ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્લા 13 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે. ત્યારે ખેડૂતોએ લીધેલ લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્મહત્યા કરી રહયા છે. ત્યારે અમરેલી જિલ્લાના ચાંદગઢ ગામે રહેતા એક ખેડૂતના કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે અને લીધેલ લોન ભરપાઈ થઈ શકે તેમ ના હોવાના કારણે ગઈકાલે આપઘાત કરી લીધો હતો. જયારે તેમના પત્નિએ પણ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઈ ધીરૂભાઈ ખુમાણ નામના 48 વર્ષીય ખેડૂતે પોતાના ખેતીના કામ માટે થઈ વિવિધ લોન લીધી હોય, અને પાક સારો આવશે એટલે ભરપાઈ કરી દેશું તેવી આશા હતી. ત્યારે પોતાની ખેતીમાં વાવેલ કપાસનો પાક નિષ્ફળ જતા અને હવે પોતે લીધેલી લોન ભરપાઈ કરી શકે તેમ ન હોય, જેથી તેમણે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથોસાથ તેમના પત્નિ લાભુબેને પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.