હાઈબ્રિડ ભાજપ બનાવનાર મોદી અને અમિત શાહ

ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. રાજ્યમાં 1995માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં 22 ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે 2002 થી 2019 સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે. ભાજપના આર્થિક કૌભાંડો કે ભાજપની ગાંધીનગરની કમલમ કચેરીમાં કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને નવી આપવાનું અને વિદેશમાં બનાવટી નોટો છાપવાના કૌભાંડ અને ગુજરાતના નેતાઓના સેક્સ કૌભાંડ અને ખૂન કરવા સુધીની ગંભીર ઘટનાઓ બની છે. બળાત્કારી નેતાઓ ભાજપમાં બહાર આવ્યા છે. પક્ષપલટો કરાવીને સત્તા ટકાવી રાખવા માટે મોદી અને અમિત શાહ જાણાતા બન્યા છે.

2019માં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની સંખ્યા 200થી વધું છે જ્યારે 10,000થી વધું કોંગ્રેસના કાર્યકરો આ એક જ વર્ષમાં આવ્યા છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસથી વ્યાપક પ્રમાણમાં કાર્યકરોને આયાત કરાયા છે. હવે ભાજપ એ ભાજપ નથી પણ તકવાદી, સેક્સ વાદી, ભ્રષ્ટ-આચાર, કરોડોના કૌભાંડ, નકલી અને અસલી નોટોના કૌભાંડો બહાર આવ્યા છે. હવે ભાજપ એ ભાજપ નથી. તે કોંગ્રેસની હાઈબ્રિડ ઓલાદ બની ગઈ છે. જે વધારે ઉત્પાદન આપે છે, પણ તેમાં મીઠાશ કે શુદ્ધતા રહી નથી.

ભાજપે છેલ્લી 4 વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. એવી જ રીતે લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.

ગુજરાતના રાજકારણમાં પક્ષપલટુઓનો ઇતિહાસ વર્ષો પૂરાણો છે પરંતુ તેમાં ગતિ 1990માં ચીમનભાઇ પટેલની સરકાર સાથે આવી છે. તેમની જનતાદળ (ગુજરાત) ની આખી કેબિનેટ અને ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ચીમનભાઇ પટેલ પછી 1996 અને 1997માં ભાજપના શંકરસિંહ વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડી તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટીનું વિલિનકરણ કોંગ્રેસમાં કર્યું હતું. હવે આ રોગ ભાજપના સેકન્ડ કેડરના નેતાઓને લાગ્યો છે જેઓ અત્યારે પાર્ટીના સુપર પાવર છે.

ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ કે જેમાં સાંસદો તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેની સંખ્યા 57 થવા જાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન છે તેમાં 22 ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપે સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દા આપ્યા છે. જેમ કે બલવંતસિંહ રાજપૂતને ભાજપની સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને ભાજપે ગુજરાત મિનરલ ડેવલમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપ્યું છે.

રાજ્યમાં 2002ની વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં સંખ્યા 57 થવા જાય છે. એ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણીમાં મેળવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને તોડીને કોંગ્રેસનું શાસન ભાજપે આંચક્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું સૂત્ર લઇને આગળ વધતા ભાજપમાં અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સંસ્થાઓના કોંગ્રેસના 1500 જેટલા સભ્યો હાલ ભાજપમાં છે. મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને સાથીઓ પણ ભાજપમાં જોડાયા હોવાની 35 ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા 45000 કરતાં વધુ જોવા મળે છે.

2017ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના સિનિયર ડઝનબંધ નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. ભાજપમાં વર્ષોથી ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યોને મંત્રીપદ મળતું નથી પરંતુ કોંગ્રેસના આયાતી સભ્યોને સરકારમાં મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસનો રોગ લાગ્યો છે. આ રીતે કોંગ્રેસને ખતમ કરીને ભાજપે પ્રવેશના દરવાજા ખોલીને શું સિદ્ધ કર્યું છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યને પ્રવેશ આપવાની ભાજપની સ્માર્ટ પદ્ધતિ એવી છે કે– કોઇપણ ધારાસભ્ય પાર્ટી બદલે તો પક્ષાંતર ઘારો લાગુ પડે, પરંતુ એક બે કે પાંચ ધારાસભ્યોને રાજીનામું અપાવીને ભાજપ તેને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવે છે અને જીતાડે છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપના બાગી નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષાંતર ધારાથી બચવા માટે વન-થર્ડ ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું હતું જેથી તેઓ સરકારનો હિસ્સો બની શકે!!