લંડનના ગરવી ગુજરાત ગુજરાતી સમાચર સંસ્થાના અમદાવાદ સ્થિત ડેપ્યુટી એડિટર હર્ષવદન ત્રિવેદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટને તેમની જવાબદારી દર્શાવતો પત્ર લખ્યો છે.
આદરણીય શ્રી લહેરીસાહેબ,
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોમનાથ મંદિર પરિસરને Cleanest Iconic Place award મળ્યો છે તે બદલ આપને અભિનંદન. પવિત્ર સોમનાથધામની નિયમિતપણે મુલાકાત લેતા યાત્રાળુ તરીકે છેલ્લાં 10 વર્ષમાં સોમનાથધામે જે વિકાસ સાધ્યો છે તે મેં નજરે જોયો છે. આ આખી કાયાપલટ આપની રાહબરી હેઠળ થઇ છે તે માટે આપની પ્રશંસા કરીએ તેટલી ઓછી ગણાશે.
આ એવોર્ડ બદલ આપ અને અન્ય ટ્ર્સ્ટગણ સંતોષ અને આનંદની લાગણી અનુભવતા હો તો તે સ્વાભાવિક છે. પણ મારું માનવું એવું છે કે જ્યાં સુધી સોમનાથમંદિર પરિસર જ નહિ પણ તે જ્યાં આવેલું છે તે સોમનાથ અથવા પ્રભાસપાટણ ગામ સ્વચ્છ નહિ બને ત્યાં સુધી આવા એવોર્ડનો આનંદ આપના માટે અધૂરો જ રહેવાનો.
સાહેબ, હું હજી ગયા વીકેન્ડમાં જ સોમનાથની યાત્રા કરીને આવ્યો. મંદિરથી માંડીને ઘર્મશાળા સહિતની સગવડો ઉત્તમ છે પણ મંદિરના પડખે જ આવેલું સોમનાથ ગામ તો ઉકરડાં સમાન છે. ક્યાં મંદિર પરિસર અને ક્યાં ગામવિસ્તાર! ખુલ્લી ગટરો, કાદવકીચડવાળા રસ્તા એમ ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય છે. ત્યાં જે ખાદ્યસામગ્રી વેચાય છે તે ખરીદીને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો માંદા પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કોઇ વિદેશી મહેમાનને એ સ્થળ બતાવતાં પણ શરમ આવે એમ છે.
સાહેબ, સોમનાથમાં આખું ભારત જ નહિ, આખું વિશ્વ ઠલવાય છે એમ કહીએ તો ચાલે. હવે વિચારો કે ગામવિસ્તારની ગંદકીના કારણે જો કોઇ રોગચાળો ફાટી નીકળે અને યાત્રાળુઓ તેનો ભોગ બને તો તેમની શી હાલત થશે? અને નગરપ્રશાસન પણ તેનો મુકાબલો કેવી રીતે કરશે?
મને લાગે છે કે આ પરિસ્થિતિના ઉકેલ માટે સોમનાથ ટ્ર્સ્ટ અને આપ જેવાઓની વહીવટી કુશળતાના હસ્તક્ષેપની તાતી જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતવિસ્તાર વારાણસીમાં જેમ ભગવાન કાશીવિશ્વનાથમંદિર પરિસરનું બ્યુટીફિકેશન થયું છે. મંદિરની આસપાસના 300 જેટલાં મકાનો હસ્તગત કરાઇની વિસ્તાર જે રીતે સ્વચ્છ બનાવાયો છે એવું જ કંઇક સોમનાથમાં કરવાની જરૂર છે.
સોમનાથમંદિરની ત્રણેક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી પ્રોપર્ટી ટ્રસ્ટ અથવા સરકાર હસ્તગત કરી લે, (વારાણસીની જેમ) અને ત્યાં ગેસ્ટહાઉસ, ભોજનાલયો, સારી હોસ્પિટલ જેવી અનેક સવલતો ઊભી કરી શકાય. સોમનાથમાં બ્રાહ્મણોની વસતિ ઘણી છે. તેમના માટે પાઠશાળા અને અન્ય શૈક્ષણિક સંકુલો પણ ઊભા કરી શકાય. શ્રાવણ જેવા મહિનાઓમાં યાત્રાળુઓનો પ્રવાહ એટલો મોટો હોય છેકે ટ્રસ્ટ તેમની રહેવા-જમવાની સગવડ પૂરેપૂરી સાચવી શકતું નથી. આ નવા સોમનાથમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે આવી વ્યવસ્થાઓ પણ ઊભી કરી શકાય.
ટુંકમાં સોમનાથ ગામ સ્વચ્છ નહિ બને ત્યાં સુધી સોમનાથના બ્યુટિફિકેશનનું અભિયાન અધુરૂં જ ગણાશે. ભગવાન સોમનાથને પણ કદાચ આ પસંદ નહિ હોય.
આ પત્ર આપનું ધ્યાન દોરવા માટે તેમ જ યોગ્ય કાર્યવાહીની અપેક્ષાએ લખ્યો છે.
જય સોમનાથ
હર્ષવદન ત્રિવેદી, ડેપ્યુટી એડિટર ગરવી ગુજરાત, લંડન.
અમદાવાદ નંબર-9879356405
આમ હર્ષવદન ત્રિવેદીએ સાચી વાત લખી છે પણ સોમનાથ મહાદેવ મંદિરના સંચાલકો રાજકીય અને લાગવગની ગંદકી ફેલાવી રહ્યા છે તે અંગે તેમણે સાચુ લખવાનું ટાળ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે જતાં ભાજપના તમામ નેતાઓની તસવીરો ટીવી અને સમાચર માધ્યમમાં પ્રસિધ્ધિનું કામ સોમનાથ ટ્રસ્ટ તરફ કરવામાં આવે છે. પણ બીજા રાજકીય નેતાઓની મુલાકાત વખતે આવું કરવામાં આવતું નથી. આવું પાછલા બારણેથી દાસી નૃત્ય પ્રથા દાખલ કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવનું સોનાનું મંદર બને છે પણ ગરીબ હિંદુઓ માટે જીવન સુધારો કરવા મકાનો બનાવી આપવા કે શિક્ષણ આપવા માટે ટ્રસ્ટીઓ કામ કરતાં નથી. એવી મહત્વની ગંદકીની વાત તંત્રીએ લખી નથી.