સચિવાયલ ભરતીની પરીક્ષાના પ્રશ્ન પત્ર ફોડી નાંખવાના કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે પ્રવિણદાન ગઢવીનું નામ બહાર આવ્યું છે અને તેણે આ પેપર ફરતુ કર્યું છે. સાથે સાથે એક આરોપીનો ફોન પણ તેણે ગુમ કરી દીધો છે જે ફોનમાં મહત્વપૂર્ણ પુરાવાઓ છે. આ ફોનની તપાસ અધિકારીઓ કરી રહયા છે. બીજીબાજુ પ્રવિણ ગઢવીને ઝડપી લેવા માટે પોલીસે રાજયભરમાં તપાસ શરૂ કરી દીધી છે. તેમના પરિચીતોના નિવાસસ્થાન પર વોચ ગોઠવવામાં આવી છે અને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ પ્રાપ્ત થઈ છે.
પકડાયેલા આરોપીમાં લખવીન્દરસિંગે સૌ પ્રથમ આ પેપર ત્રણ યુવકોને મોકલ્યુ છે. જેમાં યુવરાજસિગ મોરી, ફેનીલ અને મહાવીરસિંહનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જાકે આ અંગે કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ નથી. આરોપીઓ દ્વારા સૌ પ્રથમ આ પેપર સૌરાષ્ટ્રમાં ફરતુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ પેપર મોકલવામાં આવ્યું હતું. લખવીન્દરસિંગે આ પેપર પોતાના એક ગ્રુપમાં જાહેર કર્યું હતું.
પોલીસ અધિકારીઓએ વોટ્સએપ પરના આ ગ્રુપની પણ તપાસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પેપર લીક કરવાની આ પધ્ધતિથી અધિકારીઓ વધુ સતર્ક બન્યા છે. તમામ આરોપીઓના ફોન તપાસ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે.
સુત્રધાર પ્રવિણદાન ગઢવી સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત લખવીન્દરસિંગ સામે પણ ગુનાઓ નોંધાયેલા છે. રામભાઈ ગઢવી જે પકડાઈ ચુકયા છે તેની સામે પણ ગુનાઓ નોંધાયેલા છે. આમ પકડાયેલા કેટલાક આરોપીઓનો ભુતકાળ ગુનાહિત છે. પેપર લીક કૌભાંડમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં કેટલીક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.