સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ IPS કેમ થયા

સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ ગોહિલે બાળપણ થી જ કંઈક એવું કરવાનું સ્વપ્ન સેવ્યુ હતું કે, જેથી નોકરી સાથે સાથે લોકોની સેવા પણ કરી શકાય. આમ ધોરણ 12 સાયન્સ સુધી સુરેન્દ્રનગરની દયામય માતા અંગ્રેજી સ્કૂલમાં ભણેલા અને પાર્થરાજસિંહને બાળપણમાં જનરલ નોલેજ અને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો શોખ હતો. પાર્થરાજસિંહે ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને 12માં અંગ્રજી માધ્યમમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમના પિતા નવલસિંહ એન્જિનિયર હતા. પરિવારમાં કોઈએ સિવિલ સર્વિસ પાસ નહોંતી કરી એટલે એ અંગે માહિતી ઓછી હતી, પરંતુ ધોરણ 7માં હતા ત્યારે તેમના મામાએ સિવિલ સર્વિસીસની માહિતી આપી હતી.

આમ ધીમે ધીમે રૂચિ વધતી ગઈ 12 ધોરણ બાદ જામનગરની એમ. પી. શાહ કોલેજમાં MBBS કરતા હતા, ત્યારે સાથે સાથે UPSCની તૈયારી કરતા હતા. આથી મુખ્યપ્રવાહની તૈયારીમાં ઓછું ધ્યાન આપી શકતા હતા. કોલેજના છેલ્લા વર્ષના વાઇવાના સમયે શિક્ષકે એક સવાલ કર્યો હતો, પરંતુ UPSCની તૈયારી કરતા હોવાથી તેનો જવાબ ન આપી શક્યા. જો કે શિક્ષકે જે શબ્દો કહ્યા, તે શબ્દો પાર્થરાજસિંહને અસર કરી ગયા હતા. શિક્ષકે કહ્યું હતું કે, જા તું કોઈ ગામડાના મેડિકલ ઓફિસરમાં જ ચાલીશ.

આમ આ શબ્દો મોટિવેશન બન્યા અને ડોક્ટરમાંથી IPS બનવાના સ્વપ્નોને સીડી મળી કોલેજમાં તત્કાલીન હેલ્થ કમિશ્નર અમરજીત સિંહજીની મુલાકાત થઇ અને તેઓએ સિવિલ સર્વિસીસની ઘણી માહિતી આપી. 2011માં SPIPAની પરીક્ષા પાસ કરી SPIPAમાં જોડાયા, જ્યાં સતીશ વ્યાસ ,સતીશ પટેલ ,સુરેશ પરમાર વગેરે નિષ્ણાંતોનો સપોર્ટ મળ્યો અને SPIPAમાં અનેક મિત્રો પણ મળ્યા જેમાં સંદીપ યાદવ (MBA) વિરલ પરમાર (પ્રોફેસર આણંદ), દિવ્યાંગ પટેલ (IPS છત્તીસગઢ) અને નવલસિંહ પરમાર (જેઓ હાલ ગુજરાત માહિતી ખાતામાં રજિસ્ટ્રાર છે ) વગેરે એ દરેક સમયે મદદ કરી સફળતામાં સહકાર આપ્યો અને UPSCની પરીક્ષા આપી.

આમ 2014માં UPSCનું રિઝલ્ટ આવ્યું ઓલ ઇન્ડિયામાં 126મોં રેન્ક અને ગુજરાતમાં પ્રથમ આવતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી અને 2015માં હૈદરાબાદ ખાતે IPSની ટ્રેનિંગ લીધી. જેમાં ભૂતાન, માલદીવ, નેપાળ અને ભારત એમ 4 દેશોના અધિકારીઓની ટ્રેનિંગ એકસાથે હોય છે. જેમાં પાર્થરાજસિંહ ગોહિલ પરેડ કમાન્ડો હતા અને ભારતના સંરક્ષણ સલાહકાર અજિત દોભાલના હસ્તે (પ્રાઈમ મિનિસ્ટર બેટન ,હોમ મિનિસ્ટ્રી રિવોલ્વર ફોર ધ બેસ્ટ ઓલ રાઉન્ડ રાઉન્ડર આઇપીએસ પ્રોબેશનર અને મહેતા કપ ફોર સ્ટડીઝ )એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ સ્વીકારનાર ગુજરાતના પ્રથમ ઓફિસર પાર્થરાજ સિંહ હતા. જે બાદ ફર્સ્ટ પોસ્ટ ASP તરીકે પાટણમાં અને હાલ 28 જુલાઈ 2018થી પોરબંદર ના જિલ્લા અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આજે પોરબંદરમાં જિલ્લા પોલીસ અધિક્ષકની ઓફિસ માં બહાર લગાડેલ નેમ પ્લેટ જોઈને સૌ વિચારે છે કે, IPS પાર્થરાજસિહ ગોહિલની આગળ ડોક્ટર કેમ લખાયેલ છે, જયારે તેના પાછળ PHD નહિ પરંતુ MBBS કરતા યુવાનના IPS સુધી ની સફરની સફળતાનું રહસ્ય સમાયેલ છે. જે આજે જાણી શકાયું છે. સામાન્ય માણસ ને પણ સાચો ન્યાય મળે તેવી વિચાર ધારા ધરાવતા ડો.પાર્થ રાજસિંહ ની પત્ની પલ્મોનોલોજીસ્ટ ડો. રાજવીબા ગોહિલ (સોલંકી ) સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે, તો હાલ સિવિલ સર્વિસીસની તૈયારી કરતા યુવાનો માટે ડોક્ટર માંથી IPS બનેલા અધિકારી પરથી પ્રેરણા સ્વરૂપ ઉદાહરણ બન્યા છે.