સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમે આવતા સ્થાનિક અને જાગતિક બજાર વચ્ચેનું ડિસ્કાઉન્ટ પાંચ મહિનાના તળિયે

મુંબઈ, તા. ૧૨

જાગતિક અર્થતંત્રો અને ટ્રેડ વોરની ચિંતાઓમાંથી પાઠ ભણી, જે રીતે ચતુર સુજાણ રોકાણકારો નીચા ભાવે સોનામાં સલામત મૂડીરોકાણની પોઝીશન લઇ રહ્યા છે, તે જોતા ભાવ ઉંચે જવાની તમામ શક્યતાઓ હજુ પણ અસ્તિવમાં છે. મંગળવારે સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમ ૧૪૫૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) સ્થાપિત થયા તે, મૂળે હોંકોંગમાં નવેસરથી ભડકેલા તોફાનો અને ચીન અમેરિકા વચ્ચે વેપાર બાબતે સર્જાયેલી મડાગાંઠને લીધે શેર બજારની તેજીને લીધે થયા હતા.

સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, વેપારમાં સંરક્ષણવાદે વૈશ્વિક અર્થતંત્રોને ધીમા પાડી દીધાનાં ભયે, આ વર્ષે અત્યાર સુધીમાં ૧૪ ટકાની જ ભાવ વૃદ્ધિ જળવાઈ રહી છે. આ સપ્તાહે બુલિયન બજારે કેટલાંક મહત્વના સમાચારોનો સામનો કરવાનો છે, તેમાં ૧૨ નવેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુયોર્કની ઇકોનોમિક ક્લબમાં પોતાના આર્થિક મંતવ્યો રજુ કરવાના છે, જેને વેપારીઓ બારીક નજરથી જોતા તપાસતા હોય છે. ૧૩ નવેમ્બરે યુએડ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અમેરિકન સંસદ સમક્ષ પોતાની કેફિયત (ટેસ્ટીમની) રજુ કરવાના છે, તદુપરાંત અમેરિકન ફુગાવાના ડેટા પણ રીલીઝ થવાના છે. આ જોતા બુલીયનમાં તેજીવાળાનો હાથ ઉપર રહેવાનો છે. નીચા ભાવ અલબત્ત બાયરોને આકર્ષિત કરશે. ડોલર નબળો પડવાની સંભાવના ટૂંકાગાળા માટે સોનાને સપોર્ટ કરશે.

જાગતિક બજારમાં ભાવ ત્રણ મહિનાની બોટમે આવતા સ્થાનિક અને જાગતિક બજાર વચ્ચેનું ડિસ્કાઉન્ટ પાંચ મહિનાના તળિયે ગયું હતું, ભારતીય રોકાણકારોએ આ ઘટાડાનો લાભ લેતા સોમવારે ભાવ રૂ. ૩૮૧૨૫ જેવા ઉંચે રહ્યા હતા. આ તરફ અન્ય એશિયન દેશોમાં પણ બાઈંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. સોમવારની ભાવ વૃદ્ધિ છતાં, સપ્ટેમ્બરની ઓલ ટાઈમ હાઈ રૂ. ૪૦૦૦૦ કરતા ભાવ હજુ રૂ. ૧૯૦૦ નીચે હતા. મૂડીઝએ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કરતા, રૂપિયાનો મુલ્ય ઘટાડો સ્થાનિક બજારમાં સોનાની મંદીને બ્રેક મારવા સક્ષમ છે. અલબત્ત, ભારતમાં ભાવ વધુ પડતા ઉંચે જવાને પગલે આ વર્ષે સોનાની માંગ ઘટી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે રૂપિયાનો મુલ્યહ્રાશ અને નબળા અર્થતંત્રને લીધે ઘટેલી ખરીદ શક્તિને પગલે, ભારતમાં આ વર્ષે સોનાની માંગ, ૨૦૧૬ પછીની સૌથી ઓછી રહેશે. વૈશ્વિક રોકાણકારોએ પણ ગત સપ્તાહની ઘટેલી બજારને લીધે સાઈડ લાઈન થયા હતા. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ટ્રસ્ટમાંથી ગત શુક્રવારે ૧.૪૪ ટકા રોકાણ પાછું ખેંચી લેતા, સોનાનું હોલ્ડીંગ ઘટીને ૯૦૧.૧૯ ટન રહ્યું હતું. ચીન અમેરિકા વચ્ચેના ટ્રેડ વોર બાબતે ટ્રમ્પએ સોય ઝાટકીને કહી દીધું છે કે વાટાઘાટોમાં ચીન ચતુરાઈ કરી રહ્યું છે, આથી એવું લાગી રહ્યું છે કે અમે ચીનને ખુબ બધું આપ્યું હોવા છતાં તે હજુ વધુ હિસ્સો, નાક દબાવીને પડાવી લેવા માંગે છે. જો અમે વાજબી અને સાચો વ્યવહાર મેળવવામાં નિષ્ફળ જઈશું તો અમને આવા કરારમાં કોઈ રસ નથી, તેઓ શનિવારે પત્રકારો સમ્ક્ષ આમ બોલી ગયા હતા.

અલબત્ત, છેલ્લા ૧૮ મહિનાથી ચાલતી આ વોરમાં હજુ સુધી તસુભાર પણ પ્રગતિ થઇ નથી, જે કઈ ટ્વીટ, અફવા અને ચકાસ્યા વગરના સમાચાર આવી રહ્યા છે તેને આધારે અત્યારે સોનામાં સેન્ટીમેન્ટલ તેજી મંદી થઇ રહી છે. સોમવારે એશિયન શેરબજારોનાં ભાવ ફલક લાલ નિશાની બતાવતા હતા. સામાન્ય રીતે નબળા સેન્ટીમેન્ટ વખતે સોનું વિરુદ્ધ દિશામાં આગેકદમ કરતુ હોય છે, પણ આ વખતે તેને બહુ લાભ નથી થયો. અત્યારે હોન્કોંગ સંઘર્ષ ચરમસિમાએ છે અને ફાયનાન્સીયલ વિશ્વ પણ નબળી ગતિ ધારણ કરી બેઠું છે છતાં તેજી સાવ ધીમી છે. અલબત્ત, આ તબક્કે બ્રેક્ઝીટ, સેન્ટ્રલ બેન્કોનો વ્યાજદર ઘટાડો, મધ્યપુર્વના દેશોમાં ભૂ-ભૌગોલીક સમસ્યા અને ધીમો આર્થિક વિકાસ પણ ભૂલવા ન જોઈએ.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૨-૧૧-૨૦૧૯