વેરાવળ પ્રભાસ પાટણ કે જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાજપે પોતાના નગરપાલિકાના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણી સમાયે સભ્યા ત્યાગ કરી ગયા હતા. જે તેમનો અધિકાર માનવામાં આવે છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર મોતીવરસને ટાઉન પ્લાનીંગ-શહેર આયોજન સમિતિમાં અધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યા હતા. તેમને સેનીટશન શાખાના અધ્યક્ષ બનાવાતાં તેમનું તે અપમાન લાગ્યું હતું. તેમને લાગી આવતાં સભામાંથી બહાર નિકળી ગયા હતા. તેમણે રોષપૂર્વક જાહેર કર્યું હતું કે આ શાખામાં તેઓ કામ કરી શકે તેમ નથી. કોઈ કામ થતાં નથી. ભાજપમાં મનમાની થાય છે. તેથી ભાજપમાંથી રાજીનામું આપું છું. તેમ કહીને તેઓ વોક-આઉટ કરી ગયા હતા. જેને ભાજપે શિસ્તભંગ ગણેલું છે અને તેમને પક્ષના સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. બીજા કેટલાંક સભ્યો પણ નારાજ હોવાથી રાજીનામું આપે એવી શંભાવના વ્યક્ત કરવામાં આવે છે. આ અંગે ગાંધીનગર પ્રદેશ નેતાઓને જાણ કરવામાં આવી છે.
વેરાવળ-પાટણ સંયુકત નગર સેવા સદનમાં અઢી વર્ષની બીજી ટર્મ માટેના હોદેદારોની ચુંટણી થઈ હતી જેમાં તેઓ નારાજ હતા. પ્રમુખ તરીકે મહીલા અનામત હોવાથી તેમને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશના રાજેશભાઇ સુયાણી કે જેઓ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે તેમના ઘર્મપત્ની મંજુલાબેન સૂયાણી અને ઉપપ્રમુખ પદે લોહાણા સમાજના અગ્રણી અને ગત ટર્મમાં કારોબારી ચેરમેન રહી ચુકેલ કિશોરભાઇ સામાણીની બહુમતીથી વરણી જાહેર કરાયેલ હતી. કુલ 44 સભ્યો માંથી ભાજપના 27 કોંગ્રેસના 17 સભ્યો છે. હવે ભાજપના એક સભ્ય ઓછા થઈ ગયા છે.
બે રાજીનામાં પડ્યા હતા
11 એપ્રિલ 2018માં નગરપાલિકામાં ભાજપમાંથી બે સભ્યોના રાજીનામા આપ્યા હતા. જેમાં એક સભ્યએ રાજીનામું પરત લઈ લીધું હતું. અંદરખાને શાસક પક્ષ ભાજપમાં ડખ્ખો હતો જે રાજીનામાં દ્વારા બહાર આવ્યો છે. ભાજપનાં સદસ્યા સવિતાબેન કમલભાઈ શર્માએ રાજીનામું આપ્યું હતું. તેમણે ઘરકામમાં વ્યસ્તતાનું કારણ આપ્યું હતું. જ્યારે બીજા સદસ્યા ગોદાવરીબેન હરકિશોરભાઈ દેવાણીએ બિમારીનું કારણ દર્શાવી રાજીનામું ધરી દીધું હતું. જોકે, ખરી હકીકત એ હતી કે તેમનાં વિસ્તારોમાં અમૂક કામો ન થવાથી રાજીનામા આપ્યા છે જો કે, સવીતાબેને રાજીનામું પાછૂં ખેંચી લીધું હતું. નવા પ્રમુખ તરીકે મહિલા ચૂંટાવાના હોવાથી રાજ્યની નેતાગીરી ઉપર દબાણ લાવવા રાજીનામાં અપાયા હોવાનું પણ માનવામાં આવતું રહ્યું હતું. ગટરના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ પક્ષમાં વિરોધ થઈ રહ્યો છે.