હું છું ગાંધી: ૭૧ કાશીમાં

આ મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલણપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો. પાલણપુર સિવાય બધે ધર્મશાળામાં અથવા ‘પંડા’ઓને ઘેર, જાત્રાળુઓની જેમ, ઊતર્યો હતો. મને યાદ છે તે પ્રમાણે, મને આટલી મુસાફરીમાં ગાડીભાડા સહિત એકત્રીસ રૂપિયા ખર્ચ થયેલું. ત્રીજા વર્ગની મુસાફરીમાં પણ ઘણે ભાગે મેલ ગાડીને છોડી દેતો., કેમ કે મને ખબર હતી કે તેમાં વધારે ભીડ હોય છે. તેનું ભાડું પણ સામાન્ય ગાડીના ત્રીજા વર્ગને હિસાબે વધારે હતું એ વાંધો તો હતો જ.

ત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવો આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા. યુરોપમાં તો મેં ત્રીજા જ વર્ગમાં મુસાફરી કરેલી. અનુભવને ખાતર પહેલા વર્ગની મુસાફરી એક વાર કરેલી. ત્યાં મેં પહેલા અને ત્રીજા વચ્ચે અહીંના જેવું અંતર ન ભાળ્યું. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વર્ગના ઉતારુઓ મોટે ભાગે હબસીઓ જ હોય છે. છતાં, ત્યાંના ત્રીજા વર્ગમાં પણ વધારે સગવડ છે. કેટલાક ભાગમાં તો ત્યાં ત્રીજા વર્ગના ડબ્બામાં સૂવાની સગવડ પણ હોય છે, અને બેઠકો ગાદીથી મઢેલી હોય છે. દરેક ખાનામાં બેસનાર ઉતારુઓની સંખ્યાની હદ જાળવવામાં આવે છે. અહીં તો ત્રીજા વર્ગમાં સંખ્યાની હદ જળવાયાનો મને અનુભવ જ નથી.

રેલખાતા તરફથી આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવું, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી  –  આ તો સાર્વત્રિક અનુભવ છે.

ત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહાવ્યાધિના ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ન એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.

આમ કરવાથી ઘણો સુધારો થઈ શકે છે એવો મારો અનુભવ છે. મારી માંદગીને લીધે મારે ૧૯૨૦ની સાલથી ત્રીજા વર્ગની મુસાફરી લગભગ બંધ રાખવી પડી છે એ મને હમેશાં દુઃખની અને શરમની વાત લાગી છે. અને તે પણ એવે અવસરે બંધ રાખવી પડી કે, જ્યારે ત્રીજા વર્ગની મુસાફરીની હાડમારીઓ દૂર કરવાનું કામ થાળે પડતું જતું હતું. રેલવે તેમ જ સ્ટીમરોમાં ગરીબ વર્ગને પડતી અગવડો, તેમની પોતાની કુટેવોથી તેમાં થતો વધારો, વેપારને અંગે પરદેશી વેપારને સરકાર તરફથી મળતી અયોગ્ય સગવડો વગેરે અત્યારે આપણા પ્રજાજીવનનો એક આખો નોખો અને અગત્યનો સવાલ છે, અને તેના ઉકેલ પાછળ એકબે બાહોશ અને ખંતીલા સજ્જન પોતાનો બધો વખત રોકે તો તે વધારે પડતું ન ગણાય.

પણ, આ ત્રીજા વર્ગની મુસાફરીની વાત હવે અહીંથી પડતી મેલી કાશીના અનુભવ ઉપર આવું. કાશી સવારના ઊતર્યો. મારે કોઈ પંડાને ત્યાં જ ઊતરવું હતું. ઘણા બ્રાહ્મણોએ મને વીંટી લીધો. તેમાંથી મને જે કંઈક સુઘડ અને સારો લાગ્યો તેનું ઘર પસંદ કર્યું. મારી પસંદગી સરસ નીવડી. બ્રાહ્મણના આંગણામાં ગાય બાંધી હતી. ઉપર એક મેડી હતી ત્યાં મને ઉતારો આપ્યો. મારે વિધિસર ગંગાસ્નાન કરવું હતું. ત્યાં લગી ઉપવાસ કરવો હતો. પંડાએ બધી તૈયારી કરી. મેં તેને કહી રાખ્યું હતું કે, મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહીં અપાય; એટલે તે જોગી તૈયારી કરે. પંડાએ વગરકરારે મારી વિનંતી કબૂલ રાખી. ‘અમે પૂજા તો એક જ સરખી ધનિકગરીબ સહુને કરાવીએ, દક્ષિણા યજમાનની જેવી ઇચ્છા ને શક્તિ.’ પંડાજીએ પૂજાવિધિમાં કંઈ ગોટો વાળ્યો એમ મને ન લાગ્યું. બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયું તેથી દુઃખ જ પામ્યો.

મુંબઈમાં ૧૮૯૧ની સાલમાં જ્યારે હું વકીલાત કરતો હતો ત્યારે એક વાર પ્રાર્થનાસમાજ મંદિરમાં ‘કાશીની યાત્રા’ નામનું વ્યાખ્યાન સાંભળ્યું હતું. એટલે કંઈક નિરાશાને સારુ તો તૈયાર થઈ રહ્યો હતો. પણ જે નિરાશા થઈ તે ધાર્યા ઉપરાંત હતી.

સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં.

જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે! ધ્યાન જોઈએ તો તે અંતરમાંથી મેળવવું રહ્યું. એવી ભાવિક બહેનોને મેં જોઈ ખરી કે જે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે કશું જાણતી નહોતી, માત્ર પોતાના ધ્યાનમાં જ નિમગ્ન હતી. પણ એ કંઈ સંચાલકોની કૃતિ ન ગણાય. કાશીવિશ્વનાથની આસપાસ શાંત, નિર્મળ, સુગંધી, સ્વચ્છ વાતાવરણ-બાહ્ય તેમ જ આંતરિક-પેદા કરવું ને જાળવવું એ સંચાલકોનું કર્તવ્ય હોય. તેને બદલે મેં લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઈની અને રમકડાંની બજાર ભાળી.

મંદિરે પહોંચતાં દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ. માંહે સરસ આરસની ભોંય હતી. તેને કોઈ અંધશ્રદ્ધાળુએ રૂપિયાની જડી ભાંગી નાખી હતી; ને રૂપિયાઓમાં મેલ ભરાયો હતો.

હું જ્ઞાનવાપી નજીક ગયો. મેં અહીં ઈશ્વરને ખોળ્યો. પણ તે ન જડયો. તેથી મનમાં ધૂંધવાઈ રહ્યા હતો. જ્ઞાનવાપી પાસે પણ મેલ જોયો. કંઈ દક્ષિણા ધરવાની શ્રદ્ધા નહોતી. તેથી મેં તો ખરે જ એક દુકાની ધરી અને પૂજારી પંડાજી તપ્યા. તેમણે દુકાની ફેંકી દીધી, બેચાર ગાળો ‘ચોપડાવી’, ને બોલ્યા, ‘તું આમ અપમાન કરશે તો નરકમાં પડશે.’

હું સ્વસ્થ હતો. મેં કહ્યું, ‘મહારાજ, મારું તો થવાનું હશે તે થશે, પણ તમારા મોંમાં એલફેલ ન શોભે. આ દુકાની લેવી હોય તો લો, નહીં તો એ પણ ખોશો.’ ‘જા, તેરી દુકાની મુઝે ન ચાહિયે,’ કહી વધારે સંભળાવી. હું દુકાની લઈ ચાલતો થયો ને માન્યું કે મહારાજે દુકાની ખોઈ ને મેં બચાવી. પણ મહારાજ દુકાની ખુએ તેવા નહોતા. તેમણે મને પાછો બોલાવ્યો, ‘અચ્છા ધર દે. મૈં તેરે જૈસા નહીં હોના ચાહતા. મૈં ન લૂં તો તેરા બૂરા હોવે.’

મેં મૂંગે મોઢે દુકાની આપી ને નઃશ્વાસ મૂકી ચાલતો થયો. ફરી બે વાર કાશીવિશ્વનાથ જઈ ચૂક્યો છું, પણ તે તો ‘મહાત્મા’ બન્યા પછી. એટલે ૧૯૦૨ના અનુભવો તો ક્યાંથી પામું? મારું ‘દર્શન’ કરવાવાળા મને દર્શન ક્યાંથી કરવા દે? ‘મહાત્મા’નાં દુઃખો તો મારા જેવા ‘મહાત્મા’ જ જાણે. બાકી ગંદકી ને ઘોંઘાટ તો મેં એવા ને એવા જ અનુભવ્યાં.

ભગવાનની દયા વિશે જો કોઈને શંકા હોય તો આવાં તીર્થક્ષેત્રો જુએ. તે મહાયોગી પોતાને નામે કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ ઇત્યાદિ સહન કરે છે! તેણે તો કહી મેલ્યું છેઃ

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ  ભજામ્યહમ્.

એટલે કે ‘કરણી તેવી ભરણી’. કર્મને મિથ્યા કોણ કરનારું છે? પછી ભગવાનને વચમાં પડવાપણું જ ક્યાં છે? તેણે તો પોતાનો કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે.

આ અનુભવ લઈ હું મિસિસ બેસંટના દર્શન કરવા ગયો. તેઓ તાજાં જ બીમારીમાંથી ઊઠયાં હતાં એ હું જાણતો હતો. મેં મારું નામ મોકલ્યું. તેઓ તુરત આવ્યાં. મારે તો દર્શન જ કરવાં હતાં, તેથી મેં કહ્યું, ‘આપની નાજુક તબિયત વિશે હું જાણું છું. મારે તો આપનાં દર્શન જ કરવાં હતાં. નાજુક તબિયત છતાં આપે મને મળવાની રજા આપી એથી જ મને તો સંતોષ છે. આપને હું વધારે નહીં રોકું.’ કહી મેં રજા લીધી.

વધુ આવતા અંકે______