હું છું ગાંધી: ૧૦૨ ઘરમાં સત્યાગ્રહ

પહેલો જેલનો અનુભવ મને ૧૯૦૮માં થયો. તે દરમિયાન મેં જોયું કે જેલમાં જે કેટલાક નિયમો કેદીઓ પાસે પળાવવામાં આવતા હતા તે નિયમો સંયમીએ અથવા બ્રહ્મચારીએ સ્વેચ્છાએ પાળવા જોઈએ.* જેમ કે, કેદીઓએ સૂર્યાસ્ત પહેલાં પાંચ વાગ્યા સુધીમાં ખાઈ લેવું. તેમને – હિંદીઓ તેમ જ હબસી કેદીઓને ચા કે કૉફી ન મળે, મીઠું ખાવું હોય તો નોખું લે. સ્વાદને સારુ તો કંઈ ખવાય જ નહીં. જ્યારે મેં જેલના દાક્તરની પાસે હિંદીઓને સારુ ‘કરી પાઉડર’ની માગણી કરી અને મીઠું રસોઈમાં પકાવતી વેળાએ જ નાખવા કહ્યું ત્યારે તે બોલ્યા, ‘અહીં તમે લોકો સ્વાદ કરવા નથી આવ્યા. આરોગ્યની દૃષ્ટિએ ‘કરી પાવડર’ની કશી જરૂર નથી. આરોગ્યની દૃષ્ટિએ મીઠું ઉપર લો કે પકાવતી વેળા રસોઈમાં નાખો બન્ને એક જ વસ્તુ છે.’

ત્યાં તો મહામહેનતે અમે અંતે જોઈતો ફેરફાર કરાવી શક્યા હતા, પણ કેવળ સંયમની દૃષ્ટિએ વિચારતાં તો બન્ને પ્રતિબંધો રૂડા જ હતા. પરાણે મુકાયેલો આવો પ્રતિબંધ ન ફળે, પણ સ્વેચ્છાએ પાલન કરેલો આવો પ્રતિબંધ બહુ ઉપયોગી થઈ પડે. તેથી જેલમાંથી નીકળ્યા બાદ એ ફેરફારો મેં તુરત કર્યા. બને ત્યાં લગી ચા લેવાનું બંધ કર્યું ને સાંજે વહેલા જમવાની ટેવ પાડી. જે આજે સ્વાભાવિક થઈ પડી છે.

પણ એવો એક પ્રસંગ બન્યો જેથી મીઠાનો પણ ત્યાગ કર્યો, જે લગભગ દશ વર્ષો સુધી તો અભંગપણે કાયમ રહ્યો. અન્નાહારને લગતા કેટલાંક પુસ્તકોમાં વાંચ્યું હતું કે માણસને મીઠું ખાવું એ જરૂરી નથી, ને ન ખાનારાને આરોગ્યની દૃષ્ટિએ લાભ જ થાય છે. બ્રહ્મચારીને તેથી લાભ થાય એમ તો મને સૂઝયું જ હતું. જેનું શરીર નબળું હોય તેણે કઠોળ ન ખાવું જોઈએ એમ પણ મેં વાંચ્યું અને અનુભવ્યું હતું. પણ હું તે તુરત છોડી શક્યો નહોતો. બન્ને વસ્તુઓ મને પ્રિય હતી.

પેલી શસ્ત્રક્રિયા પછી જોકે કસ્તૂરબાઈને રક્તસ્રાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાછો ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં. નકરા પાણીના ઉપચારો વ્યર્થ નીવડ્યા. પત્નીને જોકે મારા ઉપચારો ઉપર ઝાઝી આસ્થા નહોતી છતાં તેનો તિરસ્કાર પણ નહોતો. બીજી દવા કરવાનો આગ્રહ નહોતો. તેથી જ્યારે મારા બીજા ઉપચારોમાં સફળતા ન મળી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવવા છતાં, મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતાં, માને નહીં. છેવટે તેણે કહ્યું, ‘કઠોળ ને મીઠું છોડવાનું તો બાજુ પર કોઈ કહે તો તમે પણ ન છોડો.’ મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારા પ્રેમ ઠલવવાનો મને પ્રસંગ મળ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું, ‘તારી માન્યતા ભૂલભરેલી છે. મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા. મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બન્ને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.’

પત્નીને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠી, ‘મને માફ કરો, તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું કઠોળ ને મીઠું નહીં ખાઉં. પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો. આ તો મને બહુ સજા કહેવાય.’

મેં કહ્યું: ‘તું કઠોળમીઠું છોડશે તો તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તો લાભ જ થવાનો. ગમે તે નિમિત્તે માણસ સંયમ પાળે તોયે તેમાં લાભ જ છે. એટલે તું મને આગ્રહ ન કરજે. વળી મને પણ મારી પરીક્ષા થઈ રહેશે, ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.’ આ પછી મને મનાવવાપણું તો રહ્યું જ નહીં. ‘તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહીં,’ કહી ખોબો આંસુ ઢાળી શાંત રહી.

આને હું સત્યાગ્રહને નામે ઓળખાવવા માગું છું, ને તેને મારી જિંદગીના મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.

આ પછી કસ્તૂરબાઈની તબિયત ખૂબ વળી. આમાં મીઠાનો ને કઠોળનો ત્યાગ કારણભૂત હતો અગર કેટલે અંશે કારણભૂત હતો, અથવા તો તે ત્યાગથી થતા ખોરાકના નાનામોટા બીજા ફેરફારો કારણરૂપ હતા, કે ત્યાર પછીની બીજા નિયમોનુ પાલન કરાવવામાં મારી ચોકી નિમિત્તરૂપ હતી, કે ઉપર કિસ્સાથી થયેલો માનસિક ઉલ્લાસ નિમિત્તભૂત હતો,  –  તે હું નથી કહી શકતો. પણ કસ્તૂરબાઈનું નખાઈ ગયેલું શરીર વળવા માંડયું, રક્તસ્રાવ બંધ થયો, ને ‘વૈદરાજ’ તરીકે મારી શાખ કંઈક વધી.

મારા પોતાના ઉપર તો આ બન્ને ત્યાગની અસર સરસ જ થઈ. ત્યાગ પછી મીઠાની કે કઠોળની ઇચ્છા સરખીયે ન રહી. વર્ષ તો ઝપાટાભેર વીત્યું. ઇંદ્રિયોની શાંતિ વધારે અનુભવવા લાગ્યો, અને સંયમની વૃદ્ધિ તરફ મન વધારે દોડવા લાગ્યું. વર્ષના અંત પછી પણ કઠોળ ને મીઠાનો ત્યાગ છેક દેશમાં આવ્યો ત્યાં લગી ચાલુ રહ્યો કહેવાય. માત્ર એક જ વખત વિલાયતમાં ૧૯૧૪ની સાલમાં મીઠું ને કઠોળ ખાધાં હતાં. પણ તે કિસ્સો ને દેશમાં આવ્યા પછી બન્ને કેમ ફરી લેવાયાં તે હવે પછી.

મીઠું ને કઠોળ છોડવાના પ્રયોગો મેં બીજા સાથીઓ ઉપર પણ સારી પેઠે કરેલા, ને દક્ષિણ આફ્રિકામાં તો તેનાં પરિણામો સારાં જ આવ્યાં હતાં. વૈદ્યક દૃષ્ટિએ બન્ને વસ્તુઓના ત્યાગને વિશે બે મત હોય, પણ સંયમની દૃષ્ટિએ તો બન્ને વસ્તુઓના ત્યાગમાં લાભ જ છે એ વિશે મને શંકા જ નથી. ભોગી તેમ જ સંયમીના ખોરાક જુદા, તેના રસ્તા જુદા હોવા જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ઇચ્છનારા ભોગીનું જીવન ગાળીને બ્રહ્મચર્યને કઠિન ને કેટલીકવાર લગભગ અશક્ય કરી મૂકે છે.

* મારા જેલના અનુભવો પણ પુસ્તકાકારે બહાર પડી ચૂક્યા છે. મૂળ ગુજરાતીમાં લખાયા હતા અને તે જ અંગ્રેજીમાં બહાર પડ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બન્ને મળી શકે છે.            મો. ક. ગાંધી

વધુ આવતા અંકે______