સરદાર પટેલ અને તેમના કર્યો પ્રત્યે મને અઢળક લાગણી છે; કિન્તુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની પ્રતિમા સહિતનો આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે, તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ. ઉલ્લેખનીય છે કે, ‘રાષ્ટ્રમંચ ગુજરાત’ના સંયોજક રહેલા સુરેશ મહેતાએ આદિવાસીઓ અને સ્થાનિકોની વ્યથાકથાને રજુ કરવા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રોજેક્ટની બીજી બાજુ ઉજાગર કરવા માટે 19 ઓક્ટોબર, 2018ના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
આ મામલે સુરેશ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ પાઠવ્યો છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી : સિક્કાની બીજી બાજુ’ અંતર્ગત “સત્તાધીશ દ્વારા ઇતિહાસના રચયિતા થવાની ઘેલછા’ વિષય અંતર્ગત સુરેશ મહેતાએ જે મુદ્દાઓ રજુ કર્યા છે તે મુજબ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 7-10-2010ના રોજ આદિવાસી અને સ્થાનિક હજારો લોકોના ભાવિ અને સંસ્કૃતિનું નિકંદન કાઢી તેમના આ તરંગી પ્રોજેક્ટને આત્મસાત કરવા ‘સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટ (SVPET) મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે રચ્યું અને રાજ્યના લાખો ખેડૂતો પાસેથી 18,500 ટન લોખંડનો ભંગાર ઉઘરાવવા ઉચ્ચકક્ષાના અધિકારીઓને કામે લગાડી 36 સેન્ટરો ખોલ્યા હતા.
રાષ્ટ્રીય એકતાનું ઓઠું આગળ ધરી આ પ્રોજેક્ટમાં જતા ગામોની જમીન તદ્દન ગેરકાયદે રીતે હડપ કરી લેવામાં આવી અને 2013ના કાયદાની જોગવાઈઓ અને હેતુઓને ઠોકર મારવામાં આવી. અહીંના આદિવાસીઓને તગેડી તેમની સાથે મારપીટ કરી, જેલમાં પુરી તેમની સાથે સરકારે જોહુકમી કરી જમીનો પડાવી લીધી છે
મહેતાએ દાવો કર્યો છે કે, આખા પ્રોજેકટમાં આદિવાસીના પેસા કાયદાનો ભંગ,જમીન સંપાદન, નાણાંકીય ફંડમાં ગેરરીતિ , ઓઇલ કંપનીઓ પાસેથી રૂ. ત્રણ હજાર કરોડ, એન્વાર્યમેન્ટ, ફીઝીબિલીટી સ્ટડી રીપોર્ટ સહિતની બાબતોનું આચરણ કર્યુ ન હોવાથી આ પ્રોજેક્ટ ગેરકાયદે છે. નર્મદા વિસ્તારના 44 ગામના આદિવાસીઓને તેમને હક મળ્યો નથી.
આ મામલે ‘ગરુડેશ્વર તાલુકા આદિવાસી સમાજ બચાવ સમિતિ’ દ્વારા 31 ઓક્ટોબર, 2018 ના રોજ નર્મદા જિલ્લા બંધનું એલાન આપીને- બે મોટા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાની, છ ગામના પ્રશ્નો હલ કરવા, વિસ્થાપિતોને પૂરતો ન્યાય આપવા, નિગમના નામે જમીન બોલે છે તે હેતુફેર કરી કોઈને ના આપતા જે-તે ખાતેદારને નામે કરવા, બાકી રહેલા જંગલ-જમીનના હક-દાવા મંજુર કરવા, સરકારી પ્રવાસન નીતિ બંધ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. આ સાથે અંબાજીથી ઉમરગામ બંધ, બહિષ્કાર અને દરેક ઘરમાં ચુલા ઠંડા કરીને માતમ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી ઊંચી પ્રતિમાનું લકાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાઓના આસપાસના વિસ્તારના આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારીના લાગ્યા હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. ભિલીસ્તાન ટાઇગર સેનાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા એલાન કર્યું છે. તો બીજી તરફ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ અગાઉ રાજ્યભરમાં ભાજપની એક્તાયાત્રાનો પ્રારંભ થયો છે. અને આ યાત્રાને સારો પ્રતિસાદ ન સાંપડતા ભાજપના આગેવાનો ચિંતિત થયા છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી વધી રહી છે જેથી એક્તાયાત્રાથી લોકો અળગા રહ્યાં છે.
ભિલિસ્તાન ટાઇગર સેનાએ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાની ચૂંટણીઓના મંડાણ કર્યા છે. ધારાસભ્ય છોટું વસાવા કહે છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આદિવાસીઓનું શું ભલું થવાનું છે. આ પ્રોજેક્ટન લીધેતો આદિવાસીઓની જમીનો છિનવાઇ જશે. કેન્દ્ર સરકારે તો 244(1) કલમ હેઠળ શિડ્યુલ મુજબની જમીનો પણ આપી દેવા રાજ્ય સરકારને પરિપત્ર કરી દીધો છે. વાસ્તવમાં કમીટીની ભલામણો પછી રાજ્યપાલ સહિત રાજ્યપાલ મંજૂરી આપે તો જમીન આપી શકાય તેવો નિયમ છે.
એક તરફ નર્મદા જિલ્લામાં 144મી કલમ લાગુ કરવામાં આવી છેને, બીજી તરફ ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે હજારોની ભીડ એકત્ર કરશે આવું કેવી રીતે હોઇ શકે, તે સમજાતુ નથી. ભિલિસ્તાન ટાઇગર સેનાએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભિલિસ્તાન ટાઇગર સેના ઉપરાંત આદિવાસી એક્તા પરિષદ આદિવાસી મહાસભા સહિતની ઘણી સંસ્થાઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો.
બીજી તરફ એક્તાયાત્રાનો મોટાઉપાડે પ્રારંભ તો થયો છે આ યાત્રાને લઇને ભાજપના મોવડીઓમાં ચિંતાના વાદળ છવાયા છે. અમદાાવદ જેવા શહેરોમાં કુદ ભાજપના ધારાસભ્યો, સાંસદો જે નહીં સંગઠનના હોદ્દેદારો ય એક્તાયાત્રામાં ડોકાયા નથી. આવી જ દશા ગામડાઓમાં થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તો ભાજપથી નારાજ છે. પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠા છે. ભાજપે બદનામ કરતાં ઠાકોરો, ઓબીસી પણ સરકારથી ખફા છે. આ સંજોગોમાં ભાજપના નેતાઓએ ગામડે ગામડે ખાટલા પરિષદો કરી ખેડૂતોને સમજાવવા પ્રયત્નો કર્યા પણ કંઇ મેળ પડ્યો નતી. આ કારણોસર ભાજપની એક્તાયાત્રામાં પાંખી હાજરી જોવા મળી રહી છે.