તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલને શુક્રવારના રોજ સુરેન્દ્રનગરમાં એક વ્યક્તિએ તમાચો ચોળી દીધો હતો, ત્યાર બાદ અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ પર થયેલા હુમલા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી.
જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સતત ધમકીઓ મળવા છતા હાર્દિક પટેલની સુરક્ષા વધારવામાં ન આવી, પરંતુ લઇ લેવામાં આવી. આ જ કારણ છે આજે આ હુમલો થયો. મારા પર પણ કેટલીયવાર હુમલો થયો અને મોતની ધમકીઓ મળી. ન તો ગુજરાત રાજ્ય સરકારે મારી સુરક્ષા વધારી ન તો ગુજરાત બહાર મને સુરક્ષા પ્રદાન કરવામાં આવી.
જિગ્નેશે બીજી ટ્વીટમાં લખ્યું હતું કે, હાર્દિક પટેલ પર થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ અને તમામ રાજનૈતિક દળો પણ આ કહેવા માગે છે, જ્યારે અમુક પાટીદાર યુવકોએ ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ પર હુમલો કર્યો હતો, ત્યારે પણ અમે તેની નિંદા કરી હતી. આ કલ્ચર નિંદનીય છે. લાફો મારવાથી, જૂતું મારવાથી, કોલર પકડવાથી શું હાંસલ થશે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ ઘટનાને વખોડી કાઢી છે અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી વિપક્ષ પર હુમલાઓ થઇ રહ્યાં છે. ક્યારેક ITના દરોડા પાડવામાં આવે છે, હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી નથી અપાતી, અને ભાજપ દ્વારા ભયનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. ભાજપ નિરાશ થઈને આવા કૃત્યો કરી રહ્યું છે. હાર્દિકનો પ્રભાવ વધી રહ્યો છે એટલા માટે આ ષડયંત્ર રચાઇ રહ્યાં છે.