હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી, ભાજપ ખેડૂતોને સહાય કરે – ધારાસભ્ય વિરજી ઠુમર

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, હાર્દિકના ઉપવાસ અંગે ભાજપના વીજળી પ્રધાન સૌરભ પટેલે કોંગ્રેસ પ્રેરિત કહીને સમગ્ર પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. હાર્દિકનો ઉપવાસ એ કોઇ કોંગ્રેસની માંગણી પુરી કરવા માટેનો નથી પરંતુ સમગ્ર પાટીદાર સમાજ, રાજયના ખેડૂતોના કૃષિ બજેટમાં તેમજ સબસીડીમાં વધારો કરવા, કૃષિ ઉપજને જીએસટી મુકત કરવા, કૃષિ ઓજારોને કરવેરા મુકત કરવા, કૃષિપાકનાં પોષણક્ષમ ભાવ આપવા, સસ્તી અને પુરતી વિજળી આપવા, સિંચાઇના પાણી વ્યવસ્થા કરવા, રોઝ ભુંડના ત્રાસથી ખેતી બચાવો, સેટેલાઇટ જમીન માપણી રદ કરવા, સરળતાથી સસ્તું ધિરાણ આપવા, નાના ખેડૂતોને બીપીએલ કાર્ડ આપવા, ખેડૂતોને વયોવૃદ્ધ પેન્શન આપવા, પાકવિમાનું ખાનગીકરણ બંધ કરવા તેમજ મગફળીકાંડની તટસ્થ તપાસ કરવા જેવા મુદ્દાઓ અને ભાજપ સરકારની જુલ્મી શાસન વ્યવસ્થા સામે છે. ઠુંમરે વધુમાં જણાવ્યું કે, આ લોકશાહીમાં દેશમાં પોતાનો અવાજ પહોંચાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે દરેક ને આંદોલન કરવાનો અધિકારી છે, ત્યારે ભાજપના પગ નીચે રેલો આવતા અને હાથમાંથી સત્તા સરી જતી ટકાવી રાખવા હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી પોતાની નિષ્ફળતા છુપાવવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. પ્રધાન કદાચ જાણતા નહી હોય કે, હાર્દિકની લડાઇ સમાજના તેમજ ખેડૂતોના હિત માટે હોઇ, પાટીદારોની મોટી બે ધાર્મિક સંસ્થાઓ એ સમર્થન આપ્યું છે. જો આ લડાઇ કોઇ રાજકીય પક્ષના હિત માટે હોય તો પાટીદાર સમાજની આવી મોટી સંસ્થાઓ એ સમર્થન ના આપ્યું હોત. એક બાજુ રૂપાણી સરકાર સંવેદનશીલ ગુલબાગો પોકારી રહી છે તો પછી આંદોલનકારીઓના આંસુ કેમ દેખાતા નથી. તેમ ઠુંમરે જણાવ્યું હતું.