સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે 33 રાજ્યોના કલાકારો રંગારંગ કાર્યક્રમ

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ
ઓફ યુનિટી’ને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રર્પણ કરશે. આ વેળાએ દેશભરના 33 રાજ્યોના કલાકારો
દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ
સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે
કરવામાં આવનાર છે જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ,
એસ.આર.પી.એફ, સી.આર.પી.એફ, આર્મી, નેવી અને એર ફોર્સના ૭ Ceremonial Bands દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ થશે. ઉપરાંત
ભારતવર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા જ્યારે
વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આગળ વધશે ત્યારે વડાપ્રધાનશ્રી સહિત મહાનુભાવોનું સ્વાગત કરશે.
સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું Welcome Band થી સ્વાગત કરાશે. ત્યારબાદ, વડાપ્રધાનશ્રીના
વરદ હસ્તે Wall of Unity નું લોકાર્પણ કરશે. ત્યારબાદ, સમગ્ર દેશમાંથી પધારેલા સાંસ્કૃતિક જૂથો એક પછી એક પ્રસ્તુતિ કરશે.
જેમાં કેરલાનું પંચવાઘમ, તમિલનાડુનું દમી હોર્સ, કારાગમ, કાવડી, આંધ્રપ્રદેશનું ગરાગુલુ, પોંડિચેરીનું કૈલીઅટ્ટમ, કર્ણાટકનું
લેડીઝ, ઢોલુકુનિઠા- કોરબાના ભરવાડ સમાજના પુરૂષોનો ઢોલ સાથેનો વીરરસ દર્શાવતું નૃત્ય, તેલંગણાનું મથુરી નૃત્ય,
છત્તીસગઢનું પંથી નૃત્ય, દમણનું મચ્છી નૃત્ય જેમાં મછવારા દરીયો ખેડી પાછા આવે ત્યારે તેના આનંદ ઉલ્લાસ પ્રકટ કરતું નૃત્ય,
અરૂણાચલ પ્રદેશનું રીખ્ખમપડ, આસામનું બિહુ જેમાં, વસંતના આગમનના વધામણા અને માનવીય પ્રેમને દર્શાવતું નૃત્ય,
મેઘાલયનું વાંગલા, મિઝોરમના ચેરો નૃત્યમાં વાંસનો ઉપયોગ થતો હોવાથી બામ્બુ ડાન્સ તરીકે પ્રચલિત છે. વાંસને આડા
સમાંતર રાખી બન્ને છેડે બે જુદી જુદી વ્યક્તિ તેને પકડે અને તાલબદ્ધ રીતે અથડાવી તેના તાલી નૃત્ય કરે છે, નાગાલેન્ડનું
મકુહેનગીચી(વોર ડાંસ) ત્રિપુરાનું હોજાગીરી, સિક્કીમનું સંગહીચામ, પંજાબનું ભાંગડા, જમ્મુ કશ્મિરનું રૌફ નૃત્ય, હિમાચલપ્રદેશનું
હિમાચલી નટી, ઝારખંડનું પૈકા, બિહારનું હોલી અને જલી જલા, ઓરીસ્સામાં ગોટીપુઆ-દેવદાસી અને મહારી પ્રથાની પડતી
થતા નર્તક છોકરાઓ દ્વારા આ ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે. જેમાં અંગકસરત અને વ્યાયામના વિવિધ આસનોનો
સમાવેશ થાય છે. હરીયાણાના ધુમર કે જેમાં હોલી, ગંગોદર પૂજા અને ત્રીજ જેવા તહેવારોમાં છોકરીઓ જે પરંપરાગત નૃત્ય કરે
છે તે ઘુમર નૃત્ય તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશનું બંધાઇ નૃત્ય, ઉત્તરાખંડનું છાપેલી, રાજસ્થાનનું લાંગી ઘેર નૃત્ય જે હોલીના
સમયે ખેલવામાં આવે છે. પગમાં ઘૂંઘરુ, સાફા સાથે ઢોલ અને થાલી પર યુદ્ધ કલાની પ્રસ્તુતિ નૃત્ય દ્વારા કરવામાં આવે છે.
મણીપુરનું ઢોલ, ઢોલક, ચોલમ- જેમાં તલવાર અને ભાલાથી યુદ્ધકલાનું પ્રદર્શન નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. ગુજરાતનું
સિદ્દી ધમાલ નૃત્ય, ગોવાનું મુસલ ખેલ, ઉત્તરપ્રદેશ/પશ્ચિમ બંગાળનું મયુર નૃત્ય અને પુરાલીયા. ગુજરાતનું જાનૈયા ઢોલ જેમાં
ગુજરાતના લોકવાદ્ય ઢોલની પ્રસ્તુતિ, મહારાષ્ટ્રનું સાંગી મુખોટા, ગુજરાતના ડાંગી વાદ્યોમાં ડાંગ વિસ્તારના આદિવાસી જાતિના
લોકો થકી લોકવાદ્યો દ્વારા પ્રસ્તુતી. ગુજરાતનું રાઠવા નૃત્ય જે આદિવાસી લોકનૃત્ય હોલી અને લગ્ન પ્રસંગે પ્રસ્તુત કરવામાં આવે
છે. જેમાં મોટા ઢોલ અને વાંસળીનો ઉપયોગ કરી સ્ત્રી અને પુરૂષો પરંપરાગત વેશભૂષામાં નૃત્યની પ્રસ્તુતિ કરે છે જેને યુનેસ્કો
દ્વારા હેરીટેજ નૃત્ય પણ જાહેર કરાયું છે. આ તમામ નૃત્યો આવનાર મહાનુભાવો અને લોકના મન હરી લેશે.
રાજ્યોના સાંસ્કૃતિક ધરોહર સમા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ બાદ વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ
વધશે ત્યારે ભારત દેશની આન-બાન અને શાન સમા પોલીસ દળ અને સરહદોની સુરક્ષા કરતા સશસ્ત્રદળો દ્વારા પ્રસ્તુતિ
કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસ દ્વારા વંદે માતરમ, એસઆરપીએફ દ્વારા એ મેરે વતન કે લોગો, સીઆરપીએફ દ્વારા
દેશો કા સરતાજ ભારત, બીએસએફ દ્વારા મેરા મુલ્ક મેરા દેશ, મેરા યે વતન, આર્મી દ્વારા કદમ કદમ બઢાયે જા, બીટ નં-૧
અને એરફોર્સ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવા ગીતોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ ઉભુ કરવાનો
પ્રયાસ પણ કરાયો છે ત્યારે આ રાષ્ટ્રભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો અવસર લોકો માટે અનેરો બની રહેશે.