હિન્દુ ધર્મ છોડીને 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો

હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્ષ 2013થી શરૂ કરેલી પ્રક્રિયામાં ક્લેક્ટરની મંજૂરી મળતાં બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ગોડાદરાના મંગલ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે ધર્મ પરિવર્તનના યોજાયેલા કાર્યક્રમમાં બૌધ્ધ ગુરૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બૌધ્ધ ધર્મ પરિવર્તન સમિતીના કન્વીનર પરિક્ષીત રાઠોડે જણાવ્યું હતું કે, છ વર્ષ અગાઉ તેમણે અરજી દાખલ કરી હતી. પરંતુ કોઈક કારણસર અટકી જતી હતી. આ વખતે ડો. ધવલ પટેલે મંજૂરી આપીને રાજ્ય સરકારને અને અમને કોપી મોકલી આપી હતી. કુલ 515 લોકોએ અરજી કરી હતી. પરંતુ સમયની સાથે લોકોનું માઈગ્રેશન અને અવસાન તથા અમુક ડોક્યુમેન્ટ પુરતા ન હોવાથી કુલ 432 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે.

કન્વીનર પરીક્ષિત રાઠોડે કહ્યું કે, ધર્મપરિવર્તન અંગેની કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ અંગે કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ધર્મપરિવર્તન કરવા માટે ૫૦૦થી વધારે લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે. આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઇચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી. જેમાંથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 432 કેસોનો નિકાલ કરીને તેમને ધર્મપરિવર્તન માટે મંજૂરી આપી હતી.