પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે. જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં જોવા મળે છે. જેથી તે વિસ્તારોમાંથી તેના પશુઓ મેળવી શકાય ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપતી નોંધાયેલ છે જ્યારે કાંકરેજ ગાયો ૨૭૫ થી ૩૧૫ દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર દૂધ આપે છે. પશુઓમાં ભેંસોની જાફરાબાદી, સુરતી અને મહેસાણી ઓલાદો સારી છે. જાફરાબાદી ભેંસો એક વેતરમાં ૩૨૦ થી ૩૫૦ વેતરના દિવસોમાં સરેરાશ ૨૦૦૦ થી ૨૧૦૦ લિટર, સુરતી ભેંસો ૩૦૦ દુઝણા દિવસોમાં સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર અને મહેસાણી ભેંસો ૩૧૦ દુઝણા દિવસોમાં ૧૭૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપે છે.આ ઉપરાંત બન્ની ભેંસો પણ દૈનિક ૧૨-૧૫ લિટર જેટલું સારૂ દૂધ ઉત્પાદન આપે છે. સંકર ગાયો ખાસ કરીને હોલ્સ્ટેઈન સંકર ગાયો કે જે સરેરાશ ૩૧૦ દૂઝણા દિવસોમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર જેટલું દૂધ આપી શકે છે તે પણ સારી ગણાય. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને સારી માવજત અને પૂરતો લીલો સૂકો ઘાસચારો, સૂમિશ્રિત દાણ, મિનરલ મિક્ષ્ચર, આરામદાયક રહેઠાણ અને રોગપ્રતિકારક રસીઓ મૂકાવવી જરૂરી છે.
ગુજરાતી
English



