હાર્દિક પટેલના ઉપવાસના 9 સપ્ટેમ્બરના તમામ સમાચાર

9 સપ્ટેમ્બરના સમાચાર

ડીસીપી રાઠોડે હાર્દિકને મારી નાંખવાની ધમકી આપી

16 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને આજે બપોર બાદ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ હાર્દિક ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણી પહોંચ્યો હતો. ઉપવાસ છાવણી પહોંચ્યા બાદ હાર્દિક ઉપવાસ બેસી ગયો હતો. જો કે અહીં પાસ કન્વીનર નિખિલ સવાણીએ પોલીસ પર ધક્કામુક્કી કરવાનો આરોપ મુકી જણાવ્યું હતું કે, ડીસીપી રાઠોડે હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ ડીસીપી અને હાર્દિક વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઘટનાને પગલે મનોજ પનારા પણ ઉપવાસ છાવણીમાંથી દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા. 3 એસઆરપીની ટુકડી, 3 ડીસીપી 8 એસીપી 35 પીઆઈ સહિતનો 3000નો પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો.

હાર્દિકે ટ્વિટ કર્યું

@HardikPatel_

अहमदाबाद का DCP राठौड़ मुझे कहता है मार दूँगा,अब ज़िंदा रखने का और मारने का काम भी यमराज जी ने राठौड़ जैसे पुलिस अधिकारी को दे रखा है क्या ?? उपवास आंदोलन का कवरेज कर रहे मीडिया कर्मी पर भी पुलिस ने बलप्रयोग किया और उनके केमेरे तोड़ने के प्रयास हुए।मीडिया के साथ जो हुआ वो ग़लत है

@HardikPatel_

घर पहुँचते ही फिर से मेरे निवास स्थान के बाहर हज़ारों की तादाद में पुलिस को तैनात कर दिया और लोगों को रोकने लगी,अगर आपने अंग्रेज़ हुकूमत नहीं देखी तो आइए एक बार गुजरात,हमारे निवास स्थान पर आपको बाघा बॉर्डर का भी नज़ारा देखने को मिलेगा.सत्ता के नशे में जनता पर अमानवीय अत्याचार हैं

ઉપવાસ ભાગ 2

ઉપવાસ પાર્ટ-ટુમાં હાર્દીક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી રવિવારે રજા આપી દેવામાં આવી છે અને તે ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે ફરીથી ઉપવાસ પર બેઠો છે. હાર્દિકને એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીનવૂડ ખાતે લઈ જવાયો હતો. ગ્રીનવૂડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફરીથી ફેરવાઈ ગયો છે અને હાર્દીકને ગ્રીનવૂડમાં અંદર લઈ જવા પર પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પાસના નિખીલ સવાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે હાર્દિકને એમ્બ્યુલન્સમાં અંદર લઈ જવા પર ડીસીપી રાઠોડે મનાઈ કરી અને ઉતારી દીધા હતા તેમજ તેમણે હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ પાસ દ્વારા કરાયો હતો. હાર્દીકને ગ્રીનવૂડમાં સ્ટ્રેચર પર લઈ જવાયો હતો અને ત્યાં તે ફરી ઉપવાસ પર બેઠો હતો. હાલ તેની તબિયત સ્થિર છે અને હાર્દિક સહિત તેના સમર્થકો પણ ગ્રીનવૂડ ખાતે પહોંચ્યા હતા. ગ્રીનવૂડ રિસોર્ટની આસપાસના વિસ્તારમાં ફરીથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાર્દીક પટેલના તમામ રિપોર્ટ યોગ્ય જણાતા એસજીવીપી હોસ્પિટલ દ્વારા તેને બપોરે ૨.૨૦ કલાકે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંથી તે સીધો ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે ગયો હતો અને ત્યાં તે ઉપવાસ પર બેઠો છે..

25 ઓગસ્ટનાં રોજથી આમરણાંત ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલને શુક્રવારનાં રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને દાખલ કરવામાં આવ્યો તેનાં બે દિવસ પહેલાથી તેણે ફરી એક વાર જળત્યાગ કર્યો હતો જેનાં કારણે તેની તબીયત વધારે લથડી ગઈ હતી. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં મનામણા પછી હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ‌વ્યો હતો. જો કે, ત્યારબાદ સુરક્ષાની ભીતિ વય્ક્ત કરાતા તેને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યો હતો.

ઉપવાસ આંદોલન અંગે હાર્દિકે જણાવ્યું કે, ‘ઉપવાસ આંદોલન હજી પણ ચાલુ જ રહેશે. આજે ત્રણથી ચાર વાગ્યે હોસ્પિટલમાંથી રજા લઈને હું ફરીથી ઉપવાસ પર બેસવાનો છું. પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તી અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં જે સારવાર લેવી પડી છે એ મેં લીધી છે, પરંતુ આ સમય દરમિયાન મેં અન્નનો એક પણ દાણો પેટમાં નાખ્યો નથી. તમે બધા જ લોકો શાંતિપૂર્ણ રીતે મારા ઘરે આવજો. ગુજરાતમાં શાંતિ જોખમાય નહીં તેવી રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું

પત્રકારો સાથે પોલીસની ગેરવર્તણૂંક

આ ઉપરાંત પોલીસે હાર્દિક સાથે બોલાચાલી કર્યા બાદ મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. હાર્દિકના આગમનને પગલે ઉપવાસ છાવણી પર પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ ચૂસ્ત કરી હતી અને જેસીપી અને ડીસીપીને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

હાર્દિકનું મેડિકલ ચેકઅપ

એસ.જી.વી.પી. હોસ્પિટલમાં દાખલ હાર્દિકનું પાંચ ડૉક્ટર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટેસ્ટ માટે તેના બ્લડ અને યુરિન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેમાં બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, અને થોડું ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ જોવા મળ્યું છે. જ્યારે B12 અને વિટામિન D પણ ઓછું છે. જેની પણ સારવાર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે તેનું ડિહાઈડ્રેશન પણ ચેક કરવામાં આવ્યું હતું અને ડિસ્ચાર્જ બાબતે પણ તબીબો સાથે વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

રવિવારે તબીયતમાં સુધારો થતા હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં રજા અપાઇ હતી. રિપોર્ટ આધારે ડૉક્ટરોની ટીમે આ નિર્ણય લીધો હતો. હાર્દિક પટેલે ઉપવાસ છાવણીએ પહોંચી આમરણ ઉપવાસ જારી રાખ્યા હતાં. જોકે,ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશતા જ પોલીસે એન્બ્યુલન્સ રોકી હતી જેના કારણે હાર્દિકે સ્ટ્રેચર પર ઉપવાસ છાવણી સુધી જવા જીદ કરી હતી.

બપોરે અઢી વાગે પોલીસ કાફલા સાથે હાર્દિક પટેલને એમ્બ્યુલન્સવાનમાં એસજીવીપી હોસ્પિટલથી ગ્રીનવુડ રિસોર્ટ લવાયો હતો જયાં પહેલેથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એમ્બ્યુલન્સ વાનને પોલીસે રોકી હતી જ્યાં હાર્દિક પટેલ અને પોલીસ અધિકારીઓ વચ્ચે જીભાજોડી થઇ હતી પરિણામે હાર્દિકે ઘર સુધી સ્ટ્રેચર પર લઇ જાઓ.

સમર્થકો સ્ટ્રેચર પર લઇ જતાં હતાં ત્યાં હાર્દિકે ગભરામણ થઇ હોવાની ફરિયાદ કરી હતી. જેથી ફરી એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડી હતી.આખરે તે ઉપવાસ છાવણીએ પહોંચ્યો હતો.પોલીસે હાર્દિકના સમર્થકોની કારને ગ્રીનવુડ સુધી જવા દીધી ન હતી જેના લીધે બબાલ મચી હતી.

ઉપવાસ છાવણીએ વિશાળ શામિયાળો બાંધવામાં આવ્યો છે.જયાં ફરી હાર્દિકે ઉપવાસ શરુ કર્યા છે. ઉપવાસ છાવણીએ ફેસબુક લાઇવ કરી હાર્દિકે જીલ્લામથકો પર ઉપવાસ પર ઉતરેલા પાટીદાર યુવાઓને પારણાં કરી લેવા વિનંતી કરી હતી. ત્રણેય માંગણીઓ જયાં સુધી સ્વિકારાશે નહીં ત્યાં સુધી હાર્દિકે ઉપવાસ આંદોલન જારી રહેશે તેવુ સમર્થકોને જણાવ્યુ હતુ. બીજી તરફ,ધારાસભ્ય લલિત વસોયાએ પણ હાર્દિકને પારણાં કરી લેવા સમજાવ્યા હતાં

પાટણથી ઊંઝા સુધી પદયાત્રા

વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદારો ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે. આમરણાંત ઉપવાસી હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા કરી હતી. પદયાત્રામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના 20 હજારથી વધુ પાટીદારો જોડાવાનો દાવો પાસ સમિતિએ કર્યો હતો.

આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં પોલીસે આપી હતી.

બાલીસણા ગામે ભોજન વિરામ

સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડી પદયાત્રાનો આરંભ થયો હતો. યાત્રા સાંજે પાંચ વાગ્યા પહોંચી હતી. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવશે. બપોરે 12-30 વાગે બાલીસણા ગામે ભોજન વિરામ લઈ રવાના થઈ હતી. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવી હતી.

ગામેગામ બેઠકો કરાઈ

યાત્રાને લઇ મોટી સંખ્યામાં પાટીદાર યુવકો મુંડન કરાવવાના હોઇ રાજકીય માહોલ ગરમાયો હતો. યાત્રામાં જય સરદાર જય પાટીદાર અને જય જવાન જય કિસાનના નારા ગૂંજી ઉઠ્યા હતા. રૂટમાં આવતા વીરપુરુષોના સ્ટેચ્યૂને પુષ્પાંજલીનું આયોજન કરાયું હતું. સૌથી મોટી પદયાત્રા પાટણથી નીકળી તે પ્રકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરાયેલા આયોજનને સફળ બનાવવા પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ગામેગામ બેઠકો કરાઇ હતી. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાયા હોવાનું પાસ કન્વીનર હાર્દિક પટેલે (અડિયા) જણાવ્યું હતું.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કરવા પોલીસની સૂચના

પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનું જણાવ્યું હતું.

યાત્રામાં 250થી વધુનો પોલીસ બંદોબસ્ત

યાત્રા દરમિયાન 2 ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 150 પોલીસ, 20 બોર્ડર વિંગના જવાનો અને 104 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા હતા. યાત્રા દરમિયાન પાટણ જનતા હોસ્પિટલની 10 તબીબો સાથે એમ્બ્યુલન્સ સાથે રહી હતી. 100 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી હતી.

13 શરતોને આધિન યાત્રા-લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇ

ધાર્મિક હેતુસર યોજાયેલી સદભાવના પદયાત્રાને પાટણ મામલતદાર દ્વારા મંજૂરી અપાઇ હતી. જેમાં હાલમાં અમલી જાહેરનામાના અમલ, ટ્રાફિકને અડચણ નહીં બનવા, કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર નહીં કરવા સહિતની 13 શરતોને આધિન પદયાત્રા સંઘ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અપાઇ હતી.

રાહુલ ગાંધી આવે એવી શક્યતા

ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મુદ્દે 16 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે દેશભરના નેતાઓ આવી રહ્યા છે. પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા, સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહા બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી બે દિવસમાં હાર્દિકને મળવા આવે એવી સંભાવના છે. આ મુલાકાતને પગલે હાર્દિકના ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાહુલ ગાંધી છે ખૂબ ધીમાઃ હાર્દિક

25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર ઉતરતા પહેલા હાર્દિક પટેલે એક જાણીતા ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી ખૂબ ધીમા છે અને તેમણે પોતાની કાર્ય પધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો હતો.

તમે પારણાં કરો હું ઉપવાસ ચાલુ રાખીશ

ફેસબુક લાઈવ કરીને પાટીદાર સમાજને મેસેજ આપ્યો હતો કે, સાંજ સુધીમાં રાજ્યના જુદાજુદા જિલ્લામાં ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવાનો સાંજ સુધીમાં પારણાં કરી લો. હું સાંજ સુધીમાં રજા લઈને ઘરે જઈશ પરંતુ ઉપવાસ ચાલુ રાખીશ. જય સરદાર સાથે યુવાનોને જણાવ્યું હતું કે, મારા સમર્થનમાં ગુજરાતના તાલુકા-ગામડામાં મારા સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. તેમના ઉપવાસના કાર્યક્રમ સંઘર્ષોને જોયા પછી તે લોકોને વિનંતી કરું છે કે તાત્કાલિક આજે સાંજે પાંચ વાગ્યા પહેલા પારણાં કરી લેજો. ગામના આગેવાન, વડીલ કે માતા-પિતાના હાથે પારણાં કરજો. પારણાં કરીને આપણી લડાઈ- સંઘર્ષમાં સાથ આપજો સહયોગ આપજો એવી મારી નમ્ર વિનંતી છે, અપીલ છે. 3 માંગો પણ ઉપવાસ ચાલુ રહેશે.

શાંતિ એવી જ જાળવજો

હાર્દિકે ફેસબુક પર જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન ચાલુ જ છે, આજે ચારથી પાંચ કલાકમાં હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે ઉપવાસ પર બેસવાનો છું. ખેડૂતોની દેવા માફી, પાટીદાર અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ આ 3 મુદ્દે છે. હોસ્પિટલમાં આવીને જે સારવાર લેવી પડી છે એ લીધી જ છે. અન્નનો એક પણ દાણો હજુ સુધી શરીરમાં ન નાંખીને આપણી લડાઈ આપણો સંઘર્ષ વિજય સંકલ્પમાં આપણે બધા આગળ વધીએ એવી મારી વિનંતી છે. શાંતિપૂર્ણ રીતે મારા નિવાસે આવતાં એવી રીતે શાંતિપૂર્ણ રીતે જ આવજો. જે શાંતિ જાળવી છે, સલામતી જોખમાઈ નઈ એવી રીતે કામ કર્યું છે. એટલા માટે ફરીથી કહું છું, શાંતિપૂર્ણ રીતે આપણા કાર્યક્રમો ગામડે તાલુકે ચાલે છે એ ચલાવજો. ઉપવાસ પર બેઠા છો એ મિત્રો તાત્કાલિક ધોરણે પારણાં કરી લેજો. મને મનતાં હોય સમજતાં હોય મારી વાતનું માન રાખતાં હોય તેઓને પારણાં કરી લેવા વિનંતી છે.

મુખ્યમંત્રી માત્ર મહોરું છે, અગ્નિવેશ

સ્વામી અગ્નિવેશે હાર્દિક પટેલને મળીને તેને સમર્થન જાહેર કર્યુ હતું. તેમણે છેલ્લા 14 દિવસથી રાજય સરકારે કોઇ ચર્ચા ન કરતા આ મામલે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને ચર્ચા કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

અમારા તમિલનાડુમાં 69 ટકા અનામત – એ રાજા

સ્વામી ક્રિષ્ણમે ગાંધીની ભૂમિ પર હાર્દિક સાથે અન્યાય થઇ રહ્યો છે, ગુજરાત ગુનેગારોના હાથમાં છે તેવી કડક ટીકા કરી હતી. ડીએમકેના પૂર્વ સાંસદ રાજાએ તમિલનાડુંમાં 69 ટકા અનામત છે, તો ગુજરાત અને અન્ય રાજયોએ પણ આ મુદ્દે વિચાર કરવો જોઇએ તેમ કહ્યું હતું. જનતાદલ યુનાઇટેડના અધ્યક્ષ શરદ યાદવે કેન્દ્ર સરકાર તેના વચનોમાં નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગાંધીની ભૂમિ પર હાર્દિક પર અત્યાચાર થઇ રહ્યો છે: સ્વામી પ્રમોદ ક્રિષ્ણમ

તેમની સાથે હાર્દિંકના મળવા આવેલા સ્વામી પ્રમોદ ક્રિષ્ણમે કહ્યું હતું કે, હાર્દિકની તબિયત લથડી છે, 20 કિલો વજન ઘટયુ છે,જેથી અમને દુ:ખ થયું છે. ગાંધીની ભૂમિ પર હાર્દિક પર અત્યાચાર થઇ રહ્યો છે.

નિરાકરણ સરકારે જ કરવું જોઇએ: શરદ યાદવ

હાર્દિક પટેલની મુલાકાત લઇને શરદ યાદવે કહ્યું હતું કે, અનામતનો  મામલો સરકારનો છે, સરકારે તેનું નિરાકરણ લાવવું જોઇએ. હાર્દિક ઇચ્છે છે કે, ગુજરાતમાં શાંતિ જળવાય રહે, આથી તમામ લોકો શાંતિ જાળવે.

સૌરાષ્ટ્રમાં હંગામો: જામજોધપુર બંધ, જામનગર-જૂનાગઢમાં અટકાયત

હાર્દિકના ઉપવાસના 15માં દિવસે સૌરાષ્ટ્રભરમાથી તેને સમર્થન મળી રહ્યું છે. આજે રાજકોટમા પાટીદારોએ અલગ-અલગ કોલેજની બહાર જય પાટીદારના નારા લગાવી કોલેજે બંધ કરવાના પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ જામજોધપુરના વેપારીઓએ બજાર બંધ રાખી હતી. જૂનાગઢમા કોલેજ બહાર પાટીદારોએ હંગામો કરતા પોલીસે પાસના કાર્યકરોની અટકાયત કરી હતી.

કોલેજના વિદ્યાર્થીઓ લગાવ્યા નારા

રાજકોટમાં હાર્દિકના સમર્થનમાં કોટક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા અને ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ કોલેજ બંધ કરીને એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે.

જામનગર- જૂનાગઢમાં પાસ કાર્યકરોની અટકાયત

હાર્દિક પટેલના સમર્થનમાં જામજોધપુર વેપારીઓ બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢમાં શાળા-કોલેજ બંધ કરાવવા નીકળેલા પાસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે પોલીસ દ્વારા શાળા- કોલેજની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જામનગરમાં પણ પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

સૌરાષ્ટ્રના ગામે-ગામ હાર્દિકને સમર્થન

રાજકોટમા છેલ્લા ચાર દિવસથી રોજ રામધુન બોલવામા આવી રહી છે. આજે ગોંડલતાલુકામા ઠેર-ઠેર રામધુન બોલાવામા આવી હતી. આગામી દિવસોમા હાર્દિકને સમર્થન યથવાત રહેશે અને અલગ-અલગ રીતે સમર્થન કરવામા આવશે. હાર્દિક હોસ્પિટલમા હોય તેની તબિયતમા ઝડપથી સુઘારો થાય તેને લઇ ઠેર-ઠેર પ્રાર્થના કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રભરમા ગામડે-ગામડે હાર્દિકને સમર્થનને વેગ મળી રહ્યો છે.

ગોઝારીયામાં આપ્યું બંધનું એલાન, જાકાસણામાં કેન્ડલ માર્ચ

હાર્દિકના પાટીદાર સમર્થકોએ મહેસાણા ગોઝારીયામાં બંધનું એલાન આપ્યું છે. પાટીદારો દ્વારા સ્વેચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. ગોઝારીયાના બજારમાં દુકાનો બંધ જોવા મળી છે. તથા વિસનગર- અમદાવાદ હાઈવે ગોઝારીયા ખાતે વાહન વ્યવહાર પણ યથાવત છે. હજુ સુધી કોઈ પણ પરિવહન સેવાને અટકાવવામાં નથી આવી, સાથે જ શાંતિપૂર્ણ રીતે બંધ પડાયો છે.

પાટીદારોની કેન્ડલ માર્ચ કાઢી

મહેસાણાના જકાસણા ગામમાં હાર્દિકના ઉપવાસને સમર્થન આપવા માટે સમસ્ત પાટીદારોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. કેન્ડલ માર્ચની સાથે સાથે રામધુન કરીને ગામમાં ફર્યા હતા. અને હાર્દિકના સમર્થનમાં ‘હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે’ના નારા પણ ગુંજ્યા હતા.

નીતિન પટેલના જાપાન પ્રવાસ અને હાર્દિકના ઉપવાસ

કૉંગ્રેસ ના નેતાઓ ઉપરાંત પાટીદાર ની સંસ્થાઓ સિદસર અને ઉમિયા ધામ ના આગેવાનોએ પણ હાર્દિકની મુલાકાત લેતા,હવે આંદોલન વેગ પકડી રહ્યુ હોવાનું ચર્ચાય છે, ત્યારે અવાર નવાર મીડિયા સામે હાર્દિક ના આંદોલન અને અનામત મુદ્દે નિવેદન આપનાર ભાજપના Dy. CM નીતિન પટેલ નવ દિવસના જાપાન પ્રવાસે હતા, ત્યારે રાજકીય પંડિતો માં તરેહ તરેહ ની ચર્ચાઓ શરુ થઈ છે.  તેઓ 9 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસે હતા. જાપાનમાં યુગો સ્ટેટના કાર્યક્રમમાં નીતિન પટેલ હાજરી આપશે. જ્યાં તેઓ યુગો સ્ટેટ ના ગવર્નર સહિત બિઝનેસ ડેલીગેશન સાથે મુલાકાત કરી હતી.  હાર્દિક અને પાટીદાર અનામત આંદોલન મુદ્દે અવાર નવાર મીડિયામાં ચમકતા રહેતાં નીતિન પટેલના જાપાન પ્રવાસ ને લઇ અનેક અટકળો શરુ થઈ છે,કે શું હવે હાર્દિક કે પાટીદાર અનામત મુદ્દે નિવેદનો આપી રાજકીય રોષ નો ભોગ ના બનવું પડે એટલાં માટે તો નીતિન પટેલે વિદેશ પ્રવાસ જવાનું પસંદ નથી કર્યું ને ?

ભાજપના નેતાએ અનામતને વખોડી

અનામતની પ્રથા જેટલી જલદી દૂર કરવામાં આવે એટલું સમાજના હિતમાં લેખાશે એવી ભૂમિકા સાથે આજકાલ દેશમાં સવર્ણો જંગે ચડ્યા છે. પહેલાં ભાજપ-જેડી(યુ)શાસિત બિહાર અને પછી ભાજપશાસિત મધ્ય પ્રદેશ સહિતના પ્રદેશોનો વારો આવ્યો. પોતાને ઉજળિયાત અને સવર્ણ ગણાવનારાઓ અનામતને દૂર કરવા દેશવ્યાપી બંધનું આયોજન કરવા મેદાને પડે છે. અનામતના સમર્થકો એની સામે વિરોધ નોંધાવવા જંગ આદરે તો સમાજમાં વિદ્વેશનું વાતાવરણ સર્જાવાનું સ્વાભાવિક છે. સદનસીબે હજુ સ્થિતિ કથળી નથી,પરંતુ મામલો ક્યારે વણસે એ કહેવાય નહીં. ગુજરાતમાં માધવસિંહયુગમાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોની આગને જે ઉજળિયાત કોમો વધુ ભડકાવી રહી હતી એમાંથી ઘણી કોમો તો આજે અનામતની માંગણી સાથે આંદોલન આદરી બેઠી છે. પોતાને ઉજળિયાત ગણાવતી કોમો હવે અનામતની કતારમાં છે. આંદોલન કરે છે. પોતાને પછાત કોમોમાં સામેલ કરાવવા રેલીઓ કાઢે છે.અનામતનો સૌથી પહેલાં લાભ મદ્રાસમાં બ્રાહ્મણોને મળ્યો હતો કે છત્રપતિ શાહૂ મહારાજના કોલ્હાપુરમાં મરાઠાઓને માટે અનામત દાખલ કરાઈ હોવાની વાત આગળ ધરીને બ્રાહ્મણ, રાજપૂત, પટેલ-પાટીલ કે અન્ય ઉજળિયાત મનાતી કોમો હવે પોતાને પછાત ગણાવવાની સ્પર્ધામાં છે.

અન્યો માટે અનામત ત્યાગો ઝુંબેશ

અનામત પ્રથાનો લાભ માત્ર ૨૦થી ૨૫ % લોકોને જ મળ્યો છે એટલે જેમણે અનામતનો લાભ લીધો હોય તે અન્ય સમાજોને માટે અનામતના લાભને ત્યાગે અને અન્ય સમાજોને પણ અનામતનો લાભ મળવો જોઈએ, એવા પ્રબોધન સાથે કેન્દ્રના રાજ્યમંત્રી હરિભાઈ પરથીભાઇ ચૌધરી પોતાના સમાજના જ રવિવારી સમારંભમાં ઘણાને આંચકો આપ્યો. આગામી લોકસભા ચૂંટણી હજુ પોતે બનાસકાંઠા બેઠક પરથી લડવાની જાહેરાત કર્યા પછી પણ એ પોતાના પગ પર કુહાડો મારવાનું કામ કેમ કરી રહ્યા છે, એ અગમ્ય છે. એકબાજુ, મોદી સરકારના આ ગુજરાતી પ્રધાન અનામતનો અન્યો કાજે ત્યાગ કરવાની ફોર્મ્યુલા રજૂ કરે છે.રાજ્યમંત્રી ઉવાચ: “અનામતનો એકવાર જેમણે લાભ લીધો છે તેમણે બીજીવાર લાભ ના લેવો જોઈએ.અનામતનો લાભ દરેક સમાજને મળવો જોઈએ.” મંત્રીમંડળની સામૂહિક જવાબદારી હોય છે એટલે કે રાજ્યમંત્રી જે વદ્યા એ વડાપ્રધાન મોદીની સરકારની ભૂમિકા લેખાય ! બીજી બાજુ, મોદી સરકારના બીજા રાજ્યમંત્રી રામદાસ આઠવલે બંધારણ બદલીને આર્થિક રીતે પછાત એવા સવર્ણોને કે ઉજળિયાતોને ૨૫ % અનામતનો લાભ આપવા ઉપકાર કરવા તત્પર છે. ચૌધરી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સાથે જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતો( ઓબીસી) માટેની અનામતનો લાભ મેળવનારી કોમોને ઉપદેશ કરી રહ્યા હતા કે કેમ એનો ફોડ પાડ્યો નથી. બોલવામાં સંયમ રાખવાને બદલે વાણીવિલાસ પછી મેં આવું કહ્યું નહોતું એવી સ્પષ્ટતા કરવાની પરંપરા કમસેકમ આવા જવાબદાર રાજ્યમંત્રીના કિસ્સામાં પાછળથી નહીં જ જળવાય. દેશમાં અનામત હટાઓ ઝુંબેશનું નેતૃત્વ કરવાના અભરખા એમને જાગ્યા હોય તો જુદી વાત છે.

ગુજરાતમાં માધવસિંહયુગમાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોની આગને જે ઉજળિયાત કોમો વધુ ભડકાવી રહી હતી એમાંથી ઘણી કોમો તો આજે અનામતની માંગણી સાથે આંદોલન આદરી બેઠી છે. પોતાને ઉજળિયાત ગણાવતી કોમો હવે અનામતની કતારમાં છે. આંદોલન કરે છે.

૨૭ જ્ઞાતિઓનો ૧૯૯૪માં સમાવેશ

બંધારણમાં એસસી અને એસટી ઉપરાંત ઓબીસીની અનામતની જોગવાઈ કરવામાં આવ્યા પછી અનામતની સ્થિતિની દર દસ વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ છે. આમ છતાં રાજ્યમંત્રી ચૌધરીના પક્ષ ભાજપ થકી ગુજરાતમાં ૨૨ વર્ષના શાસન દરમિયાન એકપણ વખત અનામતની સમીક્ષાની માંગણી કરાઈ નથી. આમ એકાએક અનામત છોડવાની વાત કરવામાં આવી એનું પ્રાગટ્ય થયું ક્યાંથી, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હજુ થોડા વખત પહેલાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેમના સમાજના જ ઓબીસી અનામત ઝુંબેશના સૂત્રધાર એવા અગ્રણી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી રાજ્યમાં જે સમાજો કે જૂથો ઓબીસી અનામતમાં છે તે તમામને કેન્દ્રની ઓબીસી અનામતની યાદીમાં સમાવવાની માંગણી સાથે રજૂઆત કરતા હતા. આ વાત તર્કસંગત હોવા છતાં એનો વિચાર કરવાનો કેન્દ્રના આ મંત્રી સહિતના સરકારમાં બેઠેલાઓને વખત મળ્યો નહીં. એકાએક અનામતનો લાભ મેળવનારા અન્ય સમાજો માટે એ ત્યાગે, એવી વાત કરે ત્યારે નવાઈ લાગવી સ્વાભાવિક છે. અત્રે એ યાદ રહે કે મંડળ પંચના અહેવાલની યાદીમાં પછાત જ્ઞાતિઓમાં સમાવાયેલી પરંતુ ગુજરાતમાં ઓબીસીમાં નહીં સમાવાયેલી ચૌધરી(આંજણા પટેલ),પ્રજાપતિ-કુંભાર, ઘાંચી સહિતની ગુજરાત અને જૂના સૌરાષ્ટ્ર પ્રદેશની ૨૭ જ્ઞાતિઓનો હરિભાઈ વેલજીભાઈ ચૌધરી અને જી.કે.પ્રજાપતિના વડપણવાળી “ગુજરાત રાજ્ય ૨૭ મંડળ કોમ સંઘર્ષ સમિતિ”ના પ્રયાસોથી, મુખ્યમંત્રી છબિલદાસ મહેતા અને નાયબ મુખ્યમંત્રી સી.ડી.પટેલ તેમજ વિપક્ષના નેતા કેશુભાઈ પટેલના સમર્થનથી, વર્ષ ૧૯૯૪માં રાજ્યની ઓબીસી યાદીમાં સમાવેશ કરાયો હતો.

કેન્દ્ર-રાજ્યમાં એક જ યાદી અનિવાર્ય

જોકે રાજ્યની ઓબીસી યાદીમાંની ૧૪૬ જ્ઞાતિઓમાંથી ૪૨ જ્ઞાતિઓને હજુ કેન્દ્રની ઓબીસી યાદીમાં સમાવાઈ નથી. આ જ્ઞાતિઓને ન્યાયના સમાન સિદ્ધાંતની દૃષ્ટિએ તો અન્યાય જ થયો ગણાય.આમ છતાં રાજ્યમંત્રી ચૌધરીને એ માટે સમય મળ્યો લાગતો નથી, જયારે અનામત દૂર કરાવવા કે અમુક જ્ઞાતિઓ પાસે અનામતનો ત્યાગ કરાવવા માટેની ઝુંબેશમાં સાથ આપવામાં રસ પડ્યો, એ બાબત ઘણાને આશ્ચર્ય પમાડે છે.પ્રશ્ન એ પણ થાય છે કે શું કેન્દ્રના રાજ્યમંત્રી જે ભૂમિકા રજૂ કરી રહ્યા છે તે ભાજપની સત્તાવાર ભૂમિકા છે ? જો એમ જ હોય તો બંને હરિભાઈ ભાજપના નેતા છે અને તેઓ અનામતની નાબૂદીના સમર્થનમાં હોય એ વાત લોકોને ગળે ઊતરતી નથી. કારણ? હજુ ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ જ ગુજરાત સરકારને લખેલા પત્રમાં ગુજરાત રાજ્ય બક્ષીપંચ (ઓબીસી) હિતરક્ષક સમિતિ વતી હરિભાઈ વી.ચૌધરીએ જણાવ્યું છે કે હજુપણ રાજ્યમાં ઓબીસીમાંની જે ૪૨ જ્ઞાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સમાવાઈ નથી તેમને કેન્દ્રની યાદીમાં સમાવવામાં આવે અને કેન્દ્ર સરકારના લાભ અપાય.

રાજ્યમંત્રી બિહારના પરાજયને ભૂલ્યા

રાજ્યમંત્રી હરિભાઈ વિસરી ગયા લાગે છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અનામત પ્રથાની સમીક્ષા કરવાની વાત કરનાર આરએસએસના વડા મોહનજી ભાગવતના એકમાત્ર નિવેદનના પ્રતાપે ભાજપ બિહારમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયો હતો. એ પછી પોતાની ઓબીસી વડાપ્રધાન તરીકેની ઓળખને પસંદ કરનાર નરેન્દ્ર મોદીએ વારંવાર ખાતરી આપવી પડી હતી કે અનામત પ્રથાને કોઈ કાઢી નહીં શકે. આરએસએસની પ્રતિનિધિસભાના ૧૯૮૧ના ઠરાવમાં ભલે અનામત નામની કાખઘોડીને ફગાવી દેવાની ત્વરા દર્શાવાઈ હોય પણ દલિતો અને આદિવાસીઓની અનામતની દૂર કરવાની વાત કરવાની હિંમત કરાઈ નથી. એ વેળા ઓબીસી અનામત હજુ અમલમાં આવી નહોતી. ભાજપ સત્તાથી જોજન દૂર હતો એટલે અનામતના અમલને મતના રાજકારણ સાથે જોડવાની વાતો ખૂબ થતી હતી, પરંતુ વર્તમાન સમયમાં અનામત દૂર કરવાની કે અનામતના રાજકીય કારણોસર અમલને વખોડવાની હિંમત ભાજપમાં નથી.

ભાજપના માળાને તોડવાનો ઉપક્રમ

ગુજરાતમાં પટેલોની અનામતને ફગાવવાની વાતો કરનાર ભાજપની જ મહારાષ્ટ્રની સરકાર પટેલ સમકક્ષ મરાઠાઓને ૧૬ % અનામતનું ગાજર લટકાવે છે. અત્રે એ યાદ રહે કે અગાઉનાં ત્રણ-ત્રણ પછાત વર્ગ આયોગ મરાઠાઓને અનામત આપી ના શકાય એવા અહેવાલ આપી ચૂક્યાં હોવા છતાં વર્તમાન ભાજપ સરકારે ચોથું કમિશન નિયુક્ત કરીને અનુકૂળ અહેવાલની અપેક્ષાએ મરાઠાઓને ૧૬ % અનામતનું વચન આપેલું છે. ગુજરાતમાં તો પટેલો માટે આવી કવાયત કરવાથી સરકાર વેગળી રહી છે, પણ કેન્દ્રના રાજ્યમંત્રી ક્રાંતિકારી નિવેદન કરીને દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને અનામત ત્યાગવાનું કહે છે. સમાજમાં આવા બેજવાબદાર નિવેદનથી નવા ભડાકા થવાની શક્યતા જોઈ શકાય છે. આવા તબક્કે ભાજપની નેતાગીરીએ કમસેકમ રાજ્યમંત્રી ચૌધરી કે આઠવલેને જાહેર નિવેદન કરતાં વારવા ઘટે. અન્યથા નુકસાન ભાજપને થાય એ સ્વાભાવિક છે. અનામત છોડવાની જેમને સ્વેચ્છા હશે તેઓ છોડશે અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારમાં હિંમત હોય તો એ માટે કાયદો કરે. જોકે આવું પગલું લોકપ્રિયતાલક્ષી પગલાં લેવાના યુગમાં આત્મઘાતી સાબિત થાય એ વડાપ્રધાન મોદી અને એમના પક્ષના અધ્યક્ષ શાહ તો સમજતા હશે, પણ એમના રાજ્યમંત્રી એમના માળાને તોડવા બેઠા હોય એવું વધુ લાગે છે.

ઉંઝાની પદયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યુ

હાર્દિક પટેલને સમર્થન આપવા માટે આજે પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી હાર્દિકનાં સમર્થકોએ પગપાળા સદભાવના યાત્રામાં સમર્થકોનું માનવમહેરામણ ઉમટ્યું હોય એટલી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ઉમિયા માઁ અને ખોડલ માઁની આરતી ઉતારીને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગવાયું અને ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ શાંતિદૂત સફેદ કબૂતરોને ઉડાવીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

દલિત સમાજ અને ઓબીસી સમાજના લોકો પણ જોડાયા હતા. સદ્ભાવના યાત્રામાં પાટણના લગભગ ૯૦ ગામોના લોકો જોડાયા હતા. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર અને મહેસાણાથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. પદયાત્રા પાટણમાં ફર્યા બાદ ઊંઝા ઉમિયા મંદિરે જવા રવાના થશે.

લાલપુર, ખાગેશ્રી સહિતનાં 5 ગામો બંધ

મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શુક્રવારે એક દિવસનો બંધ પાળી રામધુન લઇને ઉપવાસ આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલના સમર્થનમા મોટી ખોડીયાર ગામે દુકાનો તેમજ ધંધા રોજગાર બંધ રાખીને તેમજ પાટીદાર મહીલાઓ તેમજ પુરૂષોએ ઉપવાસ રાખી હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપ્યો હતો. તેમજ આખો દિવસ રામધુન લઇને ઉપવાસ રાખેલ હતો. આ પ્રસંગે ગામના પાંચ યુવાનોએ મુંડન પણ કરાવેલું હતું.

જામનગરનું લાલપુર, કુતિયાણા તાલુકાના ખાગેશ્રી સહિતના ગામોના લોકોએ શુક્રવારે રોષભેર બંધ પાડયો હતો અને રામધૂન બોલાવી હાર્દિક પટેલને સમર્થન આપ્યુ હતુ. બંધને પગલે ખાગેશ્રી ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્તો ગોઠવાયો હતો.

લાલપુર, ખાગેશ્રી સહિતનાં 5 ગામો બંધ

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવા સહિતની ૩ માંગણીઓને લઈને છેલ્લા ૩ દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરી રહયા છે. જેના સમર્થનમાં ગુજરાતભરમાં પાટીદાર દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહયા છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી, દેવડા, વિલાસપુર, ઈશ્વરીયા સહિતના ગામોમાં રહેતા પાટીદારો દ્વારા શુક્રવારે હાર્દિકના સમર્થનમાં સ્વયંભુ બંધ પાડવામાં આવ્યો હતો. તેમજ એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પાટીદારો દ્વારા રામધુન પણ બોલાવવામાં આવી હતી.  પાટીદારોને અનામત અને ખેડુતોના દેવા માફીને લઈને પાટીદારો દ્વારા થાળીનાદ કરવામાં આવી રહયો છે. તેમજ રામધુન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ત્યારે કુતિયાણા તાલુકાના પાટીદાર સમાજ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લાલપુર પાસ કન્વીનર દિનેશભાઇ વાછાણી, દિનેશભાઇ ઘરસંડીયા, હેમલભાઇ દેસાઇ, મીલાપભાઇ માકડીયા તથા વિશાળ સંખ્યામાં પાટીદાર ભાઇઓ તથા બહેનો એકઠા થઇ ઉમિયા માતાજી મંદિર લાલપુર ખાતે સવારે ૯ વાગ્યાથી બપોરનાં ૪ વાગ્યા સુધી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટીદાર આંદોલન તથા ખેડૂતોની માંગણીમાં લાલપુરમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં અન્ય જ્ઞાતિનાં વેપારીઓ જેવા કે લોહાણા, રાજપૂત, આહિર સમાજ વિગેરેએ પણ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી પાટીદાર સમાજ અને હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યું હતું.

વાણિયાદ કોકાપુર ગામના યુવાનોએ મુંડન કરાવ્યાં

હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનને લઇ વિવિધ માંગણીઓ મુદ્દે સમગ્ર રાજયનાં પાટીદાર સમાજમાં વિરોધ પેદા થયો છે ત્યારે  મોડાસા તાલુકાના વણીયાદના ૨૧ પાટીદારોએ મુંડન કરાવી સમર્થન કર્યુ હતું જ્યારે  કોકાપુર ગામના પાટીદાર યુવાનોએ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા  હાર્દીક પટેલના સમર્થનમા સામૂહિક મુંડન કરાવ્યા હતાં. ગામના ચોકમા મહીલાઓ, બાળકો અને યુવાનો દ્વારા હાદિઁક પટેલના સ્વાસ્થ્ય માટે  પ્રાથના કરવામાં આવી હતી.

અરવલ્લી પાસ કન્વીનર તેજસ પટેલ,  રાહુલ પટેલે પણ મુંડન ક્રિયામાં ભાગ લઇ સરકારની નીતિઓનો વિરોધ કાર્યો હતો.તેમજ આ ગામની સાઈઠ થી વધુ  મહીલાઓ એ હાર્દિક પટેલના સમર્થનમા પ્રતીક ઉપવાસ પણ કર્યા હતા. આવતીકાલે ગામનું મહીલા મંડળ સંચાલિત ભજનમંડળી નિવાસસ્થાને  પહોંચશે તેમજ  આગામી સમયમાં કેન્ડલ માર્ચ, થાળી વેલણ વગાડવાના કાર્યક્રમો આપી જલદ કાર્યક્રમો  આપવાનો નિર્ણય પાસ નાં કાર્યકર્તાઓ દ્રારા લેવામાં આવ્યો છે.

CM ના કાર્યક્રમનો ઓલ મીડિયા દ્વારા બહિષ્કાર

અમદાવાદઃ હોસ્પિટલમાં સારવાર કરાવીને પરત ફરતાં હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપી વિશ્વકર્મા દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સાથે પોલીસકર્મીઓએ મીડિયાના કેમેરા છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને લઈને સોમવારના રોજ ઓલ મીડિયા દ્વારા CM રૂપાણીના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી સોમવારે ગુજરાત ઔદ્યોગિક હેકેથન 2016 નું ઉદ્ઘાટન અને સમર ચેલેન્જ 2018 ના વિજેતાઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ માટે પુરસ્કાર વિતરણ કાર્યક્રમ માટે અમદાવાદ આવવાના છે. ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એકિઝબિશન સેન્ટર ખાતે સીએમ રૂપાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જેસીપીની દાદાગીરી મીડિયાએ કેમેરામાં કેદ કરી

જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની દાદાગીરીને તાબે થયા વગર મીડિયાકર્મીઓએ ગ્રીનવુડ રિસોર્ટમાં જવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા પરંતુ પોલીસ એકની બે થવા તૈયાર ન હતી. ત્યારે પોલીસે કરેલા દુર્વ્યવહારને મીડિયાના કેમેરામેન્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.

સીપીએ આપ્યા તપાસના આદેશ

હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપીએ જેસીપી ઝોન 1ને તપાસ કરવાનો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે આપ્યો છે. મીડિયા સાથે થયેલા દુર્વ્યવહાર બાદ પણ ગ્રીનવુડ રિસોર્ટમાં મીડિયાકર્મીઓને જવા દેવામાં આવ્યા ન હતા.

અમદાવાદના હિરાવાડી રેલી, પોલીસ અને પબ્લિક આમને સામને

મોડી સાંજે અમદાવાદના હિરાવાડી વિસ્તારમાં લોકોએ થાળી અને વેલણ લઈને રેલી કાઢતા પોલીસ અને પબ્લિક આમને સામને આવી ગઈ હતી. લોકોએ સરકાર વિરિદ્ધ સુત્રોચાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી જતા ટ્રાફીકજામ સર્જાયો હતો.

ઉપલેટાના ખેડૂત CM રૂપાણીના નિવાસસ્થાને કરશે આત્મવિલોપન

હાર્દિકના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમાં ઉપલેટાના અમૃતભાઈ ગજેરા 10 સપ્ટેમ્બરે બપોરના 4:30 કલાકે CM વિજય રૂપાણીના નિવાસ સ્થાને આત્મવિલોપનની કરશે. તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  છેલ્લા 3 વર્ષથી ગુજરાતની અંદર અનામતનું આદોલન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેમની રોજબરોજ તબીયત લથડી રહી છે. છતા પણ ઘોર નિદ્રામાં સુતેલી ગુજરાત સરકાર નથી તો માગણી સ્વીકારતી, કે નથી દેવા માફ કરતી. મને કોઇ આત્મવિલોપન કરવાનો શોખ નથી પણ ગુજરાતના ખેડૂતો કરજાના ડુંગર નીચે દબાય ગયા છે, હતાસ થઇ ગયા છે. વારંવાર અનામતનું આદોલન ચાલે છે. પણ ગુજરાત સરકાર દરેક વખતે લોલીપોપ આપી આ પ્રશ્નોનો સંકેલો કરી લે છે. તો આ અનામત આદોલન અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટેના સમર્થનમાં હું આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતે આવેલા નિવાસ સ્થાને બપોરના 4:30 કલાકે આત્મવિલોપન કરીશ.