હિંદુઓ દ્વારા, હિંદુઓની, હિંદુઓ માટેની સરકાર! VHP પછી AHP

– પ્રસન્ન શાસ્ત્રી

ભારત હિંદુઓની બહુમતીવાળો પરંતુ હિંદુ ઓળખ વગરનો દેશ છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારતમાં હિંદુઓ પોતાની સામુહિક હિંદુ ઓળખના આધારે કોઈપણ નક્કર કામ કરી શક્યા નથી. આમા અપવાદરૂપ સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ જેવા કેટલાક કાર્યો ચોક્કસપણે સામેલ છે. જો કે સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી રાષ્ટ્રવાદના શક્તિપુંજ નેતા દ્વારા બેહદ કુનેહ અને સ્વાભિમાનપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. મહાત્માગીરી ઓઢનારા ગાંધીજીએ સરકારી રૂપિયાનો સોમનાથ મંદિરના નિર્માણમાં ખર્ચ નહીં કરવાની સરદાર પટેલને તાકીદ કરી હતી. તો તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ મંદિરના નિર્માણ બાદ ત્યાં નહીં જવા માટેની સલાહ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ આપી હતી.
સોમનાથ મંદિરનો ધ્વંસ મહેમૂદ ગઝનવીથી માંડીને ઔરંગઝેબના શાસનકાળ સુધી થતો રહ્યો હતો. સોમનાથ મંદિરના દરેક વિધ્વંસ બાદ ફરીથી તેનું નિર્માણ પણ થયું હતું. અખંડ ભારતના વિભાજન બાદની આઝાદી સમયે સોમનાથ મંદિરનું નિર્માણ ભારતના રાષ્ટ્રત્વની પુનપ્રાણપ્રતિષ્ઠાનું ભગીરથ કાર્ય હતું. ભગવાન રામના પૂર્વજ રાજા ભગીરથે જનકલ્યાણ માટે ગંગામૈયાનું ધરતી પર ઉતરાણ કરાવ્યું હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલે પણ ભગીરથ બનીને રાષ્ટ્રવાદની ગંગાનું સોમનાથ મંદિરના નિર્માણ સાથે ઉતરાણ કરાવ્યું હતું. ભારતના રાષ્ટ્રત્વને કચડી નાખવા માંગતા લોકોએ સોમનાથ મંદિરનો વારંવાર વિધ્વંસ કર્યો તેમને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહ પ્રધાન તરફથી સ્પષ્ટ સંદેશો હતો કે ભારતનું રાષ્ટ્રત્વ હિંદુત્વથી અલગ નથી અને તેનો વિનાશ કરવાની આવા તત્વોની ઓકાત નથી.
પરંતુ સરદાર પટેલના સ્વર્ગવાસ બાદ દેશને સતત રાષ્ટ્રવાદી નેતૃત્વની ખોટ ઉભી થઈ છે. ભારતના લોકોએ રાષ્ટ્રવાદી લાગતા ઘણાં નેતાઓને અજમાવી જોયા છે. પરંતુ હિંદુઓને હંમેશા આમા નિરાશા સાંપડી છે. ભારતમાંથી અંગ્રેજો ગયા અને આઝાદી મળી તેવી કલ્પના કરવામાં આવે છે. પરંતુ અંગ્રેજોના જવા માત્રથી ભારતને આઝાદી મળી ગઈ હોવાની બાબત તેના સિત્તેર વર્ષ બાદ પણ શંકાસ્પદ છે. ભારત હજી ગુલામ છે. ભારતને સેક્યુલારિઝમના ઈન્જેક્શનો આપીને ગુલામીમાંથી જાગવા દેવામાં આવ્યું નથી.
ભારતનું સેક્યુલારિઝમ એટલે હિંદુઓનો વિરોધ, હિંદુ પરંપરાઓ અને માન્યતાઓનો દ્રોહ અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમ વોટબેંક માટે તુષ્ટિકરણની પાંચમા કતારિયાઓની આળપંપાણ કરવાની તથા તેમની દેશવિરોધી હરકતોની સામે આંખ આડા કાન કરવાની રાજકીય રીતભાત. આવી ભારતની ઓળખને ભૂંસી નાખવા મથતી કથિત સેક્યુલારિઝમની રીતભાત માત્ર એક નેતા અથવા એક રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક પંથ-સંપ્રદાય કે સંગઠન પુરતી મર્યાદીત નથી. લગભગ દરેક નેતા અને પક્ષ-સંગઠને સેક્યુલારિઝમની ગુલામ માનસિકતા સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે. આમા કોઈ હિંદુ ગણાતો અને પોતાને હિંદુ ગણાવતો નેતા પણ જવલ્લે જ બાકાત રહેવા પામ્યો છે. જો કે આવા સેક્યુલારિઝમના ઈન્જેક્શનોની મુસ્લિમો, મુસ્લિમોના નેતાઓ અને મુસ્લિમ સંગઠનો પર બિલકુલ અસર દેખાતી નથી. ભારતનો મુસ્લિમ દેશનો રાષ્ટ્રપતિ બને, ઉપરાષ્ટ્રપતિ બને, સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ બને અથવા આઈએએસ-આઈપીએસથી માંડીને કોઈ ઓફિસમાં પટાવાળાનું કામ કરતો હોય, તો તે મુસ્લિમ જ રહે છે. સમ ખાવા પુરતું સેક્યુલર દેખાવા માટે પણ આવો મુસ્લિમ પોતાનું મુસ્લિમપણું છોડતો નથી. પરંતુ હિંદુત્વના હોકારા-પડકારા કરનારો હિંદુ નેતા અને સંગઠન સત્તાના શિખર સુધી પહોંચતાની સાથે જ પોતે મુસ્લિમો માટે કટુતા ધરાવતા નથી તેવું દેખાડવા માટે સેક્યુલારિઝ્મના ઈન્જેક્શનોની અસર હેઠળ સતત એક યા બીજા આંચળા નીચે મુસ્લિમ તુષ્ટિકરણની રીતભાતની પરંપરામાં અટવાઈ જાય છે. આમા વોટબેંકનું પણ મહત્વનું પરિબળ સામેલ હોય જ છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વવાદી ગણાતા ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે દેશના લોકોએ અબ કી બાર મોદી સરકારના સૂત્રને બેહદ મોટો પ્રતિસાદ આપ્યો હતો. 2014માં ત્રીસ વર્ષમાં પહેલીવાર ગઠબંધનની સરકારોનો તબક્કો દૂર થયો. હતો અને ભારતમાં લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર મોદી સરકાર તરીકે સત્તામાં આવી હતી. ભારતને દોઢસો વર્ષ સુધી ગુલામ રાખનારા ઈંગ્લેન્ડના અગ્રણી અખબારના તંત્રીલેખમાં ભારતમાં 2014 બાદ ખરેખર આઝાદી આવી હોવાના અર્થને દર્શાવતો તંત્રીલેખ પણ પ્રકાશિત થયો હતો. પરંતુ મોદી સરકારના સાડા ચાર વર્ષ જેટલા કાર્યકાળમાં બનેલી કેટલીક પ્રતીકાત્મક બાબતોને છોડતા કુલ મળીને સેક્યુલારિઝમના ઈન્જેક્શનોની અસર તળે લગભગ કોંગ્રેસની જેમ બિનસાંપ્રદાયિકતાના દેખાડામાં મોદી
સરકાર હિંદુ આકાંક્ષાઓને પરિણિતિ તરફ પહોંચાડવામાં નિષ્ફળ દેખાઈ રહી છે.

2019માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે દેશનો હિંદુ જોઈ રહ્યો છે કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ મજબૂત હોવાનો દાવો કરતી મોદી સરકાર બનાવી શકી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એ દૂર થઈ શકી નથી અને કોમન સિવિલ કોડ પણ લાગુ કરી શકી નથી. ગૌરક્ષા ભારતમાં સદીઓથી થતી આવી છે અને ઘણાં જનનાયકોના પાળિયા આખા ભારતમાં આની શાખ પુરે છે. પરંતુ દેશના ઘણાં રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદા અમલી હોવા છતાં સરકારો દ્વારા ગૌરક્ષાનું કામ થયું નથી. તેને કારણે ગૌરક્ષા કરનારા સંગઠનો અને લોકોએ આવું કામ હજીપણ હાથમાં લેવું પડયું છે. આમા કેટલાક સ્થાનો પર ગૌરક્ષા વખતે કોઈકના મોતની ઘટનાઓ પણ બની છે. પરંતુ ગૌભક્ત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌરક્ષકોને ખુલ્લેઆમ ગુંડા કહેવા સુધીની હદે જાય છે. આવા ગૌરક્ષકોની દેશભરમાં યાદીઓ બનવા લાગે છે. પણ ગૌહત્યારાઓની ટોળકીની કોઈ યાદી બનતી નથી અને એકપણ ગૌહત્યારાને કોઈ મોટી સજા પણ થઈ શકતી નથી.ચીન-પાકિસ્તાનના દુશ્મની ભરેલા વલણો યથાવત છે. આતંકવાદ જમ્મુ-કાશ્મીરમાં માથું ઉંચકી ચુક્યો છે. સેનાના જવાનો પર પથ્થરમારા, હુમલા અને એફઆઈઆર પણ થવા લાગી છે. આવા સંજોગોમાં હવે 2019માં લોકો ઈચ્છી રહ્યા છે કે અબ કી બાર હિંદુ સરકાર. હિંદુ સરકાર એટલે હિંદુઓ દ્વારા, હિંદુઓ માટે અને હિંદુઓની રાષ્ટ્રીય ઓળખને સ્થાપિત કરતી સરકાર. હિંદુ સરકાર એટલે ભારતને ખરા અર્થમાં આઝાદી અપાવે તેવી સરકાર. ભારતની આઝાદીના સિત્તેર વર્ષે ભારતમાં હિંદુઓને હિંદુઓની આકાંક્ષા મુજબ વર્તવાની અને જીવવાની આઝાદી મળશે, ત્યારે ભારત ખરેખર આઝાદ થશે.

આવી આઝાદીની પ્રતીતી માટે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભારતની આસ્થાના એક કેન્દ્રબિંદુ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવું જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક, વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા 1984થી રામજન્મભૂમિમાં રામમંદિર માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનનો પ્રતાપ છે કે ગાંધીયન સોશયાલિઝ્મના માર્ગે માત્ર બે બેઠકો મેળવનારા ભાજપને રામલહેર પર આરુઢ થઈને કુલ ચાર વખત કેન્દ્રમાં સરકારો બનાવવાનો મોકો મળ્યો છે. અયોધ્યામાં કારસેવા વખતે યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવની સરકાર દ્વારા કરવામાં આવેલા બેફામ ગોળીબારમાં ઘણાં કારસેવકો વીરગતિ પામ્યા હતા. રામ કોઠારી અને શરદ કોઠારીના અભૂતપૂર્વ બલિદાનો હજીપણ રામમંદિર નિર્માણ માટે કાર્યરત રામભક્તોના દિલોદિમાગમાં અમીટ છે. છ ડિસેમ્બર, 1992ની કારસેવામાં કારસેવકોની ધીરજ ગુલામીના પ્રતીક બની ચુકેલા બાબરી માળખાને જોઈને ખુટી ગઈ હતી. રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણની ઈચ્છા સાથે કારસેવકોએ નવ-નવ ફૂટની દિવાલો ધરાવતા બાબરી માળખાને ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત કર્યું હતું. બાબરી માળખાની એક ઈંટ પણ રહેવા દેવામાં આવી નહીં. રામલલાને તેમની જન્મભૂમિ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા. જો કે મંદિર નિર્માણ નહીં થઈ શકવાને કારણે રામલલા હજીપણ તાડપત્રીમાં જ પોતાની જન્મભૂમિ પર આસિન છે. 27 ફેબ્રુઆરી, 2002નો દિવસ પણ રામભક્તો ભૂલ્યા નથી. સાબરમતી એક્સપ્રેસમાં 59 કારસેવકો રામમંદિર નિર્માણના આંદોલનને આગળ વધારતા પોતાના પ્રાણો ન્યોછાવર કરી ચુક્યા છે. રામજન્મભૂમિ માટે બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા બાબરી માળખું બનાવાયું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક લોકોએ બલિદાનો આપ્યા છે. રામજન્મભૂમિને ભવ્યતા બક્ષવી હકીકતમાં ભારતના સ્વાભિમાનની પુનર્સ્થાપના છે.

ગઠબંધનની કાંખઘોડી અને ઉદારવાદી ચહેરો ધરાવતી ભૂતકાળની ભાજપ સરકારો પાસે રાજકીય મજબૂરીનું બહાનું હતું. તેમ ભૂતકાળની તમામ સરકારોએ રામજન્મભૂમિના મામલાને ઉકેલવા માટે પોતપોતાની પરિસ્થિતિ મુજબના વત્તાઓછા પ્રયત્નો કર્યા છે. પરંતુ હાલની ભાજપની સરકાર પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે. તેઓ સંસદમાં રામમંદિર નિર્માણ આડેની અડચણો દૂર કરવા માટે કાયદો બનાવવા માટે બિલ લાવી શકે છે અથવા તો આના સંદર્ભેનો અધ્યાદેશ લાવી શકે છે. પરંતુ સાડા ચાર વર્ષના કાર્યકાળમાં મોદી સરકારને નોટબંધીનો તૈયારી વગરનો અને હવે પરિણામવિહીન સાબિત થયેલો નિર્ણય કરવામાં કોઈની સંમતિની જરૂર પડી નહીં. જીએસટી લાગુ કરવા માટે સંસદને અડધી રાત્રે બોલાવવામાં આવી, ટ્રિપલ તલાકના મામલે મુસ્લિમ મહિલાઓની ચિંતા કરતા વટહુકમ લાવવામાં આવ્યો, ખેડૂતોના આંસુઓને અવગણીને જમીન સંપાદન મામલે જીદ્દ સ્વરૂપે વટહુકમો લાવવામાં આવ્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એસસી-એસટી સંશોધન બિલ સંસદમાં મંજૂર કરાવવામાં આવ્યું હતું. પરંતુ રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માગણી પર કાર્યવાહી કરવાની દરકાર મોદી સરકારે સમ ખાવા પુરતી પણ રાખી નથી. વિજયાદશમીના સંબોધનમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ રામમંદિર કાયદો બનાવીને બનાવવાની વાત કરી છે. કદાચ સંઘ પ્રમુખ મોહન ભાગવતને જાહેરમાં એટલા માટે રામમંદિર પર કાયદો બનાવવા માટે કહેવું પડયું છે, કારણ કે લોકો પુછી રહ્યા છે કે આટલી મજબૂત સરકાર હોવા છતાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શા માટે હજી સુધી થઈ શક્યું નથી? બની શકે કે આંતરીક વાતચીતમાં મોદી સરકાર આરએસએસની વાત માનતી ના હોય અને તેને કારણે આની લોકોને જાણકારી આપવા માટે સરસંઘચાલક મોહન ભાગવતે રામમંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની સૂચક ટીપ્પણી મોદી સરકારના કાર્યકાળના પૂર્ણ થવાના લગભગ છ માસ પહેલા કરી હોય, કારણ કે રામભક્તો તો સવાલ આરએસએસને પણ કરી રહ્યા છે.
પાકિસ્તાનના મુદ્દે પણ મોદી સરકાર કોઈ ખાસ સફળ દેખાઈ રહી નથી. પાકિસ્તાન સરહદે બેફામ હરકતો કરી રહ્યું છે. મનમોહનસિંહની સરકારની જેમ મોદી સરકારના કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક થવા છતાં ભારતીય સૈનિકના મૃતદેહ સાથે અમાનવીય હરકતના ભાગરૂપે માથું કાપવું, આંખ કાઢી નાખવી જેવી ઘટના બની છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાની આતંકવાદીઓનો આતંકનો ખેલ જમ્મુ-કાશ્મીરમાં યથાવત છે. ભારતીય સુરક્ષાદળોના જવાનો પોતાના જીવનું બલિદાન આપીને પણ આવા આતંકવાદીઓનો ખાત્મો પણ કરી રહ્યા છે. આમા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતી પીડીપીના મુફ્તિ મોહમ્મદ સઈદ અને મહબૂબા મુફ્તિ સાથે ભાજપનું રાજકીય ઈલુઈલુ બેહદ મોંઘું સાબિત થયું છે. મુફ્તિ મોહમ્મદ સઈદની ભાજપ સાથેની સરકારના કાર્યકાળમાં મસર્રત આલમની જેલમુક્તિની ઘટનાએ જમ્મુ-કાશ્મીરમાં લગભગ કાબુમાં આવી ચુકેલી પરિસ્થિતિને વણસાવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પીડીપી દ્વારા પાકિસ્તાન સાથે વાટાઘાટોની શરત કોમન મિનિમમ પ્રોગ્રામમાં હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફના જન્મદિવસની કેક ખાવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કાબુલથી લાહોર પહોંચી ગયા હતા. તો મુફ્તિ મોહમ્મદ સઈદના પુત્રી મહબૂબા મુફ્તિ સાથેની ભાજપની ગઠબંધન સરકારમાં પણ પથ્થરબાજો સામેના સેંકડો કેસો પાછા ખેંચી લેવા અને પથ્થરબાજોને ભટકેલા બાળકો ગણાવવાની હરકતો ભારતના સુરક્ષાદળોનું મનોબળ તોડનારી હતી. કડક કાર્યવાહી કરનારા ભારતીય સેનાના અધિકારીઓ સામે અફસ્પા લાગુ હોવા છતાં મહબૂબા મુફ્તિની ભાજપ સાથેની ગઠબંધન સરકારમાં એફઆઈઆર દાખલ થવી બેહદ શર્મનાક ઘટના હતી.

હદ તો ત્યારે વટાવી દેવામાં આવી કે જ્યારે રમઝાન માસમાં મોદી સરકારે મહબૂબા મુફ્તિને ખુશ રાખવા માટે આતંકીઓ સામેની કાર્યવાહી પર એકતરફી રોક લગાવી દીધી હતી. ભારતના સંરક્ષણ નિષ્ણાતો કહેતા હતા કે આવી એકતરફી રોકથી ઓપરેશન ઓલઆઉટની સફળતા ધોવાઈ જશે અને આતંકવાદીઓ ફરીથી ઘાતક સાબિત થશે. રમઝાન ઈદના 48 કલાક પહેલા આતંકી હુમલા અને કાશ્મીરના એક પત્રકારની કરપીણ હત્યા આની સાબિતી હતા. આખરે રમઝાનનો કાર્યવાહી પર રોકનો નિર્ણય મોદી સરકારે પાછો ખેંચવો પડયો હતો. દેશભરમાં આતંકીઓ સાથે પ્રથમ પ્રેમ ધરાવનારી મહબૂબા મુફ્તિની સરકારને ભાજપનાટ ટેકા પર થૂથૂ થવા લાગ્યું હતું. જેના પરિણામે આખરે ભાજપને પીડીપી સાથેનું ગઠબંધન તોડવું પડયું હતું. જો કે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલશાસન છતાં વણસેલી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સુરક્ષાદળોના જીવન બલિદાન કરવાનો સિલસિલો યથાવત છે.

પિન્ક રિવોલ્યૂશનના નામે પશુહત્યા ખાસ કરીને ગૌહત્યા બંધ કરાવવા માટે સત્તામાં આવતા પહેલા વાયદો કરનારી મોદી સરકાર ખુરશી મળ્યા બાદ કરોડો શૌચાલયો બનાવી રહી છે. પરંતુ પિન્ક રિવોલ્યૂશનને રોકવામાં ધારી સફળ થઈ નથી. આવી મોદી સરકાર ગૌરક્ષકોને ગુંડા કહી રહી છે. ગૌહત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અથવા તો છૂટી જાય છે. શૌચાલય નિર્માણથી રાષ્ટ્રનિર્માણમાં વિશ્વાસ ધરાવતી મોદી સરકાર પણ મુસ્લિમ તુષ્ટિકરણનો ખતરનાક વાઈરસ ધરાવે છે. ઈન્દૌર ખાતે અશરા મુબારકના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. વ્હોરા સમુદાયના પ્રવચન કાર્યક્રમમાં ભારતના કોઈ વડાપ્રધાન સામેલ થયા હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. ઈન્દૌરની સૈફી મસ્જિદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે વ્હોરા સમાજ સાથે તેમનો સંબંધ ઘણો જૂનો છે. તેઓ આ પરિવારના સદસ્ય છે. તેમના દરવાજા હંમેશા તેમના માટે ખુલ્લા રહેશે. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં વ્હોરા સમુદાય તેમની સાથે રહ્યો હોવાનું જણાવીને તેમના ધર્મગુરુને મળવા માટે તેઓ સૂરત એરપોર્ટ પર ગયા હોવાનું પણ યાદ કર્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં મોદીએ એક વખત પોતાના જન્મદિવસની ઉજવણી વ્હોરા સમુદાયના ધર્મગુરુની હાજરીમાં કરી હતી.

2011માં સદભાવના મિશન હેઠળ પ્રતીક અનશનના કાર્યક્રમમાં એક મુસ્લિમ ધર્મગુરુ દ્વારા નમાજ ટોપી પહેરવાનો ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે દેશભરના હિંદુઓને લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી મુસ્લિમ તુષ્ટિકરણમાં માનનારા નેતા નથી. દેશભરના હિંદુઓએ આઝાદીના સિત્તેર વર્ષ દરમિયાન મુસ્લિમ વોટબેંક ખાત લાળ ટપકાવનારા નેતાઓને જ તેમની સામે જોયા હતા. જો કે વડાપ્રધાન બન્યાના ચાર વર્ષમાં નરેન્દ્ર મોદી રમઝાન માસમાં મુસ્લિમ દેશોની મુલાકાત તથા છ વખત મસ્જિદ-મજારમાં જઈ ચુક્યા છે. આને એક પ્રકારે આંતરરાષ્ટ્રીય મુસ્લિમ તુષ્ટિકરણ તરીકે પણ જોવાઈ રહ્યું છે. મોદી સિંગાપુર મુલાકાત વખતે 192 વર્ષ જૂની ચિલુયા મસ્જિદમાં સિંગાપુરના સાંસ્કૃતિક પ્રધાન ગ્રેસ યીન સાથે ગયા હતા. દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી ગણાતી ઈન્ડોનેશિયાની ઈસ્તકલાલ મસ્જિદ, ઓમાનના મસ્કટમાં આવેલી સુલ્તાન કબૂજ ગ્રાન્ડ મોસ્ક, અબુધાબીમાં શેખ જૈયદ ગ્રાન્ડ મોસ્ક, જાપાનના વડાપ્રધાન શિંજો આબેની અમદાવાદ મુલાકાત વખતે 16મી સદીમાં બનેલી સિદી સૈયદની જાળી મસ્જિદ ગયા હતા. મ્યાંમાર મુલાકાત વખતે આખરી મુઘલ બાદશાહ બહાદૂરશાહ જફરની મજાર પર વડાપ્રધાન મોદીએ ચાદર પણ ચઢાવી હતી. વડાપ્રધાન મોદી અજમેરનની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર પણ પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં દર વર્ષે ચાદર મોકલતા રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી પોતાના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના લગભગ બાર વર્ષના કાર્યકાળ અને પીએમ તરીકેના ચાર વર્ષના કાર્યકાળમાં એકપણ વાર અયોધ્યામાં તાડપત્રી હેઠળ 1992થી બિરાજમાન રામલલાના દર્શન કરવા માટે ગયા નથી. વડાપ્રધાન મોદી અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જાત, તો બની શકે કે તેમને તાડપત્રીમાં બેઠેલા મર્યાદાપુરુષોત્તમને જોઈને સંસદમાં ભવ્ય મંદિર નિર્માણ માટે કાયદો બનાવવાનો ખરડો લાવવાની કે અધ્યાદેશ લાવવાની પ્રેરણા મળત.
મુસ્લિમોના એક હાથમાં કમ્પ્યુટર અને બીજા હાથમાં કુરાન જોવાની કલ્પના રાખનારા વડાપ્રધાન મોદીએ ભાજપના યોગી આદિત્યનાથની સરકારવાળા ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વંદેમાતરમ અને જન ગણ મન તથા ભારતમાતા કી જય બોલવાનો વિરોધ કરનારા મદરસાઓની વાત તો જરૂરથી સાંભળી હશે. આવી વાતો તેમના કાન સુધી આવી ના હોય, તો દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આતંકી અફઝલ ગુરુને શહીદ ગણાવતી અને ભારતના ટુકડા કરવાની વાતો કરનારી ગેંગ વિશે તો જરૂરથી જાણતી હશે. પરંતુ આ મામલામાં આરોપી કન્હૈયા કુમાર કે ઉમર ખાલિદ જેવા લોકોને સરકાર હજી સુધી સજા અપાવી શકી નથી. તેના સ્થાને અફઝલ ગુરુને શહીદ ગણાવતી પીડીપી સાથે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ગઠબંધન કરીને લાંબો સમય સત્તાસુખ ભોગવ્યું છે.

દેશમાં સામાજિક ન્યાય અને અધિકારીતા માટેનું મંત્રાલય છે, આદિજાતિ કલ્યાણ મંત્રાલય છે. ત્યારે લઘુમતી કલ્યાણ મંત્રાલયની શું જરૂર છે અને તેને સમાપ્ત કરીને ગરીબ કલ્યાણ મંત્રાલય ચાલુ કરવાનું મોદી સરકારને તેના કાર્યકાળના સાડા ચાર વર્ષમાં સુઝયું નથી. ત્યારે સવાલ એ છે કે શું ગરીબ લઘુમતી-મુસ્લિમોમાં જ હોય છે અને હિંદુઓમાં ગરીબો છે જ નહીં?
મોદી સરકાર પણ લઘુમતી સશક્તિકરણના નામે લઘુમતી તુષ્ટિકરણના માર્ગે જ છે. લઘુમતી સમુદાયની પ્રગતિ અને સશક્તિકરણ માટેની યોજના નઈ મંજિલ હેઠળ રોજગારલક્ષી કૌશલ વિકાસ માટે 650 કરોડ રૂપિયાના ફંડને મંજૂર કરાયું હતું અને તેનો લાભ લઘુમતી સમુદાયના એક લાખ યુવાન-યુવતીઓને મળ્યો છે. સ્કિલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા હેઠળ લઘુમતી યુવાવર્ગનાકૌશલ વિકાસ માટે શીખો અને કમાવોની અવધારણાને પ્રાથમિક. આપતા મોદી સસરકારે 2013-14માં 17 કરોડથી વધુના ફંડને 2015-16માં અગિયાર ગણું વધાર્યું હતું. 2015-16માં 210 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરીને લઘુમતી સમુદાયના 1.25 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી હતી. લઘુમતી સમુદાયની મહિલાઓની નેતૃત્વ ક્ષમતાને વિકસિત કરવાના ઉદેશ્યથી નઈ રોશની યોજના લાગુ કરવામાં આવી હતી. નઈ રોશની યોજનામાં 2014-15 અને 2015-16માં લઘુમતી કલ્યાણ મામલાના મંત્રાલયે 28.98 કરોડ રૂપયાનો ખર્ચ કરીને 24 રાજ્યોની 1.30 લાખથી વધુ મહિલાઓને તાલીમબદ્ધ કરી હતી. અપ્રગ્રેડિંગ ધ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ટ્રેનિશનલ આર્ટ્સ-ક્રાફ્ટ્સ ફોર ડેવલોપમેન્ટ એટલે કે ઉસ્તાદ યોજના હેઠળ હસ્તશિલ્પીઓ અને પરંપરાગત કારીગરોની હિતરક્ષા માટે અને તેમની સમસ્યા દૂર કરવા માટેની યોજના શરૂ કરાઈ હતી.
રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણાં નિગમ દ્વારા લઘુમતીઓને તેમના રોજગારની શરૂઆત કરાવવાના ઉદેશ્યથી ખૂબ જ ઓછા દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યુપીએ સરકારે 2012-13માં એનએફડીસીને આપવામાં આવતી ઈક્વિટીને બાધિત રાખી હતી… કારણ કે તેમના અધિકૃત શેરોમાં વૃદ્ધિ થઈ ન હતી. પરંતુ મોદી સરકારે એનએમડીએફસીની અધિકૃત શેર મૂડીને એક જ વારમાં પંદરસો રૂપિયાથી વધારીને ત્રણ હજાર કરી દીધી હતી. આ સિવાય કેન્દ્ર સરકારના 17 વિભાગોના વાર્ષિક બજેટનો પંદર ટકા હિસ્સો લઘુમતીઓ પર ખર્ચ થવા સંબંધિત યોજનાઓ પર પણ કામગીરી થઈ રહી છે. હાલની સરકારની મુસ્લિમો પ્રત્યે તુષ્ટિકરણની નીતિ પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને ગગડતા રૂપિયાની જેમ નવા વિક્રમો સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે.

મુસ્લિમ સશક્તિકરણના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રીતિ-નીતિને કારણે દેશનો હિંદુ પોતાને છેતરાયેલો મહેસૂસ કરી રહ્યો છે. હિંદુને લાગે છે કે ભારતને વિશ્વગુરુ સ્થાને સ્થાપિત કરવાના અશ્વમેઘ યજ્ઞનો ધોડો ટટ્ટુ સાબિત થઈ રહ્યો છે. હિંદુભાવનાઓને હકીકત બનાવવા માટેના એજન્ડાથી કોઈ અલગ જ એજન્ડા પર રાજકારણ આગળ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. એક તરફ પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પોતાના ઓનલાઈન મેગેઝીનમાં રામમંદિર નિર્માણ મામલે ભારતના લોકોને પડકાર ફેંકી રહ્યું છે. ત્યારે રામમંદિર નિર્માણ માટે રાજકીય ઈચ્છાશક્તિની સરકારમાં ગેરહાજરી આવા આતંકીઓના મનોબળ વધારનારી બાબત સાબિત થશે. પાકિસ્તાન અને પાકિસ્તાનના આતંકવાદીઓને રામમંદિર નિર્માણ માટે કાયદો અથવા તો અધ્યાદેશ ભારતના લોકોની લાગણીના પ્રતિબિંબ સ્વરૂપે એક મોટો સંદેશો હશે.
હિંદુઓમાં પોલિટિકલ મેચ્યુરિટી લાવવાની જવાબદારી પણ હિંદુ સંગઠનોની છે. હાલની પરિસ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ અને રાજકીય નેતા પોતાને હિંદુ દેખાડવાની વત્તાઓછા પ્રમાણમાં કોશિશ કરી રહ્યો છે. સોમનાથ મંદિર નિર્માણ મામલે સાથ નહીં આપનારા રાજનેતાના વંશજ પોતાને શિવભક્ત ગણાવીને સોમનાથ મંદિરમાં પૂજા કરતા અને કૈલાસની યાત્રા કરતા દેખાય છે. કારસેવકો પર ગોળી ચાલનારાના પુત્ર વિષ્ણુ મંદિર બનાવવાની વાતો કરી રહ્યા છે. મહોરમના તાજિયા માટે દુર્ગા વિસર્જન રોકનારા મુખ્યપ્રધાન હવે દુર્ગા પૂજા પંડાલોને રકમની ફાળવણી કરી રહ્યા છે. પરંતુ રાજકીય નેતાગીરીથી મોહભંગની સ્થિતિમાં મૂકાયેલા હિંદુઓએ આવા રાજકીય હથકંડાઓને બિલકુલ સરન્ડર થયા વગર એક નવો વિકલ્પ ઉભો કરવો પડશે. રામમંદિર નહીં, તો વોટ નહીંનો સંકલ્પ લેવો પડશે. વોટ રામમંદિર નિર્માણ કરનારને મળશે તેવો રણટંકાર પણ કરવો પડશે. આ રાજકીય લડાઈ હિંદુઓની ઓળખ અને નકલી હિંદુઓ વચ્ચેની છે. એટલે સંકલ્પ લેવો પડશે અબ કી બાર હિંદુઓ દ્વારા, હિંદુઓ માટે અને હિંદુઓની એવી હિંદુ સરકાર લાવીશું.