રાજ્યસભાની બે બેઠકો માટે 5મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બન્ને બેઠકોનાં અલગ અલગ મતદાન માટેનાં ચૂંટણી પંચનાં નિર્ણયને પડકારતી કોંગ્રેસની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને મોટો ઝટકો આપ્યો છે. સાથે સાથે આ બન્ને બેઠકો પર અલગ અલગ મતદાન થવાથી રાજ્યસભાની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચૂંટણી પંચ દ્વારા પોતાનો જવાબ રજૂ કરાયો હતો જેમાં પંચે સ્પષ્ટ કહ્યું હતું કે, અલગ અલગ મતદાન કરાવી શકાય એવો નિયમ છે અને બે હાઈકોર્ટનાં ચુકાદાને ટાંકીને જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મામલે મંગળવારે હાથ ધરાયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દેતાં કહ્યું કે, ચૂંટણી પંચની કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકાય નહિ અને કાયદાની દ્રષ્ટિએ જે નિર્ણય પંચે કર્યો છે તે યોગ્ય છે. તેમ છતાં પણ જો એવું લાગતું હોય કે, આ નિર્ણય અયોગ્ય છે તો ચૂંટણી પૂર્ણ થયાં બાદ હાઈકોર્ટમાં અપીલ કરી શકાય.
કોંગ્રેસને મળેલાં ‘સુપ્રીમ’ ઝટકાને કારણે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે અલગ અલગ મતદાન કરવાનો માર્ગ મોકળો થઈ જતાં હવે આ બન્ને બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. કેમ કે, બન્ને બેઠકો પર અલગ અલગ મતદાન થવાનું હોવાથી અને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100 હોવાનાં કારણે આ બન્ને બેઠકો પરથી કોંગ્રેસનો એકડો સરળતાથી નીકળી ગયો છે.
સુપ્રીમનાં આ ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ખોટી રીતે પંચનાં નિર્ણયને પડકાર્યો હતો અને તેનો જવાબ સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસને મળેલા ઝટકા પરથી સાબિત થઈ ગયું છે કે, કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે અને તેને કોઈપણ સંજોગોમાં કિનારો મળી શકે એમ નથી.
આ ચુકાદા મામલે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે, અમને દેશની ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ હતો અને આખરે સત્યનો વિજય થયો છે.
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા સંદર્ભે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ભાજપ દ્વારા લોકશાહીની સતત હત્યા કરાઈ રહી છે ત્યારે અમે લોકશાહી બચાવવા માટેની અમારી લડતને ચાલુ જ રાખીશું. તો, અર્જૂન મોઢવાડિયાએ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની ટિકા કરતાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે મેરિટનાં આધારે આ ચુકાદો નથી આપ્યો.
દરમિયાનમાં ભાજપનાં બન્ને ઉમેદવારોએ વિજય મૂહુર્તમાં પોતાનાં ઉમેદવારી પત્રો ભર્યા હતાં. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને જુગલ ઠાકોરે ઉમેદવારી પત્રો વિધાનસભા સચિવને સુપરત કર્યાં હતાં. તો બીજી બાજુ કોંગ્રેસે પણ બે બેઠકો માટે પોતાનાં ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પર ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્રનાં મહિલા આગેવાન ચંદ્રિકાબહેન ચૂડાસમા અને અહેમદ પટેલનાં વિશ્વાસુ તેમ જ દક્ષિણ ગુજરાતનાં કોંગ્રેસનાં અગ્રણી ગૌરવ પંડ્યાએ પણ પોતાનાં ઉમેદવારી પત્રો રજૂ કર્યાં હતાં.
દરમિયાનમાં, સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસને મળેલાં ઝટકા બાદ કોંગ્રેસનાં જ ધારાસભ્યોમાં અલગ અલગ સૂર વ્યક્ત કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસનાં કેટલાંક ધારાસભ્યો એવું માને છે કે, આ સંજોગોમાં કોંગ્રેસે ઉમેદવાર ઊભા જ ન રાખવા જોઈએ અને આ ચૂંટણી ન લડવી જોઈએ. જોકે, ધારાસભ્યોનું બીજુ જૂથ એવું માની રહ્યું છે કે, ભાજપ દ્વારા જે ખોટી રીતો અપનાવીને ચૂંટણી યોજવાનું દબાણ ચૂંટણી પંચ પર કરાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે પોતાનાં ઉમેદવારો ઊભા રાખવા જોઈએ અને પરાજય થાય પછી આ મુદ્દાને પ્રજાની વચ્ચે લઈને લોકશાહી બચાવવા માટેનાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવું જોઈએ.