જીએલએસ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ, ગુજરાત લૉ સોસાયટીના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ અને હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલ સુધીર નાણાવટીના જમાઈ સહિત બે જણા સિંધુ ભવન રોડ ઉપર એસ.કે.ફાર્મની બહારથી દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે અભિષેક શાહ અને પુરવ શાહ વિરૂધ્ધ ગુનો નોંધી જગુઆર કાર કબ્જે લઈ ધરપકડ કરી હતી. પ્રોહિબીશન કેસમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જામીન ઉપર મુક્ત કર્યા હતા.
શહેરનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં 30મી જૂનની વહેલી સવારે સિંધુ ભવન રોડ પરથી શહેરનાં એક મોટાં માથાનાં નબીરાંને અને તેનાં મિત્રને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં. દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલાં અભિષેક જયેન્દ્રભાઈ શાહ અને પુરવ મહેશ શાહની સામે માત્ર મોટર વેહિકલ એક્ટની કલમ 185 એટલે કે દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો જ નોંધ્યો છે. જ્યારે દારૂબંધી હોવા છતાં દારૂ પીવાનો અને રાખવાનો પોલીસે ગુનો નહિ નોંધીને આરોપીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એલઆરડી વિક્રમકુમાર પરાગભાઈ આજે વહેલી પરોઢ પહેલા સિંધુ ભવન રોડ એસ.કે.ફાર્મ પાસે એક શંકાસ્પદ જગુઆર કારની તપાસ કરવા આગળ વધ્યા હતા. આ સમયે કારમાં બેસેલા ચાલકે નશાની હાલતમાં એલઆરડી સાથે ઝઘડો તેમજ ઝપાઝપી કરી હતી. કાર ચાલક તેમજ તેની બાજુની સીટમાં બેસેલા શખ્સને કારમાંથી બહાર ઉતાર્યો હતો.
કાર ચાલક સહિત બંને જણાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જયાં બંને શખ્સોની પંચો રૂબરૂ પૂછપરછ કરતા જગુઆર કારના ચાલકે પોતાનું નામ અભિષેક જયેન્દ્રભાઈ શાહ (ઉ.48 રહે. 26 નેચર કોર્નર, અશોક વાટિકા પાસે, આંબલી-બોપલ રોડ) અને અન્ય શખ્સે પોતાનું નામ પુરવ મહેશભાઈ શાહ (ઉ.46 રહે. 17-બી અશોક વાટીકા, આંબલી-બોપલ રોડ) જણાવ્યું હતું. બંને આરોપીઓ સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી જગુઆર કબ્જે લઈ ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ સહિત બંને આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતેથી જામીન ઉપર મુક્ત કરી દીધા હતા.
દારૂ પીને ગાડી ચલાવવાનાં ગુનામાં પકડાયેલાં અભિષેક શાહનાં સસરા સુધીર નાણાંવટી અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલાં છે. અને સુધીર નાણાંવટીની પુત્રી અનુજા જેનાં લગ્ન અભિષેક શાહ સાથે થયાં છે તે પોતે પણ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. અભિષેક પોતે એક બિઝનેસમેન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રવિવારે વહેલી સવારનાં લગભગ 2 વાગ્યાની આસપાસ સિંધુ ભવન રોડ પર આવેલાં એસ. કે. ફાર્મ પાસે ફરજ બજાવી રહેલાં લોકરક્ષક વિક્રમકુમાર પરાગભાઈ અને હોમગાર્ડનાં જવાન રાહુલ કિશનભાઈ ખટિકે લક્ઝ્યૂરિયસ જેગુઆર કાર નંબર જીજે-01-કેએન-5400 ઊભેલી જોઈ હતી. આ કારની પાસે જઈને તપાસ કરતાં તેમાં બેઠેલી વ્યક્તિની પૂછપરછ કરતાં તેમણે સંતોષકારક જવાબ ન આપી તેમની સાથે ઝપાઝપી અને બિભત્સ ભાષામાં વાત કરી હતી.
લોકરક્ષક અને હોમગાર્ડે વધુ પૂછપરછ કરી
આ ગાડીમાં બેઠેલી વ્યક્તિને ગાડીમાંથી બહાર આવવાનું કહ્યું ત્યારે તે સીધી રીતે ઊભા પણ નહોતા રહી શકતાં. આ ઉપરાંત તેમની સાથે ગાડીમાં અન્ય એક વ્યક્તિ પણ હોઈ તેમની પણ ફરજ પરનાં આ બન્ને જવાનોએ પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ આંબલી રોડ પર આવેલી અશોક વાટિકાનાં 17-બી નંબરનાં બંગલામાં રહેતા પૂરવ મહેશ શાહ કહ્યું હતું. આ બન્ને જણાંએ દારૂનું સેવન કર્યું હોવાનાં કારણે તેઓને ઊભા રહેવાનું કે સરખી રીતે બોલવાનું પણ ફાવતું નહોતું. તેથી આ બન્નેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં. જ્યાં પોલીસની પૂછપરછમાં ગાડીનાં ચાલક આંબલી બોપલ રોડ પર આવેલાં નેચર કોર્નર બંગલા નંબર 26માં રહેતાં અભિષેક જયેન્દ્રભાઈ શાહ હોવાનું બહાર આવ્યું હતું.
દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો દાખલ કરાયો
આ બન્ને જણાંએ ખૂબ જ પ્રમાણમાં દારૂ પીધો હોવાનું માલૂમ પડતાં બન્ને વિરૂદ્ધ પોલીસે મોટર વેહિકલ એક્ટની કલમ 185 મુજબ દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો નોંધ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે માત્ર સામાન્ય ગુનો નોંધ્યો
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે ત્યારે આ કેસમાં પોલીસે અભિષેક શાહ અને તેનાં મિત્ર પુરવ શાહ વિરૂદ્ધ માત્ર દારૂ પીને ગાડી ચલાવવાનો સામાન્ય ગુનો નોંધ્યો, જ્યારે ગેરકાયદેસર રીતે દારૂ લાવીને પીવાનો ગુનાની કોઈ કલમ નહિ લગાવીને બન્નેને બચાવવવાનો પોલીસે પ્રયાસ કર્યો હોય એવું ફલિત થાય છે.