હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?

ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે રાજકોટ કબા ગાંધીના ડેલામાં મોકલી આપવામાં આવી હતી. તો પછી રેંટિયો ક્યાંથી આવ્યો તેનો જવાબ કોઈની પાસે નથી. 1974માં પણ નથી અને 2018માં પણ તેનો જવાબ નથી. તો શું અસલી રેંટિયો વિદેશ પગ કરી ગયો છે કે પછી નકલી મૂકી દેવાયો છે ?

6 જૂન 1974માં યુદ્ધમાં આપવામાં આવેલાં ચંદ્રકો ચોરાયા તેની તપાસના ત્રણ મહિના બાદ ઓગષ્ટમાં આશ્રમના સંચાલક ડાહ્યાભાઈએ જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગાંધીજીએ દાંડી કૂચ પછી આશ્રમ છોડ્યો હતો. ત્યાર બાદ તેમના અવસાન બાદ 1950માં સાબરમતી આશ્રમને ફરીથી શરૂ કરાયો ત્યારે ગાંધીજીના વખતની મૂળ વસ્તુઓ ખાસ ન હતી. ડાહ્યાભાઈ નાયક અને પ્રભુદાસ પટવારીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, ગાંધીજીની બધી અસલી ચીજો, વિક્યોરીયા ક્રોસ બિલ્લા સહિતની દિલ્હી સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ વસ્તુના નમૂના અહીં મૂકેલા હતા, જેની ચોરી થઈ છે.

તેમણે જાહેર કર્યું પણ અસલી વસ્તુ કઈ તે જાહેર કર્યું ન હતું. દિલ્હી ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલયમાં કેટલી વસ્તુઓ મોકલવામાં આવી હતી તે અંગે કોઈ જાહેરાત કરાઈ ન હતી. આ લેખકે પાંચ વર્ષ રહેલાં સાબરમતી આશ્રમ પાસે ગાંધીજીની કઈ અસલી વસ્તુઓ છે તેની યાદી સંચાલક અને ડાયરેક્ટર અમૃત મોદી પાસે માંગી હતી ત્યારે તેમણે એ જ કહ્યું હતું કે આશ્રમ દ્વારા તે સમયે નેશનલ મ્યુઝિયમને અસલી વસ્તુઓ મોકલાવી દેવામાં આવી હતી. અહીં કોઈ અસલી વસ્તુ નથી. જે છે તે સલામતીના કારણોસર જાહેર કરી શકાય તેમ નથી.

આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ગાંધી આશ્રમમાં મૂકવામાં જાહેરમાં આવેલી વસ્તુઓ અસલી નથી. નકલી નમૂના છે.

30 જાન્યુઆરી, 1948 ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમની મૃત્યુના થોડા સમય બાદ, સંગ્રાહકોએ ગાંધીજી વિશેના મહત્વ માટે ભારતની શોધ કરવાનું શરૂ કર્યું હતું. વાસ્તવમાં, અંગત વસ્તુઓ, અખબારો અને ગાંધી સાથે સંબંધિત પુસ્તકો મુંબઇ લઈ જવામાં આવી હતી. 1951 માં, વસ્તુઓ નવી દિલ્હીમાં કોટા હાઉસ નજીક ઇમારતમાં ખસેડવામાં આવી હતી. સંગ્રહાલય 1957 માં ફરી એક મહેલ પર ખસેડ્યું. 1959 માં, નવી દિલ્હી ખાતે ગાંધી મ્યૂઝિયમ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘટ પાસે ખલેડવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની હત્યાની 13 મી તિથિ પર, 1961 માં સત્તાવાર રીતે સંગ્રહાલય ખોલવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ઔપચારિક રીતે નવું સ્થાન ખુલ્લું મૂક્યું હતું.

નેશનલ ગાંધી મ્યુઝિયમ ગેલેરીમાં મહાત્મા ગાંધીની મોટી સંખ્યામાં ચિત્રો અને અંગત વસ્તુઓ છે. સંગ્રહની સૌથી નોંધપાત્ર વસ્તુઓ એ વિલમિયા મુલર ઑગટીદપ દ્વારા સત્યાગ્રહ વુડકટ છે, ગાંધીની ચાલવાની લાકડી  પૈકીની એક, ગાંધીની હત્યા સમયે ઓઢેલા શાલ-ફાળીયુ અને ધોતી,  જ્યારે ગાંધીની હત્યા કરવામાં આવી હતી ત્યારે વાગેલી ગોળીઓમાંની એક ગોળી હતી.  સંગ્રહાલયમાં ગાંધીના દાંત અને તેના હાથીદાંતના ટૂથપીંકનો પણ સમાવેશ થાય છે.

10 જાન્યુઆરી 1978માં સાબરમતી આશ્રમની મુલાકાત માટે ગ્રેટબ્રિટનના વડાપ્રધાન કલ્હન આવ્યા હતા. ત્યારે મહાત્મા ગાંધીજી જે ચરખા પર સુતર કાંતતા હતા તે ચરખાને જોઈને તેઓ પ્રભાવિત થયા હતા એવા સમાચારો તે દિવસોના અખબારોમાં છપાયા હતા. તેમણે ગાંધીજીનો કહેવાતો અસલી ચરખો ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. અગાઉ આશ્રમે જાહેર કર્યું હતું કે કોઈ અસલી કહેવાય તેવી કોઈ ખાસ વસ્તુ આશ્રમ પાસે નથી. જે વલણ 2018 સુધી ચાલુ છે, તો હાલ તે ચરખો છે તે અસલી છે કે કેમ તે જાહેર કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. ગાંધીજીના નામે બનાવટ કરવાનું હવે બંધ કરી દેવું જોઈએ.

1974થી 2018 સુધી એજ રેંટિયો હ્રદય કૂંજમાં રાખવામાં આવેલો છે જે હજુ સુધી બદલાયો નથી. આજે હ્રદય કૂંજની મુલાકાતે જે કોઈ આવે છે તેને અસલી રેંટિયો અને અસલી લાડકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યા એવી કોઈ નોંધ મૂકી નથી કે આ પ્રતિકૃતિ છે.

આશ્રમના માળી રામ આશરેએ રેંટિયો, લાકડી અને ચપ્પલનો ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ નકલી વસ્તુ છે.

ગાંધીજીની પવિત્ર વસ્તુઓ મૂકીને ભારતની પ્રજાને અસત્ય પિરસવામાં આવી રહ્યું છે.

કેટલીયે અસલી વસ્તુ વિદેશ પગ કરી ગઈ છે. દાણચોરીમાં ગયેલી આ વસ્તુઓમાં એક રેંટિયો પણ હોવાનું માનવામાં આવે છે, જે ગાંધીજી અહીં સાબરમતી આશ્રમમાં ચલાવતાં હતા.

ગાંધીજી રેંટિયો વિશે શું માનતાં હતા ?

રેંટિયા અંગે ગાંધીજીએ જે કહ્યું તે મેના જ શબ્દોમાં અહીં મૂક્યું છે.

સન 1908 સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયા હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંદુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન 1915માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધા અણજાણ, એટલે સાળ મેળવ્યે સાળ ચાલે તેમ નહોતું. અમે બધા કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા. એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.

અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતાં. તેથી મિલના કપડાં પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું. હિંદુસ્તાનના વણકરોનાં જીવનની, તેમની પેદાશની, તેમને સૂતર મળવામાં પડતી મુશ્કેલીની, તેમાં તેઓ કેમ છેતરાતા હતા તેની, ને છેવટે તેઓ દિવસે દિવસે કેમ કરજદાર થતા હતા તેની ખબર પડી. અમે પોતે તુરત અમારું બધું કાપડ વણી શકીએ એવી સ્થિતિ તો નહોતી જ, તેથી બહારના વણકરોની પાસે અમારે જોઈતું કપડું વણાવી લેવાનું હતું. કેમ કે દેશી મિલના સૂતરનું હાથે વણાયેલું કપડું વણકરો પાસેથી ઝટ મળે તેમ નહોતું. વણકરો સારું કપડું બધું વિલાયતી સૂતરનું જ વણતા હતા. કેમ કે આપણી મિલો ઝીણું સૂતર નહોતી કાંતતી. આજ પણ પ્રમાણમાં ઝીણું સૂતર ને ઓછું જ કાંતે છે, બહુ ઝીણું તો કાંતી જ શકતી નથી. મહા પ્રયત્ને કેટલાક વણકરો હાથ આવ્યા, જેમણે દેશી સૂતરનું કાપડ વણી આપવાની મહેરબાની કરી. આ વણકરોને દેશી સૂતરનું વણેલું કાપડ ખરીદી લેવાની આશ્રમ તરફથી ખોળાધરી આપવી પડી હતી. આમ ખાસ તૈયાર કરાવેલું કાપડ વણાવી અમે પહેર્યું ને મિત્રોમાં તેનો પ્રચાર કર્યો. અમે તો કાંતનારી મિલોના બિનપગાર એજંટ બન્યા. મિલોના પરિચયમાં આવતાં તેમના વહીવટની, તેમની લાચારીની માહિતી મળી. અમે જોયું કે; મિલોનું ધ્યેય પોતે કાંતીને પોતે વણવાનું હતું. તેઓ હાથસાળની ઇચ્છાપૂર્વક મદદગાર નહોતી, પણ અનિચ્છાએ હતી.

આ બધું જોઈને અમે હાથે કાંતવા અધીરા થયા. હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું.

પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર. કોકડાં વગેરે ભરવાના રેંટિયા તો અમારી પાસે હતા, પણ તેમની ઉપર કાંતી શકાય એવું તો ભાન જ નહોતું. એક વેળા એક બાઈને કાળિદાસ વકીલ શોધી લાવ્યા. તે કાંતી બતાવશે એમ તેમણે કહ્યું. તેની પાસે એક આશ્રમવાસી, જે નવાં કામો શીખી લેવામાં બહુ પ્રવીણ હતા, તેમને મોકલ્યા; પણ કસબ હાથ ન લાગ્યો.

વખત તો વહેવા લાગ્યો. હું અધીરો બન્યો હતો. ખબર આપી શકે એવા જે આશ્રમમાં ચડી આવે તેમને હું પૂછું. પણ કાંતવાનો ઇજારો તો સ્ત્રીનો જ હતો. એટલે ખૂણેખાંચરે કાંતવાનું જાણનારી સ્ત્રી તો સ્ત્રીને જ મળે.

ભરૂચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન 1917ની સાલમાં ઘસડી ગયા હતા. ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તેમનું ભણતર બહુ નહોતું, પણ તેમનામાં હિંમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતા વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૃશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી. શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્દલ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.

રેંટિયો મળ્યો

ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો ને તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતા. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ભૂંગળા ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં, તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરમાં શો દોષ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢયો. તેને દર માસે રૂ. ૩૫ના કે એથી મોટા પગારથી રોક્યો. પૂણી બનાવતાં બાળકોને શીખવ્યું. મેં રૂની ભિક્ષા માગી. ભાઈ યશવંતપ્રસાદ દેસાઈએ રૂની ગાંસડીઓ પૂરી પાડવાનું માથે લીધું. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું સૂતર વણાવવાનું શરૂ કર્યું. વિજાપુરની ખાદી પંકાઈ.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડયું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા ને તેમણે હોંશે આપ્યા.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછયા કરતો. ત્યાં બે કાંતનારી બહેનો હાથ લાગી. તેમને એક શેર સૂતરનો એક રૂપિયો આપ્યો. હું ખાદીશાસ્ત્રમાં હજુ આંધળોભીંત જેવો હતો. મારે તો હાથે કાંતેલું સૂતર જોઈતું હતું, કાંતનારી જોઈતી હતી. ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શ્રી શંકરલાલ બýકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સોજામાંદો કરવામાં ક્યાં ઓછો છે? રેંટિયાને મેં પણ હાથ લગાડયો. આનાથી આગળ આ વેળા હું નહોતો જઈ શક્યો.

અહીં હાથની પૂણીઓ ક્યાંથી લાવવી? શ્રી રેવાશંકર ઝવેરીના બંગલાની પાસેથી રોજ તાંતનો અવાજ કરતો પીંજારો પસાર થતો. તેને મેં બોલાવ્યો. તે ગાદલાનું રૂ પીંજતો. તેણે પૂણીઓ તૈયાર કરી આપવાનું કબૂલ કર્યું. ભાવ આકરો માગ્યો તે મેં આપ્યો. આમ તૈયાર થયેલું સૂતર મેં વૈષ્ણવોને પવિત્રાં કરવા સારુ દામ લઈ વેચ્યું. ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢયો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું. દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને 30 ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો 45 ઇંચ પનાનું ખરીદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડયો ને મારું દારિદ્ય ફિટાડયું.

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વલાણી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાંઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.

ગાંધીજીએ રેંટિયા અંગે કહેલી વાત અહીં પુરી થાય છે.

આશ્રમના સંચાલકોએ ગાંધીજીના રેંટિયાનો હાલ રેંટિયો હ્રદયકુંજમાં મૂકેલો છે તે સાચો છે કે નકલી તેની ચકાસણી કરી લેવી જોઈએ. ફોરેન્સીક સાંયંસ લેબોરેટરી, પીઆઈરએલમાં ડેટીંગ કરાવવું જોઈએ. રેંટિયાના નિષ્ણાંતો પાસે તેની ચકાસણી કરાવવી જોઈએ. એન્ટિક વસ્તુનું મુલ્યાંકન કરતાં નિષ્ણાંતોને બોલાવીને રેંટિયા અંગે ઊભી થઈ રહેલી શંકાઓ દૂર કરવા ગાંધી આશ્રમ બોલાવવા જોઈએ.

ગાંધીજીના આશ્રમમાં રાખવામાં આવતાં ખાદીના કોટને માટે જો આધુનિક સાધનો વાપરીને સાચવવા માટે કામ થતું હોય તો રેંટિયા માટે પણ સાબરમતી આશ્રમને ખરાઈ કરાવી જોઈએ.