સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, તેમાં કહ્યું છે કે એક એવી સિસ્ટમ તૈયાર થઇ રહી છે, જે જાગતિક બજારમાં નુકશાનકારક અને વ્યાપક પરિવર્તન લાવવા માટેનું કારણ બની રહેશે. દેલીયો માને છે કે વિશ્વની નાણાકીય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગી ગયો છે, જેણે આ વર્ષની સોનાની તેજીમાં મુખ્ય ભૂમિકા કરી છે. આ જ ઘટનાએ સોનાના ભાવને ઓગસ્ટ ૨૦૧૩ પછીની નવી ઉંચાઈએ લઇ જવામાં મદદ કરી છે.
નાયમેકસ સોનું વાયદો છ વર્ષની ઉંચાઈએ ૧૫૨૨.૭૦ ડોલર સુધી જઈ શુક્રવારે સવારના સત્રમાં ૧૫૧૯.૯૦ ડોલર બોલાયો હતો. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ઓલ ટાઈમ હાઈ રૂ. ૩૯૪૮૮ પ્રતિ ૧૦ ગ્રામ મુકાયો હતો. ૧ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સોનાના જાગતિક ભાવ ૧૯૨૧.૧૭ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યા હતા. વિશ્વભરની બેંકો જોખમી તબક્કામાં આવી ગઈ છે, તે વ્યાપારને મંદીના કાળણમાં લઇ જવા ઉતાવળી થઇ છે. આ ઘટના, ભાવને હવે નવી નવી ઊંચાઈઓ સર કરવવામાં મદદગાર થશે. ગોલ્ડમેન સાસેએ તો આગાહી કરી દીધી છે કે આર્થિક વિકાસની વધતી વિડંબણા સોનાના ભાવને આગામી છ મહિનામાં જ ૧૬૦૦ ડોલરની વૈતરણી પાર કરાવી દેશે.
ટ્રેડ વોરનાં માતેલા સાંઢ બનેલા ચીન અને અમેરિકાએ વૈશ્વિક નાણા વ્યવસ્થાને રફેદફે કરી નાખી છે, જેનો સંપૂર્ણ લાભ સોનાચાંદીને મળી રહ્યો છે. એક દાયકામાં પહેલી વખત જર્મન ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટાપાયે વાર્ષિક પીછેહઠ કરી છે. આ બાબત સૂચવે છે કે આખી દુનિયાની ઈકોનોમી હવે આ દાયકાની પ્રથમ મોટી મંદી તરફ અગ્રેસર બની છે. ભારત, ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ, મલેશિયા ઇન્ડોનેશિયા જેવા એશિયા-પેસિફિક દેશોની સેન્ટ્રલ બેંકો પોતાની ચામડી બચાવવાના ઉપાય તરીકે વ્યાજદર ઘટાડવાના છંદે ચઢી ગઈ છે. યુએસ ફેડ રીઝર્વે એક દાયકા પછી પહેલી વખત વ્યાજદર ઘટાડ્યા પછી એક જ સપ્તાહમાં જાણે આખી દુનિયા શોકમાં ડૂબી ગઈ છે.
ભારતીય અર્થતંત્ર નબળું પડી રહ્યાના ઢોલ નગારા વાગવા લાગતા સોના ચાંદીમાં સરણ લેવાનું આકર્ષણ વધવા લાગ્યું છે. રીઝર્વ બેન્કની ૨૦૧૯-૨૦ની ત્રીજી દ્વિમાસિક મોનીટરી પોલીસી કમિટીએ બુધવારે હાથ ખંખેરી નાખતા કહ્યું હતું કે વપરાશી માંગ અને મૂડીરોકાણ બન્ને ધીમા પડી ગયા હોવાથી જુનમાં અમે ૭ ટકાના આર્થિક વિકાસની આગાહી કરી હતી તે હવે ૬.૯ ટકા કરીએ છીએ. ગુરુવારે ઇન્ટ્રાડેમાં ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો રૂ. ૭૧.૧૭ મુકાયો હતો, આને લીધે પણ ભારતમાં સોનામાં નવા ઊંચા ભાવ સર્જાયા હતા. નબળા પડી રહેલા જાગતિક અર્થતંત્રો અને ટ્રેડ વોરએ સોનાની સેફ હેવન માંગ પ્રોત્સાહિત કરી છે.
કરન્સી બાસ્કેટમાં નબળો ડોલર અને ઈરાનમાં રચાયેલો યુદ્ધ મંચએ તમામ કોમોડીટીને નીચેથી ઉપર જવામાં સહયાતા બક્ષી છે. ૬ ઓગસ્ટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફેડરલ રીઝર્વને ફરીથી ફટકાર લગાડતા કહ્યું હતું કે ૨૦૨૦મા અમેરિકન ચૂંટણી આવી રહી છે, ત્યારે અર્થતંત્રમાં વધુ રાહત પેકેજ આપવામાં આવે. ટ્રમ્પએ ટ્વીટર પર કહ્યું હતું કે ચીન કરતા અમેરિકાની આર્થિક હાલત વધુ ભૂંડી થવા માટે અમેરિકન સેન્ટ્રલ બેન્કની નકારાત્મક નીતિ જવાબદાર છે. અને તે જ જાગતિક વિકાસમાં રોડા નાખી રહ્યાના આક્ષેપ તેમણે કર્યા હતા.