૧૧ સેવાવ્રતિઓને ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા 

છેલ્લા ૬ વર્ષથી સમાજ માટે સારું કામ કરનારા વ્યક્તિઓને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને રોકડ ઇનામ આપીને તેમનાં કામને નવાઝવામાં આવે છે.

આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટે સમગ્ર ગુજરાતનાં ખૂણે ખૂણે માનવસેવાનાં કાર્ય કરતાં રિયલ હીરોને શોધ્યા. તેમનાં કામથી લોકો પ્રેરણા મેળવે તે ભાવાર્થે સમગ્ર ગુજરાતનાં હજારોનાં લિસ્ટમાંથી ૧૧ જણાંને નોમિનેટ કરવામાં આવ્યા. તેમનાં સેવા કાર્ય વિશે જાણીને તેમને પારખવામાં આવ્યા. સિનિયર જજ સાથેની એક પેનલે આ ૧૧ તારલાંઓને સિલેક્ટ કર્યાં છે. આ રિયલ હીરોને એવોર્ડ તથા ૧૧, ૦૦૦નાં રોકડ રકમ સાથે દરેકને સન્માન આપવામાં આવ્યું છે. સન્માનિત રિયલ હીરો જે વિવિધ ક્ષેત્રમાં પોતાનો સમય, બળ અને બુદ્ધિને ઇન્વેસ્ટ કરીને સમાજ અને દેશને આગળ લાવવામાં મદદ કરી રહ્યાં છે. જેમણે અનેક વિપરિત પરિસ્થિતિનો સામનો કરીને પણ પોતાના આ માનવસેવામાં અડીખમ ઇરાદાને વળગ્યાં રહ્યાં તેમનાં નામ આ પ્રમાણે છે.

ધરતીરત્ન એવોર્ડ મેળવનાર ભદ્રાબેન સવાઈ અને રસિકલાલ રાવલે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

ધરતીરત્ન એવોર્ડ વિતરણ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ વિદ્યૃત જોષી, રિટાયર્ડ જસ્ટિસ જે.સી. ઉપાધ્યાય, કિરણભાઈ સી. પટેલ, કનુભાઈ પટેલ, પી. એસ. પટેલ સહિતના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આશીર્વાદ ફાઉન્ડેશનના ચેરમેન આર.એસ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, એજ્યુકેશન ટ્રસ્ટ ૪૨ વર્ષની સેવા બાદ ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્ય કરી રહ્યું છે, તે બીજમાંથી વટવૃક્ષ સુધીની સફર છે.

ધરતીરત્ન એવોર્ડ મેળવનાર સેવાવ્રતિઓ

૧. સુભાષ આપ્ટે – મંદબુદ્ધિના બાળકોની સેવા

નવસર્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી

૨. રસિકભાઈ રાવલ – સ્મશાન ઘાટ ઉભા કર્યા

સ્મશાનભઠ્ઠી સિવાય અગ્નિદાહ કરવામાં આવે તો 300 કિલો લાકડું વપરાય છે. સ્મશાન ભઠ્ઠીમાં મુકાયા બાદ અગ્નિદાહ આપવામાં આવે તો 160 કિલો લાકડું જ વપરાય છે. સ્મશાનભઠ્ઠીને કારણે લાકડાની બચત થાય છે જે પર્યાવરણ બચાવવા માટેનું નાનું પરંતુ મહત્વનું કાર્ય કહી શકાય તેમ છે. સંસ્થાના પ્રમુખ રસિકભાઈ રાવલ છે. 10,000થી ઓછી વસ્તી વાળા વિગમગામ આસપાસ 100 ગામોમાં આ પ્રકારની ભઠ્ઠી શાંતિઘાટ ઊભા કરવામાં આવી છે.

૩. સુધીર મોદી – રોગી, દુ:ખીઓની સેવા
૪. આશાબેન પટેલ – જરૂરિયાતમંદ લોકોને કાનુની સેવા સલાહ
૫. નિલેષ પંચાલ – મંદબુદ્ધિના બાળકોની સેવા

નિલેષ પંચાલ મેમનગર ગામમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રિન્સિપાલ છે, જીવનડે-કેર સંસ્થામાં મેનેજીંગ ટ્રસ્ટી છે,  નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિ કૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી- મંદબુદ્ધિ બાળકોની શાળા છે.

૬. લાલજી પ્રજાપતિ – પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગોની સેવા

કચ્છની નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યાવિહાર મહામંત્રી લાલજીભાઇ પ્રજાપતિ છે.

૭. કેશવભાઈ ગોર – સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર
૮. દેવેન્દ્ર લક્ષ્મીશંકર ત્રિવેદી – ફૂટપાથ પરના દુ:ખીઓની સેવા
૯. ભદ્રાબેન સવાઈ – દુ:ષ્કાળ, આફતમાં સેવા
૧૦. રમિલાબેન ગાંધી – ગરીબ બાળકો માટે નિ:શુલ્ક છાત્રાલય
૧૧. પ્રિયવદન શાહ – ચક્ષુદાન, દેહદાન માટે લોકોને સમજાવવા-પ્રેરણા આપવી

૧૧ સેવાવ્રતિઓને ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત કરતી વખથે જાણીતા લેખક ડૉ.કુમારપાળ દેસાઈએ કહ્યું કે, આશીર્વાદ ફાઉન્ડેશનની પ્રવૃત્તિનો વિસ્તાર થયો છે, તેની સાથે સમાજની સેવા કરનાર સેવાભાવીઓનું સન્માન થાય તે રૂડો અવસર છે. પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં સેવા માટે લંબાયેલ બે હાથ વધુ મહત્વના છે તે આ સેવાકર્મીઓએ સિદ્ધ કર્યું છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સન્માન કરતાં કહ્યું કે, યોગ્ય કામ, યોગ્ય વ્યક્તિ દ્વારા, યોગ્ય વ્યવસ્થા દ્વારા થાય તો પૈસાના અભાવને કારણે કોઈ કાર્ય અટકતું નથી. બીજાનું દુ:ખ જોઈને જેના હ્રદયમાં કરુણા જન્મે છે તેમાંથી સેવાભાવ
પ્રગટ થતો હોય છે. દયા, અનુકંપા, પ્રેમના ગુણોથી આજે એવોર્ડ મેળવનારા લોકોએ કાર્ય કર્યું છે તે અભિનંદનને પાત્ર છે.