હિંમતનગર નગરપાલિકામાં સિવિક સેન્ટરનાં રિનોવેશનનો નવો વિવાદ

આમ તો આજકાલ હિંમતનગર નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી વધુ રહેવા લાગી છે. પહેલા ચીફ ઓફિસર રિવોનેશનમાં મોટી લાંચમાં ઝડપાયા અને બાદમાં નવા ચીફ ઓફિસરની ગેરહાજરીથી પરેશાની અને હવે પાલિકા દ્વારા ત્રણ સિવિક સેન્ટરોમાં લાખ્ખોના ખર્ચે હવે રિવોનેશનનો નવો વિવાદ સર્જાયો છે.
હિંમતનગર શહેરની નગરપાલિકા દ્વારા છેલ્લા સાત આઠ વર્ષ દરમિયાન નિર્મિત કરાયેલા સિવિક સેન્ટરો છે. શહેરની પ્રજાને પાલિકાના લગતા કામોની સરળતા મળે એ માટે નિર્માણ કરાયા હતા અને તેનો ઉપયોગ હજુ સુધી થઇ શક્યો નથી. સિવિક સેન્ટરો એટલે કે જનસેવા કેન્દ્રો એક પણ દિવસ વર્ષ ૨૦૧૨-૧૩ લોકાર્પણ કર્યા બાદ ઉપયોગમાં લેવાયા નથી. પરંતુ હવે પાલિકાના જાણે કે સફેદ હાથીરૂપી પાલિકાના મિલ્કતોને ચારો નિરવાનું યાદ આવ્યું હોય એમ હવે નગરપાલિકા ૩૧ લાખ રૂપિયાના ખર્ચે એરકન્ડિશનીંગ સિવિક સેન્ટરો બનાવશે અને તેને હોલમાં રૂપાંતર કરવામાં આવશે. આમ હવે આ સિવિક સેન્ટરો જનસેવાને બદલે ઠંડક ધરાવતા હોલ બનાવવામાં આવશે. બંધ પડી રહેલા એટલે કે બિનઉપયોગી પડી રહેલા પાલિકાના આ ત્રણ મોટા મોટા અદ્યતન મકાનો પાલિકાએ જોકે આજ સુધી ઉપયોગ જ કર્યા નથી. તો વળી આ ત્રણેય સિવિક સેન્ટરો માં હવે અચાનક જ તેમાં સુધારા કરીને રિનોવેશન કરવામાં આવશે. પાલિકાનું માનીએ તો હવે રિનોવેશન કરીને તેમાં એક સિવિક કેન્દ્રને જીમમાં તબદીલ કરાશે અને બીજામાં લાઈબ્રેરી બનાવાશે અને ત્રીજા સિવિક સેન્ટરને હોલમાં તબદીલ કરવામાં આવશે અને આ માટે ખર્ચ કરાશે.
પાલિકા માટે સામે જોકે સિવિક કેન્દ્રનો ઉપયોગ પાસપોર્ટ કેન્દ્ર માટે કરવા માટે જિલ્લાના તંત્રએ માંગ કરતા પાલિકા બિનઉપયોગી પડી રહેલા સિવિક સેન્ટરોને આપવા માટે ત્રાગા કરી બેઠું હોય એમ વધુ પડતું ભાડું માંગતા આખરે પોસ્ટ વિભાગમાં તેના માટે નાની રૂમથી કચેરી શરૂ કરવી પડી છે. પરંતુ જિલ્લાની જનતાને ઝડપી સરળતાથી લાભ મળે એ માટે પાસપોર્ટ કેન્દ્ર સોંપવામાં ના આવ્યું ત્યારે હવે સફેદ હાથીરૂપી કરોડોના ખર્ચે સિવિક સેન્ટર બનાવી બિનઉપયોગી પડી રહ્યા, પરંતુ હવે તેને પાળવા પોષવા માટે આખરે પાલિકા નવા ખર્ચનો ઠરાવ રજૂ કરતાં જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકા હવે રિનોવેશન અને એસી જેવી સુવિધાઓ લગાવ્યા બાદ આનો ઉપયોગ કરશે કે કેમ તેવા પણ સવાલો ઉઠવા લાગ્યા છે. કારણ કે જ્યારે સિવિક સેન્ટરો બનાવવામાં આવ્યા ત્યારે જનસેવાના ફાયદા અને પ્રજાને સુવિધા અને સરળતાના પણ હસીન સપનાઓ દર્શાવીને ત્રણેય સિવિક સેન્ટરો નિર્માણ કરી તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો. જોકે હવે બિનઉપયોગી પડી રહેલા સિવિક સેન્ટરોના અચાનક રિનોવેશનને લઇને વિપક્ષે પણ ભ્રષ્ટાચારની ગંધ સ્વરૂપ કાર્યવાહી ગણાવી છે
જોકે પ્રજા માટે અને પ્રજાના ખર્ચે તૈયાર કરાયેલા કેનાલ ફ્ન્ટ બાદ વધુ એક વિકાસનુ કામ બિનઉપયોગી પડી રહેતા પ્રજામાં જાણે કે રોષ વર્તાઇ રહ્યો છે, પણ વિકાસના હસીન સપના બતાવી કરોડોના ખર્ચને બિનઉપયોગી બનાવનારા સત્તાધીશો સામે પ્રજાનો પણ રોષ વ્યાપે એ સ્વાભાવિક છે.