વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક એવો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું કામ હવે અંતિમ ચરણોમાં પહોંચી ગયું છે. અનેક પ્રકારનાં આક્ષેપો વચ્ચે 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમામાં સરદાર પટેલનો ચહેરો આજે લગાવી દેવામાં આવ્યો છે.
સરદાર વલ્લભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું કામ પૂર્ણતાને આરે છે. આપને જણાવી દઈએ કે આ એ સ્ટેચ્યૂ છે જે આખા ભારતની સૌથી ઊંચી પ્રતિમા કહેવાય છે. આ સ્ટેચ્યૂમાં સરદાર સાહેબનો ધીરગંભીર ચહેરો જોઈ શકાય છે. હવે સરદારની વિશાળકાય પ્રતિમાના 552 જેટલા અલગ અલગ ભાગોને વાઘડિયા ગોડાઉનથી સાધુ ટેકરી સુધીનાં વિસ્તારમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે.
આજે સવારે સરદાર પટેલનાં ચહેરાનો જે ભાગ લગાવવાનો બાકી હતો તે સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યો છે. હવે સરદાર પટેલની વિશાળ પ્રતિમાના પગનું અને માથાનાં ભાગમાં થોડું કામ કરવાનું બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે પ્રતિમામાં સરદાર પટેલના માથાના આકારના બ્રોન્ઝના પડ આવી ગયા છે. અન્ય કામો 25 ઓક્ટોબર પહેલાં પુરા કરી દેવાની ગણતરી આ પ્રતિમા બનાવી રહેલાં એન્જિનિયરોનું કહેવું છે. જે દિવસે આ પ્રતિમાને આખરી ઓપ અપાઈ જશે તે દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની આવશે અને સરદારની પ્રતિમાનું નિરીક્ષણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે આ પ્રતિમા બનાવવાનું બીડું ઝડપ્યું હતું. અને હવે આજે જ્યારે તેનું અંતિમ ચરણોનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ખરેખર ગુજરાતની સૂરત બદલાઈ જશે. આ પ્રતિમાનું લોકાર્પણ કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે આવવાનાં છે ત્યારે તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન પણ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રતિમા બનાવી રહેલી એજન્સી પાસેથી પ્રતિમાનાં કામકાજનો અહેવાલ માંગ્યો હતો અને આ બાબતે ચર્ચા પણ કરી હતી.