આ અપમાનનું મને બહુ દુઃખ થયું. પણ પૂર્વે આવાં અપમાનો સહન કરેલાં તેથી હું રીઢો થઈ રહ્યો હતો. એટલે અપમાનને ન ગણકારતાં તટસ્થપણે જે કર્તવ્ય મને સૂઝે તે કરવું એમ નિશ્ચય કર્યો.
મજકૂર અમલદારની સહીનો કાગળ આવ્યો. તેમાં લખ્યું હતું કે, મિ. ચેમ્બરલેન ડરબનમાં મિ. ગાંધીને મળ્યા છે, એટલે હવે તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાખવાની જરૂર છે.
સાથીઓને આ કાગળ અસહ્ય લાગ્યો. તેમણે ડેપ્યુટેશન લઈ જવાનું માંડી વાળવાનો વિચાર બતાવ્યો. મેં તેમને કોમની કફોડી સ્થિતિ બતાવીઃ ‘જો તમે મિ. ચેમ્બરલેનની પાસે નહીં જાઓ તો અહીં કંઈ હાડમારી જ નથી એમ ગણાઈ જશે. છેવટે જે કહેવાનું છે તે તો લખવાનું જ છે. તે તૈયાર છે. હું વાચું છું કે બીજો કોઈ વાંચે તેની ચિંતા નથી. મિ. ચેમ્બરલેન થોડા કંઈ ચર્ચા કરવાના છે? મારું અપમાન થયું છે તે આપણે પી જવું પડશે.’
આમ હું કહી રહ્યો હતો ત્યાં તૈયબ શેઠ બોલી ઊઠયાઃ ‘પણ તમારું અપમાન તે કોમનું જ છે ના? તમે અમારા પ્રતિનિધિ છો એ કેમ ભુલાય?’
મેં કહ્યું, ‘એ ખરું જ છે. પણ આવાં અપમાન કોમે પણ ગળી જવાં પડશે. આપણી પાસે બીજો ઇલાજ શો છે?’
‘ભલે જે થવાનું હોય તે થાઓ. પણ હાથે કરીને બીજું અપમાન શા સારુ વહોરવું? ખરાબ તો આમેય થઈ રહ્યું છે. આપણને શા હક મળ્યા છે?’ તૈયબ શેઠે જવાબ વાળ્યો.
આ જુસ્સો મને ગમતો હતો, પણ તેનો ઉપયોગ ન કરાય એમ પણ હું જાણતો હતો. કોમની મર્યાદાનો મને અનુભવ હતો, એટલે મેં સાથીઓને શાંત પાડ્યા ને મારી મરહૂમ જ્યૉર્જ ગૉડફ્રે જે હિંદી બારિસ્ટર હતા તેમને લઈ જવાની સલાહ આપી.
એટલે મિ. ગૉડફ્રે ડેપ્યુટેશનના નાયક થયા. મારે વિશે મિ. ચેમ્બરલેને થોડી ચર્ચા પણ કરી. ‘એક જ માણસને ફરી સાંભળવા કરતાં નવાને સાંભળવા વધારે યોગ્ય,’ વગેરે કહી કરેલો જખમ રુઝાવવા પ્રયત્ન કર્યો.
પણ આથી કોમનું ને મારું કામ વધ્યું, પૂરું ન થયું. એકડે એકથી ફરી શરૂ કરવાનું રહ્યું. ‘તમારા કહેવાથી કોમે લડાઈમાં ભાગ લીધો. પણ પરિણામ તો આ જ આવ્યું ના?’ એમ મહેણું મારનારા પણ મળી આવ્યા. એ મહેણાની મારા ઉપર કંઈ અસર ન થઈ. મેં કહ્યું, ‘મને તે સલાહનો પશ્ચાત્તાપ નથી. આપણે ભાગ લીધો એ ઠીક કર્યું એમ હજુ હું માનું છું. આપણે તેમ કરીને આપણા કર્તવ્યનું પાલન કર્યું. તેનું ફળ ભલે આપણને જોવાનું ન મળે. પણ શુભ કાર્યનું ફળ શુભ જ છે એવો મારો દૃઢ વિશ્વાસ છે. ગઈ ગુજરીનો વિચાર કરવા કરતાં હવે આપણું શું કર્તવ્ય છે એ વિચાર કરવો વધારે સારું છે. એટલે આપણે એ વિચારીએ.’
આ વાત બીજાઓએ ઉપાડી લીધી.
મેં કહ્યું: ‘ખરું જોતાં જે કામને સારુ મને બોલાવ્યો હતો તે તો હવે પૂરું થયું ગણાય. પણ હું માનું છું કે, તમે મને રજા આપો તોપણ, મારાથી બને ત્યાં લગી, હું ટ્રાન્સવાલમાંથી ન ખસું. મારું કામ હવે નાતાલમાંથી નહીં પણ અહીંથી ચાલવું જોઈએ. એક વર્ષની અંદર પાછા જવાનો વિચાર મારે માંડી વાળવો જોઈએ ને મારે અહીંની વકીલાતની સનદ મેળવવી જોઈએ. આ નવા ખાતાને પહોંચી વળવાની મને હિંમત છે. જો તેને ન પહોંચી વળીએ તો કોમ લૂંટાઈ જાય ને કદાચ અહીંથી કોમનો પગ નીકળી જાય. કોમની હીણપત તો રોજ વધતી જાય. મિ. ચેમ્બરલેન મને ન મળ્યા, પેલા અમલદારે મારી સાથે તોછડાઈભર્યું વર્તન ચલાવ્યું, એ તો કોમ આખીની નામોશી થાય તેના હિસાબમાં કંઈ જ નથી. અહીં આપણે કૂતરાંની જેમ રહીએ એ સહન ન જ કરાય.’
આમ મેં વાત ચલાવી. પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં વસતા હિંદી આગેવાનો સાથે મસલત કરીને છેવટે જોહાનિસબર્ગમાં ઑફિસ રાખવાનો નિશ્ચય થયો.
ટ્રાન્સવાલમાં મને વકીલાતની સનદ મળવા વિશે પણ શંકા તો હતી જ. પણ વકીલમંડળ તરફથી મારી અરજીનો વિરોધ ન થયો ને વડી અદાલતે મારી અરજી મંજૂર કરી.
હિંદીને યોગ્ય જગ્યામાં ઑફિસ મળવી એ પણ મુશ્કેલીની વાત હતી. મિ. રીચની સાથે મને સારો પરિચય થઈ ગયો હતો. તે વખતે તેઓ વેપારી વર્ગમાં હતા. તેમના ઓળખીતા હાઉસ-એજન્ટની મારફતે મેં ઑફિસનું મકાન સારી જગ્યામાં મેળવ્યું ને વકીલાત શરૂ કરી.
વધુ આવતા અંકે______