સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણાધિન ટેન્ટ સીટી દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ સ્મારકનું ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ થશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન
સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરાયા છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને
કુદરતનું સાનિધ્ય મળી રહે અને પ્રવાસીઓને અહીં રોકાવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાયું છે.પૂર્ણ સલિલા નર્મદા નદીના કુદરતી સૌન્દર્યની વચ્ચે ટેન્ટ સીટીનું નિર્માણ કરાયું છે. તળાવ નં -૩ અને
તળાવ નં -૪ના કિનારે પચાસ હજાર ચો.મી. અને વીસ હજાર ચો. મી. એમ બે સ્થાન ઉપર આ ટેન્ટ સીટી આકાર
લેશે. આ ટેન્ટ સીટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, રોડ, વીજળી, પીવાનું પાણી જેવી શ્રેષ્ઠ સગવડો ઉપરાંત સમથળ
જમીન ઉપર વિવિધ ભૂમિદ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે. તળાવ નં. ૪ નજીકના પ્રથમ ટેન્ટ સીટીમાં પચાસ ટેન્ટ અને
તળાવ નં. ૩ના કિનારે આવેલા બીજા ટેન્ટ સીટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે. પ્રવાસીઓને ટેન્ટ સીટી ખાતે
વડોદરાથી જવા –આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધાઓ પણ પૂરી
પાડવામાં આવશે.
આ ટેન્ટ સીટીમાં રિસેપ્શન એરિયામાં સરદાર પટેલના જીવન કવન સાથે સંકળાયેલી ક્વીઝ પણ ઇન્સ્ટોલ
કરવામાં આવી છે. અહીં હરિત ઊર્જા સાથે આખું ટેન્ટ સીટી ઝળહળે તે માટે ૨૫૦ કિલોવોટ સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરતી
તરતી સૌર પેનલો ભવિષ્યમાં સ્થાપિત કરવાનું આયોજન પણ કરાયું છે. ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન
દ્વારા આ આખું સંકુલ પર્યાવરણ હિતકારી બની રહેશે. આ એવું સ્થળ છે જ્યાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર દ્વારા
એંઠવાડમાંથી બાયો- ફર્ટિલાઇઝર બનાવવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનો વિસ્તાર એકદમ સ્વચ્છ રહે તેની પણ કાળજી લેવામાં આવી છે. આ સંકુલનો
લગભગ બે લાખ ચો. મી.નો વિસ્તાર સંપૂર્ણતયા સાફ-સ્વચ્છ રહે તે માટે બીવીજી ઇન્ડિયા પ્રા. લિ.ને ફરજ સોંપાઇ છે.
આ કંપની સફાઇ કામગીરી માટે આશરે ૧૦૦ કામદારોની ફોજને કામે લગાડશે.
આ ટેન્ટ સીટીને કારણે ઉભી થનારી રોજગારીની તકો પૈકી ૮૫ થી ૯૦ ટકા રોજગારીની તકો સ્થાનિક યુવાઓ
માટે નિર્માણ થશે જેનાથી સ્થાનિક લોકોને માત્ર રોજગારી મળશે એવું નથી આ વિસ્તારના આર્થિક વિકાસને નવો વેગ
મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે ખાસ તાલીમ પામેલા ગાઇડની સેવા પણ ઉપલબ્ધ હશે. માત્ર એક મહિનામાં
જ સઘન તાલીમ દ્વારા ૮૦ વ્યાવસાયિક ગાઇડને તૈયાર કરવામાં આવ્યા છે. તૈ પૈકી ૬૦ ગાઇડ તો નેશનલ ઇસ્ટીટ્યુટ
ઓફ ફેશન ટેકનોલોજી – નીફ્ટ દ્વારા ડિઝાઇન કરી તૈયાર કરાયેલા યુનિફોર્મમાં સજ્જ થઇને ટેન્ટ સીટીમાં ફરજ
બજાવશે શ્રેષ્ઠ તાલીમ પામેલા આ ૬૦ ગાઇડમાં ૧૪ મહિલાઓ અને ૪૬ યુવાનો છે. એટલું નહી ૩૭ યુવાઓ નર્મદા
જિલ્લાના અને ૧૪ યુવાઓ છોટા ઉદેપુર જિલ્લાના છે.