કુટુંબ સહિત દરિયાની આ મારી પહેલી મુસાફરી હતી. મેં ઘણી વેળા લખ્યું છે કે હિંદુ સંસારમાં વિવાહ બાળવયે થતા હોવાથી, અને મધ્યમ વર્ગના લોકોમાં મોટેભાગે પતિ સાક્ષર અને પત્ની નિરક્ષર એવી સ્થિતિ હોય છે તેથી, પતિપત્નીના જીવન વચ્ચે અંતર રહે છે અને પતિએ પત્નીના શિક્ષક બનવું પડે છે. મારે મારી ધર્મપત્નીના ને બાળકોના પોશાકની, ખાવાપહેરવાની તેમ જ બોલચાલની સંભાળ રાખવી રહી હતી. મારે તેમને રીતભાત શીખવવી રહી હતી. કેટલાક સ્મરણો મને અત્યારેય હસાવે છે. હિંદુ પત્ની પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે; હિંદુ પતિ પોતાને પત્નીનો ઈશ્વર માને છે. એટલે પત્નીએ જેમ તે નચાવે તેમ નાચવું રહ્યું.
જે સમય વિશે હું લખી રહ્યો છું તે સમયે હું માનતો કે સુધરેલા ગણાવાને સારુ અમારો બાહ્યાચાર બને ત્યાં લગી યુરોપિયનને મળતો હોવો જોઈએ. આમ કરવાથી જ પો પડે ને પો પડ્યા વિના દેશસેવા ન થાય.
તેથી પત્નીનો અને બાળકોનો પોશાક મેં જ પસંદ કર્યો. બાળકો વગેરેને કાઠિયાવાડનાં વાણિયાં તરીકે ઓળખાવવાં તે કેમ સારુ લાગે? પારસી વધારેમાં વધારે સુધરેલા ગણાય. એટલે, જ્યાં યુરોપિયન પોશાકનું અનુકરણ અઠીક જ લાગ્યું ત્યાં પારસીનું કર્યું. પત્નીને સારુ સાડીઓ પારસી બહેનો પહેરે છે તવી લીધી; બાળકોને સારુ પારસી કોટપાટલૂન લીધાં. બધાંને બૂટમોજાં તો જોઈએ જ. પત્નીને તેમ જ બાળકોને બંને વસ્તુ ઘણા માસ લગી ન ગમી. જોડા કઠે, મોજાં ગંધાય, પગ ફુગાય. આ અડચણોના જવાબ મારી પાસે તૈયાર હતા. જવાબની યોગ્યતા કરતાં હુકમનું બળ તો વધારે હતું જ. એટલે લાચારીથી પત્નીએ તેમ જ બાળકોએ પોશાકના ફેરફાર સ્વીકાર્યા. તેટલી જ લાચારીથી અને એથીયે વધુ અણગમાથી ખાવામાં છરીકાંટાનો ઉપયોગ કરવા માંડયો. જ્યારે મારો મોહ ઊતર્યો ત્યારે વળી પાછો તેમણે બૂટમોજાં, છરીકાંટા ઇત્યાદિનો ત્યાગ કર્યો. ફેરફારો જેમ દુઃખકર્તા હતા તેમ ટેવ પડ્યા પછી તેને ત્યાગ પણ દુઃખકર હતો. પણ અત્યારે હું જોઉં છું કે અમે બધાં સુધારાની કાંચળી ઉતારીને હળવાં થયાં છીએ.
આ જ સ્ટીમરમાં કેટલાંક બીજાં સગાં તેમ જ ઓળખીતાં પણ હતાં. તેમના તેમ જ ડેકના બીજા ઉતારુઓના પરિચયમાં હું ખૂબ આવતો. અસીલ ને વળી મિત્રની સ્ટીમર એટલે ઘરના જેવી લાગતી અને હું હરજગ્યાએ છૂટથી ફરી શકતો.
સ્ટીમર બીજાં બંદર કર્યા વગર નાતાલ પહોંચવાની હતી. એટલે માત્ર અઢાર દિવસની મુસાફરી હતી. કેમ જાણે અમને પહોંચતાંવેંત ભાવિ તોફાનની ચેતવણી આપવી ન હોય, તેમ અમારે પહોંચવાને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન ઊપડયું. આ દક્ષિણના પ્રદેશમાં ડિસેમ્બર માસ ગરમીનો અને ચોમાસાનો સમય હોય છે, એટલે દક્ષિણ સમુદ્રમાં આ દિવસોમાં નાનાંમોટાં તોફાન હોય જ. તોફાન એવું તો સખત હતું અને એટલું લંબાયું કે મુસાફરો ગભરાયા.
આ દૃશ્ય ભવ્ય હતું. દુઃખમાં સૌ એક થઈ ગયા. ભેદ ભૂલી ગયા. ઈશ્વરને હૃદયથી સંભારવા લાગ્યા. હિંદુ મુસલમાન બધા સાથે મળીને ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કોઈએ માનતાઓ માની. કપ્તાન પણ ઉતારુઓની સાથે ભળ્યા ને સૌને આશ્વાસન આપી કહ્યું કે, જોકે તોફાન તીખું ગણાય તેવું હતું, તોપણ તેના કરતાં ઘણાં વધારે તીખાં તોફાનોનો પોતાને અનુભવ થયો હતો. સ્ટીમર મજબૂત હોય તો એકાએક ડૂબતી નથી. ઉતારુઓને તેમણે આવું ઘણું સમજાવ્યું, પણ એથી ઉતારુઓને કરાર ન વળે. સ્ટીમરમાં અવાજો તો એવા થાય કે જાણે હમણાં ક્યાંકથી તૂટશે, હમણાં ગાબડું પડશે. ગોથાં એવાં ખાય કે હમણાં ઊથલી પડશે એમ લાગે. ડેક ઉપર તો કોઈ રહી જ શેનું શકે? ‘ઈશ્વર રાખે તેમ રહેવું’ એ સિવાય બીજો ઉદ્ગાર નહોતો સંભળાતો.
મને સ્મરણ છે તે પ્રમાણે, આવી ચિંતામાં ચોવીસ કલાક વીત્યા હશે. છેવટે વાદળ વીખરાયું. સૂર્યનારાયણે દર્શન દીધાં. કપ્તાને કહ્યું : ‘તોફાન ગયું છે.’
લોકોના ચહેરા ઉપરથી ચિંતા દૂર થઈ ને તેની જ સાથે ઈશ્વર પણ અલોપ થઈ ગયો! મોતનો ડર ભુલાયો તેની જ સાથે ગાનતાન, ખાનપાન શરૂ થયાં. માયાનું આવરણ પાછું ચડયું. નિમાજ રહી, ભજનો રહ્યાં, પણ તોફાનટાણે તેમાં જે ગાંભીર્ય દેખાયું હતું તે ગયું!
પણ આ તોફાને મને ઉતારુઓની સાથે ઓતપ્રોત કરી મૂક્યો હતો. એમ કહી શકાય કે, મને તોફાનનો ભય નહોતો અથવા તો ઓછામાં ઓછો હતો. લગભગ આવાં તોફાન મેં અગાઉ અનુભવ્યાં હતાં. મને દરિયો લાગતો નથી, ફેર આવતા નથી. તેથી હું ઉતારુઓમાં નિર્ભય થઈ ફરી શકતો હતો, તેમને આશ્વાસન આપી શકતો હતો, અને કપ્તાનના વરતારા સંભળાવતો હતો. આ સ્નેહગાંઠ મને બહુ ઉપયોગી થઈ પડી.
અમે ૧૮મી કે ૧૯મી ડિસેમ્બરે ડરબનના બારામાં લંગર કર્યું. ‘નાદરી’ પણ તે જ દહાડે પહોંચી.
ખરા તોફાનનો અનુભવ તો હજુ હવે થવાનો હતો.
વધુ આવતા અંકે______