કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલનું લોકસભાની ચૂંટણી લડવા ગુજરાત વડી અદાલતે વીસનગર અદાલતના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે રેર કેસ હોય તેમાં કન્વીકશન પર સ્ટે આપી શકાય પણ હાર્દિકના કેસમાં એવું નથી. તેમના કેસ ભડકાઉ ભાષણના છે. હાર્દિક પટેલની પિટિશન જસ્ટિસ આર. પી. ઘોલરિયાએ નોટ બિફોર મી કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ એ. જી. ઉરેજીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. હાર્દિક હવે સર્વોચ્ચ અદાલતમાં જશે. હાર્દિક પટેલ જામનગરમાં ચૂંટણી લડવા માંગતા હતા પણ હવે ઉમેદવારી 4 તારીખ સુધી જ થવાની છે. તેથી તે ઉમેદવારી કરી નહીં શકે. પ્રતિનિધિત્વ કાયદા મુજબ દોષિત જાહેર થયા હોય તો ચૂંટણી લડી શકાતી નથી.
રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા હાર્દિક પટેલ સામે અનેક ગુના હોવાની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે કાયદો તોડનારને કાયદા ઘડવા ન બેસાડાય. તેની સામે હાર્દિક પટેલે વીસનગર કેસ સિવાયના કેસમાં કોઈ પુરાવાઓ ન હોવાની અને અદાલતે માત્ર સાદી સજા કરેલી હોવાની દલીલ કરી હતી. તેમજ સાક્ષીઓની યોગ્ચ જુબાનીઓ પણ ન લેવાઈ હોવાનું અદાલતને જણાવ્યું હતું.
હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘હું ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવશે અને જશે, પરંતુ ભાજપ બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. બંધારણીય સંસ્થાઓને તોડી રહ્યો છે. જે તમામ માટે ખરતો છે. કૉંગ્રેસ પાર્ટીના 25 વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી રોકવામાં આવી રહ્યો છે. પણ હું અટકવાનો નથી. પહેલા મારી એક બેઠક માટે મહેનત કરવાનો હતો હવે તો 5 રાજ્યોની 121 બેઠકો પર જઈને કોંગ્રેસ માટે પ્રચાર કરવાનો છું. જે ભાજપને ભારે પડશે, મને હવે કોઈ રોકી નહીં શકે. મારી પાસે હજું દાયકા સુધીનું રાજકારણ છે. એક ચૂંટણી લડવાથી હું જંગ હારી નથી ગયો પણ ભાજપને જંગમાં હરાવવાનો મારો ધ્યેય વધારે મજબૂત થયો છે.’
આ ઘટના અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે મારો ગુનો એ જ છે કે હું ભાજપની રાજનીતિ અને કૂટનીતિ સામે ઝૂક્યો નથી. મને રૂ.1600 કરોડની લાંચ આપવાનો પ્રયાસ જેલમાં રૂપાણી સરકારના એક અધિકારી સલાહકાર કે કૈલાશ નાથન દ્વારા થઈ હતી. મેં તે લેવાનો ઈન્કાર કર્યો હતો અને ભાજપ સામે લડી લેવા માટે નક્કી કર્યું હતું. ભાજપ આંદોલન પડતું મૂકવા અને પક્ષમાં આવી જવા આટલી મોટી રકમ આપવા તૈયાર થયો હતો. પણ હું ઝૂક્યો નહીં તેના પરિણામ હવે ભાજપે ભોગવવા પડશે. હું ગુજરાતમાં લોકસભાની તમામ બેઠક પર ભાજપ સામે પ્રચાર તો કરીશ જ પણ હવે 5 રાજ્યોમાં જઈને ત્યાં ભાજપના તુંડમિજાજી અને ભ્રષ્ટ નેતાઓ સામે પ્રયાર કરવાનો છું.
તેમણે કહ્યું કે, “ભાજપના અનેક નેતાઓ પર અનેક કેસો છે, સજા પણ થયેલી છે, તેઓ ચૂંટણી લડી રહ્યાં છે. પંરતુ કાયદો ફક્ત અમને જ લાગુ પડે છે. કારણ કે ભાજપ હાર ભાળી ગયો છે. ડરીશું નહીં. સત્ય, અહિંસા અને ઇમાનદારીથી સામાન્ય લોકોનો અવાજ ઉઠાવતાં રહીશું. જનતાની સેવક કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. હવે બસ આ એક ધ્યેય છે. કોંગ્રેસ માટે આખા દેશમાં પ્રચાર કરીશ. મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે. સરકારની લડાઈમાં તમામ સમાજના લોકોએ મને સહકાર આપ્યો છે. મેં તેમનો અવાજ બનાવની કોશિષ કરી છે. હવે પ્રજાનો અવાજ માત્ર ગુજરાત જ નહીં પણ દેશમાં સંભળાશે.”