સ્ટિંગ મુદ્દે નરશી પટોડિયાએ પાઠવી કોંગ્રેસને નોટિસ, પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી
રાજકોટમાં આયોજીત મહાનગર પાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા નરશી પટોડિયાએ સ્ટિંગના મુદ્દે કોંગ્રેસને નોટિસ પાઠવી છે. નરસી પટોડિયાએ નોટીસ આપી કોંગ્રેસને જણાવ્યું છે કેતેઓ આઠ દિવસમાં આક્ષેપ પાછો ખેંચે નહીંતર રૂપિયા એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે. આ સાથે જ નરશી પટોડિયાએ કોંગ્રેસને ચીમકી આપી છે કે જો તેઓ સ્ટિંગ અંગે ખુલાસો નહીં આપે તો પોતે પરિવાર સાથે આત્મહત્યા કરશે.
રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોડિયા ફોર્મ પરત ખેંચી અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મુદ્દે કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ મૂક્યો હતો કે નરશી પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને સેક્સ સીડી જાહેર કરવાનું દબાણ કર્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગરે એક પત્રકાર પરિષદ યોજીને આ સીડીના ડરથી નરશી ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
નરસી પટોડિયાના સ્ટિંગની સીડી
રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નરસી પટોડિયા નામના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પહેલા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસે શુક્રવારે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ લગાવ્યો છે કે નરશી પટોડિયા પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે સીડી કરી જાહેર
નરશી પટોડિયા કેસમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં નરશી પટોડિયા પર કરવામાં આવેલા સ્ટિંગની સીડી જાહેર કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપે દબાણ ઉભું કરીને ફોર્મ પરત ખેંચાવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ફોર્મ પરત ખેંચવા માટે સ્કૂલના એક મહિલા પાત્રને લઈને નરશી પટોડિયા પર દબાણ લાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દાવો કર્યો છે કે, નરશી પટોડિયાએ સ્ટિંગમાં આ વાતની કબૂલાત કરી હતી. કોંગ્રેસના દાવા પ્રમાણે નરશી પટોડિયાએ કબૂલાત કરી છે કે, ભાજપના નેતાઓએ મહિલા સાથેના સંબંધોને લઈને પ્રેસર લાવીને ફોર્મ પાછું ખેંચાવ્યું હતું. જો ફોર્મ ન ખેંચવામાં આવે તો મહિલા સાથેના સંબંધોની વીડિયો સીડી જાહેરમાં બહાર પડવાની ભાજપે ધમકી આપી હતી.
એક મહિલા સાથેના સાત વર્ષ જૂના સબંધોને લઈને ભાજપ નેતાઓએ ધમકાવી ફોર્મ પરત ખેંચાવ્યાનું નરશી પાટોડિયાએ સ્ટિંગમાં કબૂલ્યું હતું. કોંગ્રેસના દાવા પ્રમાણે નરશી પટોડિયાને મહિલા સાથે સબંધ હતો તેના કારણે તેને દબાવીને ભાજપમાં ભેળવી લીધો હતો.
નરશી પટોડિયાએ શું કહ્યું ?
સ્ટિંગ મામલે નરશી પટોડિયાએ કહ્યું કે, “મારા પર ભાજપનું કોઈ જ દબાણ નથી. કોંગ્રેસ મારા પર દબાણ ઉભું કરી રહી છે. જો કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી સીડી સાબિત નહીં થાય તો હું બદનક્ષીનો કેસ દાખલ કરીશ.”