વખતે નવસારીના સાંસદની સીટ પરથી કોળી ઉમેદવારને ટીકીટ આપવામાં આવે.

નવસારીની 7 વિધાનસભામાંથી 4માં કોળી પટેલ મતદારો વધું છે. નિરિક્ષકો સમક્ષ કોળી આગેવાનોએ કોળી પટેલ ઉમેદવાર પસંદ કરવા માગ કરી છે. નવસારી બેઠક પર સંભવિત ઉમેદવારોમાં સીઆર પાટીલ, કેન્દ્ર સરકારમાં ટુરિઝમ વિભાગના ડિરેક્ટર અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય કરશન પટેલ, સુરત શહેર ભાજપ ઉપપ્રમુખ પી.વી.એસ.શર્મા, આરએસએસના નજીકના સુષ્મા અગ્રવાલના નામ ચર્ચામાં છે.

આ બાબતે સાંસદ સી. આર. પાટીલ માને છે કે, કોઈ પણ સમાજનુ પ્રભુત્વ નવસારીની બેઠક પર નથી.કોઈ સમાજના આધારે પાર્ટી ટીકીટ આપતી નથી. છતાં પણ પાર્ટીને યોગ્ય લાગશે તેને ટીકીટ આપશે. અમે તેના માટે કામ કરીશુ.

અગાઉ પણ આવો જૂથવાદ તેમની સામે હતો

2009થી વિરોધ થાય છે
પૂર્વ પોલીસકર્મી ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ઉર્ફે સી.આર. પાટિલ 2009માં નવસારીના સાંસદ બન્યા બાદ શહેર ભાજપ અને પાલિકાના વહીવટ પર સંપૂર્ણ કબજો જમાવનાર સી.આર.પાટિલ સામે મજબૂત મોરચાબંધી ઊભી થઇ છે. અને તેમના અંગત ગણાતા લોકો તેમને છોડી રહ્યાં છે. આમ સુરતમાં લડાઈ પાટિલ Vs પટેલ બની ગઈ છે. દામ, સામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં માહિર છે.

પોતાના માણસો ગોઠવી દીધા

પોતાના અંગત ગણાતાં પૂર્ણેશ મોદીને સુરત શહેર ભાજપના પ્રમુખ બનાવી દીધા હતા. વહીવટ ઉપર પોતાના માણસોને બેસાડી દીધા હતા. પોલીસની પદ્ધતિમાં કામ કરવા પંકાયેલા સી.આર પાટિલ સામે સુરતમાં અવાજ ઉઠાવનાર કોઈ નથી. જો કે તેમની કામ કરવાની છટાથી નારાજ થઇને એક પછી એક નેતાઓ તેમની છાવણીમાંથી નીકળી ગયા હતા.
સુરત શહેર ભાજપમાં સી.આર. પાટિલ વિરુદ્ધ બધા એવું ચિત્ર ઊભું થયું હતું. કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની તમામ સવલતો તેઓ સાચવે છે. સુરતમાં પાટિલ Vs પટેલ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. પાટિલના ખાસ ગણાતા પીવીએસ શર્મા, પૂર્વ પ્રધાન પ્રધાન નરોત્તમ પટેલ વિરોધી છાવણીમાં ગયા બાદ મેયર અને શહેર પ્રમુખને પોતાની સાથે રાખવા પાટિલ રાખી શક્યા ન હતા. વિશ્વાસુ સાથીદારો એક પછી એક તેમને છોડીને વિરોધી છાવણીમાં બેસી ગયા હતા.
પોતાના વફાદારોને સાચવવામાં નિષ્ફળ ગયા છે. સી.આર.પાટિલના પહેલેથી જ વિરોધી રહેલાં માજી સાંસદ પ્રવીણ નાયક, ધારાસભ્ય કિશોર વાંકાવાલા, રાજ્યના પ્રધાન રણજિત ગિલીટવાલા, ધારાસભ્ય નાનુ વાનાણી, સાંસદ દર્શના જરદોશે સંગઠિત થઇ સી.આર.પાટિલને ટક્કર આપવાની રણનીતિ બનાવી હતી.

પાટિલ સામે પાટિલ

સુરત ઇન્કમટેકસવિભાગમાં ફરજ બજાવતાં પીવીએસ શર્મા 2010માં સી.આર.પાટિલની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા હતા. કોર્પોરેટર બન્યા હતા. જોકે ગણતરીના સમયમાં સી.આર.પાટિલના વિરોધી બની ગયા હતા. સી.આર.પાટિલના બિહારી સંમેલનને સમાંતર તેમણે તેલૂગુ સંમેલન યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. સ્થાયી સમિતિ અધ્યક્ષ ભીમજી પટેલ પણ વિરોધમાં ગયા હતા. પાટિલના ચેલા પૂર્વ ડેપ્યુટી મેયર ડો. રવીન્દ્ર પાટિલે પણ છેડો ફાડી નાંખ્યો હતો.

પાટિલ પર આરોપો

પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી ઉદ્યોગપતિ બન્યા બાદ રાજકારણમાં મજબૂત પગ નાખનારા સી.આર. પાટિલ સામે સૌથી મોટો આરોપ સુરતની ડાયમંડ જ્યુબિલી કો-પરેટીવ બેંક ડુબાડવાનો છે. રૂ.65 કરોડના ડીફોલ્ટર તેઓ હતા. પાટિલની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. મહિનાઓ જેલમાં રહ્યાં બાદ અદાલતમાં છુટકારો થયો હતો. જોકે ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગળી પકડી તેઓ 2૦૦9મા સાંસદની ટિકિટ મેળવી જીત્યા પણ હતા. જોકે આ પહેલાં તેમને બેન્કના બાકી નીકળતાં વ્યાજસહિતના રૂ.90 કરોડ રૂપિયા ભરી દીધા હોવાનું જાહેર કરવું પડ્યું હતું.
વલસાડના કાર્યક્રમમાં પાટિલનો વિરોધ થયો હતો અને તેમને સભા વચ્ચેથી છોડી જતું રહેવું પડ્યું હતું.

નરેન્દ્ર મોદીએ વિકાસનો જે નારો આપ્યો તેમાં પ્રજાનો વિકાસ કેટલો થયો તેની ખબર નથી, પણ નેતાઓનો જરૂર વિકાસ થયો છે. કેન્દ્રીય ચુંટણી પંચ સામે થયેલી ફરિયાદ પ્રમાણે નવસારીના સાંસદ સી આર પાટીલે ચુંટણી પંચ સામે કરેલા સોંગદનામામાં પોતાની આર્થિક બાબતો છુપાવી હોવાનો આરોપ છે. 1988 સુધી ગુજરાત પોલીસમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવનાર પાટીલે પોલીસમાંથી રાજીનામું આપ્યા તેના બીજા જ વર્ષે પોતાની પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરી હતી. પાટીલ પાસે પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરવા માટે પૈસા કયાંથી આવ્યા તેની તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી છે.

કરપ્શન ફ્રિ ઈન્ડીયાના અમિત તિવારી દ્વારા ચુુંટણી પંચ સામે કરેલી ફરિયાદમાં સી આર પાટીલ સામે કેટલાંક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે સી આર પાટીલ બે વખત ચુંટણી લડયા છે. જેમાં 2009 અને 2014માં તેમણે ચુંટણી પંચ સામે કરેલા સોંગદનામા પ્રમાણે નગીના ડાઈંગ મિલ અને તેમણે લીધેલી બેંક લોનની માહિતી તેમણે છુપાવી હતી જેમાં 2009ના સોંગદનામા પ્રમાણે નગીના ડાઈંગ મિલમાં તેમના નામે 76.20 લાખ જમા છે, જયારે મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઈટ પ્રમાણે 1999થી નગીના ડાઈગમાં તેમના 19.50 લાખ ઉધાર બોલી રહ્યા છે.

આ ઉપરાંત ચંદ્રકાંત પાટીલે 1988માં પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી છોડી અને પત્ની ગંગાબહેન ચંદ્રકાંત પાટીલના નામે સાઈકૃપા ડાઈંગ મિલ શરૂ કરી હતી, જેની મુડી 15 લાખ બતાડવામાં આવી હતી. તો પોલીસની નોકરી 1988માં છોડનાર ચંદ્રકાંત પાટીલ પાસે આ પંદર લાખ આવ્યા કયાંથી તેની પણ પંચે તપાસ કરવી જોઈએ તેવી માગણી કરી છે. કેન્દ્રીય તપાસ પંચે આ બાબતે તપાસ કરવા સુરતના ચુુંટણી અધિકારીને આ ફરિયાદ મોકલી આપી છે. જોકે બીજી બાજુ સીઆર પાટીલનું કહેવું છે કે ફરિયાદ ખોટી છે. ચૂંટણી સમયે તેમની બદનક્ષી કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેઓ તેની સામે કોર્ટમાં જશે.