ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા.૧૭: રોકાણકારો વિશ્વ વેપારમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે, તેઓ અપેક્ષાથી નબળા ડેટા સામે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પુર્ણાહુતી નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડરોએ તમામ કીમતી ધાતુ માટે મોટી તેજીની આગાહી કરી હતી. એક સર્વેક્ષ્ણમાં સરેરાશ રોકાકારોએ આગામી વર્ષના આ સમયે સોનાના ભાવ, વર્તમાન ભાવ કરતા ૧૧ ટકા ઊંચા ૧૬૫૮ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) રહેશે એવી આગાહી કરી હતી.
ગત વર્ષની આ સમયે યોજાયેલી વાર્ષિક બુલિયન કોન્ફરન્સમાં કરાયેલી આગાહી પ્રમાણમાં સાચી ઠરતા, આ વર્ષની આગાહી પ્રત્યે બજારનું ધ્યાન વધુ આકર્ષાયું હતું. ગયા વર્ષની કોન્ફરન્સમાં ટ્રેડરોએ ૧૫૩૨ ડોલર અંદાજ્યા હતા, જે ઓકટોબર મહિનામાં ભાવ આગાહી નજીક જોવા મળ્યા હતા. અલબત્ત ગુરુવારે ભાવ ૧૪૯૫ આસપાસ રહ્યા હતા. કોન્ફરન્સમાં સોના કરતા ચાંદી અને પ્લેટીનમમાં ત્રણ ગણી વધુ તેજી અંદાજવામાં આવી હતી. ચાંદીના વર્તમાન ભાવ ૧૭.૪૫ ડોલર સામે ૩૨ ટકાની વૃદ્ધિ સાથે ૨૩ ડોલર રહેવાનું અનુમાન મુકવામાં આવ્યું હતું. આને આધારે રેશિયો ટ્રેડરો માટે ગોલ્ડ:સિલ્વર રેશિયો ૧:૭૨નો મુકવામાં આવ્યો હતો.
ચાંદીની માફક જ ટ્રેડરો પ્લેટીનમમાં પણ મોટી તેજી, ભરી પડી હોવાની આગાહી કરી રહ્યા છે. બુલિયન કોન્ફરન્સમાં પ્લેટીનમનાં ભાવ ૩૪ ટકા વધીને ૧૧૮૨ ડોલર થવાની આગાહી કરવામાં આવી હતી, જે આજે ૮૯૦ ડોલર હતા. પેલેડીયમમાં આ વર્ષે જોવાયેલી જબ્બર તેજી હજુ પૂરી નથી થઇ. આવું માનતા ટ્રેડરોએ પેલેડીયમનાં ભાવ ૧૦ ટકા વધીને ૧૯૨૪ ડોલર થાવનું અનુમાન મુક્યું હતું, જે આજે ૧૭૪૦ ડોલર હતા.
વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા હળવી નાણાનીતિ અપનાવવામાં આવતા અને સતત વધી રહેલા મંદીના ભય વચ્ચે આ વર્ષે સોનાના ભાવ અત્યાર સુધીમાં ૨૦ ટકા જેટલા વધ્યા છે. ૩ સપ્ટેમ્બરે ભાવ છ વર્ષની ઉંચાઈએ ૧૫૫૫ ડોલરની નવી ઉંચાઈએ મુકાયા હતા. છેલ્લા એક દાયકામાં સોનાના ભાવ ૨૦ ટકા કરતા વધુ વધ્યા હોય તેવી, આ વર્ષેની આ તેજી બીજી ઘટના છે.
ગુજરાતી
English




