ભારતમાં હંમેશા કોઈક માંગણીને લઈને ભારત બંધ કે જે તે રાજ્ય બંધનાં એલાન આપવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોમાં વેપાર ધંધા ઉપરાંત બાળકોનાં અભ્યાસ તેમ જ સરકારી માલ મિલકતને પણ નુકસાન થતું હોય છે. આવા સંજોગોમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં બંધનાં વિરોધમાં ઠેર ઠેર હવે બંધનાં સૂત્રો દિવાલો પર ચિતરેલાં જોવા મળી રહ્યાં છે. આવા સૂ્ત્રો સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તેમ જ પ્રાંતિજ વિસ્તારમાં સરકારી કચેરી અને સરકારી આવાસોની દિવાલો પણ ચિતરેલાં જોવા મળતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે તપાસનો આરંભ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતીજ વિસ્તારમાં સરકારી કચેરી અને સરકારી આવાસની દીવાલો ઉપર હવે બંધના સ્લોગન બે મહિના અગાઉ રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા લખવામાં આવ્યા હતા. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરતાં જનમત સરકારના અભિયાન હેઠળ હવે બંધના સૂત્રો લખાયા હોવાનું ખૂલતાં મનીષ બ્રહ્મભટ્ટની એ ડીવીઝન પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી .
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતીજ શહેરોમાં બે મહિના અગાઉ જાહેર સ્થળો પર હવે બંધના સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. સવારે રસ્તા પર જતી પ્રજામાં પણ હવે બંધના ટૂંકા સૂત્રના મોટા અક્ષરે લખેલા લખાણ જોઈને આશ્ચર્ય સર્જાયું હતું. પરંતુ આ પ્રકારનાં લખાણ અનેક સ્થળો પર જેવા કે જુના એસ પી બંગલો, માર્ગ અને મકાન કચેરી, નવા મહિલા પોલીસ સ્ટેશન, જૂની સિવિલ, બસ સ્ટેશન તેમજ રેલવે ઓવરબ્રિજ સહિતના જાહેર સ્થળો, સરકારી આવાસો અને કચેરીની દિવાલો પર ખૂબ જ મોટા અક્ષરે કાળી શાહી વડે સ્પ્રે કરીને લખવામાં આવ્યા હતા. આ લખાણને લઈ તંત્ર અને જિલ્લાના લોકોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. હવે બંધનો શું મતલબ અને આ લખાણ પાછળનો હેતુ શું હોઈ શકે છે. જ્યારે સરકારી દિવાલોને નુકસાન કરી તે અંગે નાયબ કાર્ય પાલક ઈજનેરે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ ફરિયાદના આધારે તાપસમાં સામે આવ્યું હતું કે જનમત સરકારના અભિયાન હેઠળ મનીષ બ્રહ્મભટ્ટ નામના એક શખ્સ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી સમૂહ બનાવી લોકોને તેમાં જોડી લોકોને ઉશ્કેરવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા રૂપે આ લખાણ લખવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી. તે મૂજબ સરકારી મિલકત ને ૧ લાખ રૂપિયા જેટલું નુકસાન પહોંચાડ્યાની જનમત સરકારના સમૂહનાં સંચાલક મનીષ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. મનિષ બ્રહ્મભટ્ટની વિગતો મેળવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાં તેની સાથે લોકોને ઉશ્કેરવા કોણ કોણ જોડાયેલ છે તે બાબતે સ્થાનિક પોલીસ અને ખાસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને મનીષ બ્રહ્મભટ્ટને નોટીસ આપી હતી. જેમાં તે હાજર નહિ રહેતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મનીષ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.