સર ફિરોજશાએ મારો રસ્તો સરળ કરી મૂક્યો. મુંબઈથી હું પૂના ગયો. પૂનામાં બે પક્ષ હતા એ મને ખબર હતી. મારે તો બધાની મદદ જોઈતી હતી. લોકમાન્યને મળ્યો. તેમણે કહ્યું:
‘બધા પક્ષની મદદ મેળવવાનો તમારો વિચાર તદ્દન બરોબર છે. તમારા પ્રશ્નને વિશે મતભેદ ન જ હોય. પણ તમારે સારુ તટસ્થ પ્રમુખ જોઈએ. તમે પ્રોફેસર ભાંડારકરને મળો. તેઓ આજકાલ કોઈ હિલચાલમાં ભાગ નથી લેતા. પણ કદાચ આ કામને સારુ બહાર પડે. તેમને મળ્યા પછી મને પરિણામ જણાવજો. હું તમને પૂરી મદદ કરવા માગું છું. તમે પ્રોફેસર ગોખલેને તો મળશો જ. મારી પાસે જ્યારે આવવું હોય ત્યારે વિનાસંકોચે આવજો.’
લોકમાન્યનાં આ મને પ્રથમ દર્શન હતાં. તેમની લોકપ્રિયતાનું કારણ હું તુરત સમજી શક્યો.
અહીંથી હું ગોખલે પાસે ગયો. તે ફરગ્યુસન કૉલેજમાં હતા. મને ખૂબ પ્રેમથી ભેટયા ને પોતાનો કરી લીધો. તેમનો પણ મને પહેલો પરિચય હતો. પણ, કેમ જાણે અમે પૂર્વે મળ્યા ન હોઈએ તેમ લાગ્યું. સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય. ગોખલેએ મારી ઝીણવટથી તપાસ કરી, જેમ એક નિશાળિયો નિશાળમાં દાખલ થવા જાય તેની થાય તેમ. કોને કોને મળવું ને કેમ મળવું એ બતાવ્યું, ને મારું ભાષણ જોવા માગ્યું. મને કૉલેજની ગોઠવણ બતાવી. જ્યારે મળવું હોય ત્યારે ફરી મળવાનું કહી, દા. ભાંડારકરનો જવાબ સંભળાવવાનું કહી, મને વિદાય કર્યો. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં જે સ્થાન ગોખલેએ જીવતાં મારા હૃદયમાં ભોગવ્યું ને હજી દેહાંત થયા છતાં ભોગવે છે તે કોઈ ભોગવી શક્યું નથી.
જેમ દીકરાને બાપ વધાવે તેમ રામકૃષ્ણ ભાંડારકરે મને વધાવ્યો. તેમને ત્યાં ગયો ત્યારે મધ્યાહ્નકાળ હતો. આવે સમયે હું મારું કામ કરી રહ્યો હતો એ વસ્તુ જ આ ઉદ્યમી શાસ્ત્રજ્ઞને વહાલી લાગી; ને તટસ્થ. પ્રમુખ માટેનો મારો આગ્રહ સાંભળી ‘ધૅટ્સ ઇટ’ ‘ધૅટ્સ ઇટ’ ‘એ જ બરોબર’, ‘એ જ બરોબર’ના ઉદ્ગાર તેમના મુખમાંથી સહેજે નીકળી ગયા.
વાતને અંતે તેઓ બોલ્યા, ‘ગમે તેને પૂછશો તો તે તમને કહશે કે, હું હાલ કોઈ રાજ્યપ્રકરણી કામમાં ભાગ લેતો નથી. પણ તમને હું ન તરછોડી શકું. તમારો કેસ એવો મજબૂત છે ને તમારો ઉદ્યમ એવો સ્તુત્ય છે કે મારાથી તમારી સભામાં આવવાની ના ન પડાય. રા. ટિળક અને રા. ગોખલેને તમે મળ્યા એ સારું કર્યું છે. તેઓને કહેજો કે હું ખુશીથી બન્ને પક્ષ બોલાવે તે સભામાં આવીશ ને પ્રમુખપદ લઈશ. વખતની બાબત મને પૂછવાની જરૂર નથી. જે વખત બન્ને પક્ષને અનુકૂળ હશે તેને હું અનુકૂળ થઈશ. આમ કહી મને ધન્યવાદ અને આશીર્વાદ આપી વિદાય કર્યો.
કશી હોહા વિના, આડંબર વિના, એક સાદા મકાનમાં પૂનાના આ વિદ્વાન અને ત્યાગી મંડળે સભા ભરી ને મને સંપૂર્ણ પ્રોત્સાહન સાથે વિદાય કર્યો.
હું અહીંથી મદ્રાસ ગયો. મદ્રાસ તો ઘેલું થઈ ગયું. બાલાસુંદરમના કિસ્સાની સભા ઉપર ઊંડી અસર પડી. મારું ભાષણ મારે સારુ પ્રમાણમાં લાંબું હતું. બધું છાપેલું હતું. પણ શબ્દેશબ્દ સભાએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. સભાને અંતે પેલા લીલા ચોપાનિયા ઉપર ધાડ પડી. મદ્રાસમાં સુધારાવધારા સહિત તેની બીજી આવૃત્તિ દસ હજારની છપાવી. તેમાંનો ઘણો ભાગ ઊપડી ગયો. પણ મેં જોયું કે દસ હજારની જરૂર નહોતી. ઉત્સાહની મારી આંકણી વધારેપડતી હતી. મારા ભાષણની અસર તો અંગ્રેજી બોલનાર વર્ગ ઉપર જ પડી હતી. તે વર્ગમાંથી એકલા મદ્રાસમાં દસ હજાર નકલની જરૂર ન પડે.
અહીં મને મોટામાં મોટી મદદ સ્વ. જી. પરમેશ્વરન્ પિલ્લેની મળી. તેઓ ‘મદ્રાસ સ્ટૅડર્ડ’ના અધિપતિ હતા. તેમણે આ પ્રશ્નનો અભ્યાસ સારો કરી લીધો હતો. તેમની ઑફિસે મને વખતોવખત બોલાવે ને દોરે. ‘હિંદુ’ના જી. સુબ્રહ્મણ્યમ્ને પણ મળ્યો હતો. તેમણે દા. સુબ્રહ્મણ્યમે પણ પૂરી દિલસોજી બતાવી હતી. પણ જી. પરમેશ્વરન્ પિલ્લેએ તો મને પોતાના છાપાનો આ કામને સારુ જે ઉપયોગ કરવો હોય તે કરવા દીધો ને મેં તે છૂટથી કર્યો. સભા પાચ્યાપ્પા હૉલમાં થયેલી ને તેમાં દા. સુબ્રહ્મણ્યમ્ પ્રમુખ થયા હતા એવો મને ખ્યાલ છે.
મદ્રાસમાં મેં ઘણાઓનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો અનુભવ્યો કે, જોકે ત્યાં સહુની સાથે મુખ્યત્વે અંગ્રેજીમાં જ બોલવાનું હતું, છતાં મને ઘર જેવું જ લાગ્યું. પ્રેમ કયાં બંધનોને તોડી શકતો નથી?
વધુ આવતા અંકે______