હાર્દિકનો ફટકો, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા-બહેન જોડાયા કોંગ્રેસમાં, પત્ની રિવાબા ભાજપમાં

રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં મતભેદ હોવાનું દેખાઇ રહ્યું છે અગાઉ તેમના પત્ની રિવાબાએ કેસરીયો ધારણ કરીને જામનગર લોકસભા બેઠક પર લોકસભા ટિકિટની દાવેદારી નોંધાવી હતી. જો કે અહી પુનમ માંડમને જ ભાજપે ફરીથી ટિકિટ આપી હતી અને રિવાબા અત્યારે ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે હવે રિવાબાના સસરા અને નણંદ આજે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના હાર્દિક પટેલની સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા છે.અગાઉ નયનાબાએ રિવાબા વિશે કટાક્ષ કરતા કહ્યું હતુ કે તેમને તૈયાર ભાનું મળી ગયું છે. અમારે તો મહેનત કરવી પડી હતી ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા ક્રિકેટર બન્યાં છે. સાધારણ ક્ષત્રિય પરિવારના રવિન્દ્રને ક્રિકેટર બનાવવામાં પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબાનું મોટું યોગદાન રહ્યું છે. રવિન્દ્રના માતાના અવસાન બાદ નયનાબાએ જ પરિવારની તમામ જવાબદારી નીભાવી હતી અને ભાઇ રવિન્દ્રનું ધ્યાન રાખ્યું હતુ. પરંતુ રિવાબાના આવ્યાં પછી કદાચ પરિવારમાં મતભેદો ઉભા થયા હોવાનું લાગી રહ્યું છે.