હેલ્મેટ વીના પકડાયો તો પતાવટ કરી દીધીઃ મયુર ચૌહાણ

અમદાવાદ, તા.24

અમદાવાદમાં વાહન ચલાવો અને ટ્રાફિકની સમસ્યા ન નડે એવું તો બને જ નહિ. એક વખત હેલ્મેટ વગર જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પકડ્યો. બહુ રકઝક બાદ મેમો ફાડવા ન દીધો અને પતાવટ કરીને છૂટી ગયો, આ શબ્દો છે ગુજરાતી ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણના. મયુરનું કહેવું છે કે દંડ ટાળવા મેં અપનાવેલો રસ્તો જે તે સમયે ભલે મને સારો લાગ્યો હોય પરંતું હવે મને એ યોગ્ય નથી લાગતો. સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે લદાયેલા ભારે દંડ યોગ્ય છે. નવા જંગી દંડને લીધે ભ્રષ્ટાચાર વધશે કે કેમ એ અંગે મયુરે કહ્યું એવી શક્યતા ઓછી લાગે છે કેમકે દંડના ડરે લોકો હવે નિયમોનું પાલન કરતા થશે. મયુરે કરસનદાસ પે એન્ડ યુઝ સફળ ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે.

શિક્ષિકા હોવાની સાથો સાથે અભિયનય ક્ષેત્રે ઝંપલાવનારી રિધ્ધિ યાદવને નારણપુરાથી જસીસ બંગલા તેના ડાન્સિંગ ક્લાસમાં જવાનું આવે એટલે ડર લાગે છે કેમકે ત્યારે ભારે ટ્રાફિક હોય છે. રિધ્ધિ કહે છે એક વખત હું પણ હેલ્મેટ વગર ટ્રાફિક પોલીસના હાથે ઝડપાઈ હતી. જોકે, મેં તરત જ મેમાની રકમ ચૂકવીને છૂટકારો મેળવ્યો હતો. પહેલાં હું હેલ્મેટ પહેરવાનું ટાળતી હતી પણ હવે હેલ્મેટ વગર બહાર નીકળતી નથી. ભારે દંડ ભરવો એના કરતા નિયમનું ચુસ્ત પાલન કરવું વધુ સારું છે. રિધ્ધિ કબૂલે છે કે નેશનલ એવોર્ડ વિજેતા હેલ્લારોની સફળતા બાદ તેને ગુજરાતી ફિલ્મો માટે તો ઘણી ઓફર્સ મળે છે એટલું જ નહિ બોલિવૂડમાંથી પણ અભિનય માટેની કેટલિક ઓફર્સ આવી રહી છે.

મયુર અને રિધ્ધિ ગુજરાતી ફિલ્મ થપ્પોમાં સાથે ચમકવાના છે. જે ફિલ્મના નિર્માતા પ્રતિક શાહ છે જ્યારે નિર્દેશક ધીરેન ગજ્જર છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.