વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં પણ જુદી જુદી ઘટનાઓ રહી છે જેના લીધે ભારે ચર્ચા જોવા મળી હતી. અનેક વિદેશી નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા હતા જે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા જેમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગોંડલમાં મગફળી ગોડાઉનમાં આગ, રસ્તાઓની ખરાબ હાલત, કચ્છમાં હિંસક સંઘર્ષમાં છ લોકોની હત્યા, મનપાના નવા વડાની નિમણૂંક, ઇઝરાયેલના પ્રવાસે મુખ્યમંત્રી રૂપાણી સહિતની ઘટનાઓ બની હતી. ઉપરાંત ગુજરાત ભાજપના ઉપાધ્યાક્ષ ભાનુશાલીના રાજીનામા, ૪૫૩માંથી ૧૭૧ લોકોને ધર્મ પરિવર્તનની મંજુરી, સચિવાલયમાં વાઘ ઘુસી જવાની ઘટના, જાનૈયાઓને લઇને જતી ટ્રક ખીણમાં ખાબકી જવાની ઘટનામાં ૩૦ લોકોના મોત સહિતના મામલા આ વખતે બન્યા હતા. આ તમામ ઘટનાઓ એવી રહી હતી જે ૨૦૧૮માં યાદ રહી જાય તેવી રહી છે. ગુજરાતમાં ૨૦૧૮ની રોચક, દિલધડક, હૃદયદ્રાવક, સંતોષ આપનારી ઘટનાઓ નીચે મુજબ છે.
જાનૈયાઓની બસ ખીણમાં પડતા ૩૦ના મોત
રાજકોટ-ભાવનગર રાજમાર્ગ ઉપર રંધોળા ગામ નજીક રંધોલી નદી પર સ્થિત પુલથી જાનૈયાઓની ટ્રક ઉંડી ખીણમાં ખાબકી જતાં ઓછામાં ઓછા ૩૦ જાનૈયાઓના મોત થઇ ગયા હતા અને અન્ય ૨૯ લોકો ઘાયલ થઇ ગયા હતા. ૬૦ ફુટ ઉંડા ખાડામાં આ બસ ખાબકી ગઇ હતી. ટ્રકની નીચે દટાઈ જવાના લીધે ૩૦ જાનૈયાઓના મોત થઇ ગયા હતા અને ૨૯ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં વરના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો હતા. આ દુર્ઘટના એટલી કમકમાટીભરી હતી કે, ૨૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ચાર લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને મૃતકોના પરિવારના સભ્યોને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામના નિવાસી પ્રવિણ વાઘેલા-કોળીના પુત્રના લગ્નમાં આ જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના થઇ હતી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં બનેલા માર્ગ અકસ્માત પૈકીના સૌથી મોટા અકસ્માત પૈકીના એક તરીકે આ હતો. આના કારણે ગુજરાતભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.
યુવકને ચોર સમજીને માર મારીને હત્યા
શહેરના બાકરોલ સર્કલ નજીક હોટલ વે વેઇટના પાર્કિંગમાં એક યુવકને લોકોએ તેને ચોર સમજીને નિર્દયરીતે માર મારતા તેનું મોત થયું હતું. મૃતક સાઉભાઈ સિંધીના કાકાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ઝડપાઇ ગયેલા લોકો પૈકી મોટાભાગના હોટલ કર્મચારીઓ હતા જેમની સામે હજુ તપાસ ચાલી રહી છે. ચોર સમજીને મારી નાંખવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી.
માર મારીને મહિલાની હત્યા
શહેરના વાડજ વિસ્તારમાં અફવાઓના પરિણામ સ્વરુપે ભીડે માર મારીને એક મહિલાની ઘાતકી હત્યા કરી દીધી હતી. ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ એક પછી એક બની હતી. ટૂંકા ગાળાની અંદર જ સોશિયલ મિડિયા ઉપર વાઇરલ થયેલા બાળકોને ઉઠાવી લેવાની ટોળકીના મેસેજના લીધે આ બનાવ બન્યો હતો. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં ૪૦થી વધુ લોકોની ટોળકીએ શાંતિ દેવી મારવાડીને માર મારીને તેની હત્યા કરી દીધી હતી. મહિલાની હત્યા બાદ આ સંદર્ભમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ ૩૦થી ૪૦ મહિલા અને પુરુષોની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉંડી તપાસનો દોર ચાલ્યો હતો. આ સંદર્ભમાં હજુ પણ તપાસનો સિલસિલો ચાલી રહ્યો છે.
ઇમરજન્સી સેવામાં મોબાઇલ એપ્લિકેશન
ઇમરજન્સી સેવામાં મોબાઇલ એપ્લિકેશનને લઇને પણ ચર્ચા રહી હતી. એવા લોકો જે લોકોને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર હોય છે તેમના માટે એક એક મિનિટ પણ ઉપયોગી હોય છે. આવા લોકોને સમય ઉપર સારવાર મળે તો તેમની લાઇફને બચાવી શકાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કઠવાડા સ્થિત ગુજરાત ૧૦૮ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ઇમરજન્સી સેવા ૧૦૮માં મોબાઇલ એપ્લિકેશન લોંચ કરીને મહત્વની પહેલ કરી હતી. આના મારફતે જરૂરિયાતવાળા લોકોને વધુ સારી સુવિધા મળી રહી છે.
સચિવાલય સંકુલમાં દીપડો ઘુસવાની ઘટના
ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં દીપડો ઘૂસી ગયા બાદ ભારે જહેમત બાદ આખરે તેને પકડી પાડવામાં સફળતા મળી હતી. આની સાથે જ તંત્ર અને લોકોને મોટી રાહત થઇ હતી. કલાકોથી તેને પાંજરામાં પુરવા માટે ઓપરેશન ચાલી રહ્યુ હતુ. આ ઓપરેશન આખરે સફળ સાબિત થયુ હતુ. દીપડાને પાંજરામાં પુરવામાં સફળતા મળી હતી. સચિવાલયમાં તેની લટાર સીસીટીવીમાં કેદ થયા બાદ દહેશત વધી ગઇ હતી. જો કે, સરકારના અધિકારીઓએ સચિવાલયમાં દીપડો નહી હોવાનો બચાવ કરી દીપડાનું લોકેશન રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે હોવાનું જણાવ્યું હતું. દીપડાના પ્રવેશને લઇ આજે ગાંધીનગર સહિત રાજયભરમાં ભારે ઉત્તેજના વચ્ચે ચર્ચાનો માહોલ છવાયો હતો. દીપડાને પકડવા માટે જૂનાગઢ સહિતના વન વિભાગના અધિકારીઓની ટીમને બોલાવાઇ હતી અને દીપડાને પકડવાનું સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવા સચિવાલયમાં આજે દીપડો ઘૂસ્યો હોવાની ચર્ચાએ રાજયના પાટનગર ગાંધીનગર સહિત રાજયભરમાં ભારે ચર્ચા જગાવી હતી. સચિવાલયમાં ઉંડી તપાસ બાદ કલાકો સુધી તે અંદર રહ્યો હતો. દીપડો ઘુસી ગયા બાદ સચિવાલયમાં કલાકો સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.
વડોદરા હરણી પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન
વડોદરામાં હરણી પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન બની ગયું હતું. ૨૮મી ઓગસ્ટના દિવસે ૬૧ પોઇન્ટ સાથે સિલ્વર રેટિંગ મળ્યા હતા. બીજા નંબરમાં જયપુરમાં એક પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઝોન-૨ના અધિકારી રહીને મનિષ સિંહે ઉલ્લેખનીય કામગીરી અદા કરી હતી. હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પાસેથી ગ્રીન બિલ્ડિંગ તૈયાર કરવા માટે માર્ગદર્શિકા મંગાવી હતી. હરણી પોલીસ સ્ટેશનમાં વિજળી સંચાલન માટે સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. બહાર અને અંદર એલઇડી લાઇટ મુકવામાં આવી છે.
ભાનુશાલીનું રાજીનામુ
દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જ્યંતિ ભાનુશાલીએ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે જુલાઈ મહિનામાં રાજીનામુ આપ્યું હતું. આ મામલો મોડેથી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ રેપના મામલામાં તપાસ હાથ ધરાઈ હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટે તેમની સામે રેપના મામલાને ફગાવી દીધો હતો.
સેશેલ્સના પ્રમુખ ગાંધી આશ્રમમાં
સેશેલ્સના પ્રમુખ ડેની ફોરે અમદાવાદની યાત્રાએ આવ્યા હતા. જૂન મહિનામાં ભારત આવ્યા બાદ પ્રવાસની શરૂઆત અમદાવાદ સાથે કરી હતી. બે દિવસ સુધી તેઓ અમદાવાદ રહ્યા હતા. સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં કલાકો સુધી રોકાયા હતા. આઈઆઈએમ અને જીએફએસયુમાં પણ પહોંચ્યા હતા.
વિજય રૂપાણીની ઇઝરાયેલ યાત્રા
ગુજરાતના મુખ્યમંત્ર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ઇઝરાયેલ યાત્રા ઉપર ગયા હતા. પ્રથમ વખત વિદેશ યાત્રા ઉપર ગયેલા રૂપાણીને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. છ દિવસ માટે ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન તેઓ તેલઅવીવમાં રોકાયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ સાથે વાતચીત કરી હતી. આ યાત્રા દરમિયાન રૂપાણીએ જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી મેળવી હતી. સાથે સાથે અનેક કરારો કર્યા હતા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે આ વખતે સંબંધોના ૨૫ વર્ષ પરિપૂર્ણ થઇ ચુક્યા છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચે અનેક કરારો પણ થયા હતા.
કેનેડાના વડાપ્રધાન અમદાવાદમાં
ભારતના સાત દિવસના પ્રવાસ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો ફેબ્રુઆરી મહિનામાં પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. ટુડ્રોએ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારની સાદગીથી મુલાકાત લઇને ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમની સાથે કોઇ કાફલો રાખવામાં આવ્યો ન હતો. ભગવા વસ્ત્રોમાં કેનેડાના વડાપ્રધાન ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. લોકનૃત્યોના કાર્યક્રમો નિહાળ્યા હતા. કલાકારોએ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની પ્રતિકૃતિ તેમની સમક્ષ રજૂ કરી હતી. ટુડ્રો પરિવાર સાથે ગાંધી આશ્રમ ઉપરાંત ગાંધીનગરના અક્ષરધામ મંદિર, આઈઆઈએમમાં ગયા હતા. અક્ષરધામથી તેઓ પ્રભાવિત થયા હતા. ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂ મોદી સાથે દેખાયા
૧૭મી જાન્યુઆરીના દિવસે અમદાવાદમાં વિશ્વના બે મોટા નેતાઓ એક જગ્યાએ એકત્રિત થયા હતા. આ બે મોટા નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ રહ્યા હતા. નેતાન્યાહૂએ મોદીની સાથે મળીને પતંગ પણ ચગાવી હતી. પતંગબાજીની મજા માણી હતી. નેતાન્યાહૂ અને મોદીનો એક સાથે ફોટો કેમેરામાં કેદ થયો હતો અને દુનિયાભરમાં આ બે નેતાઓની પ્રશંસા થઇ હતી. બંનેએ ગાંધી આશ્રમમાં રાજકીય સંબંધોના દાખલા બેસાડ્યા હતા. ગાંધી આશ્રમમાં સાબરમતી નદી કિનારે વાતચીત કરી હતી. પ્રોટોકોલ તોડીને મોદીએ નેતાન્યાહૂનું નેતૃત્વ કર્યું હતું અને વિમાની મથકે જઇને તેમનું સ્વાગત કર્યું હતું. ભારત અને ઇઝરાયેલ વચ્ચે આ યાત્રા દરમિયાન શ્રેણીબદ્ધ હસ્તાક્ષર પણ વિવિધ સમજૂતિ ઉપર થયા હતા. વિમાની મથક ઉપર નેતાન્યાહૂ દંપત્તિનું સ્વાગત કરવા માટે જુદા જુદા ક્ષેત્રોના કલાકારો પણ પહોંચ્યા હતા. આઠ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન મોદી ગાઇડ તરીકે નેતાન્યાહૂ દંપત્તિને જુદી જુદી માહિતી પુરી પાડી હતી.
ગોંડલ મગફળી ગોડાઉનમાં આગ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ઉમવાડા ચોકડી નજીક રામરાજ્ય જિનિંગ મિલના ગોડાઉનમાં મુકવામાં આવેલા મગફળીના જથ્થામાં વિનાશક આગ ફાટી નિકળી હતી. આના કારણે જંગી જથ્થો મગફળીનો નાશ પામ્યો હતો. ગોડાઉનમાં મુકવામાં આવેલા મગફળીના જથ્થાને નુકસાન થતાં આને લઇને આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. ૨૪ કલાકથી પણ વધુ સમય ગાળા બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. ૫૦૦થી પણ વધુ અગ્નિશામક દળના કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. આગના કારણે ૩૬ કરોડ રૂપિયાથી વધુની મગફળીનો જથ્થો નાશ પામ્યો હતો. અંદાજ મુજબ ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં જાણી જોઇને આગ લગાવવામાં આવી હતી. આના મામલે કોંગ્રેસ અને ભાજપમાં આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.
કચ્છમાં બે જૂથ વચ્ચે અથડામણમાં છ મોત
કચ્છમાં હિંસક સંઘર્ષ દરમિયાન છ લોકોના મોત થઇ ગયા હતા. છસરહા ગામની મહિલા સરપંચના ગ્રુપના લોકો તરફથી ચાવડા ગ્રુપના યુવકો ઉપર જીપ ચઢાવી દેવામાં આવ્યા બાદ પારસ્પરિક રક્તપાતનો દોર શરૂ થયો હતો. લોહીયાળ સંઘર્ષમાં છ લોકોના મોત થઇ ગયા હતા. મહિલા સરપંચના પતિ આરબ બોલિયા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તે ગંભીરરીતે ઘાયલ થયો હતો. આ બનાવ બન્યા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ૧૯ લોકોની સામે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાર મૃતકોને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મુસ્લિમોનું પણ આમા મોત થયું હતું. આને લઇને ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
અમદાવાદના નવા મેયર તરીકે નેહરા
અમદાવાદને નવા મનપા કમિશનર મળી ગયા હતા. જુલાઈ મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાને વિજય નેહરાના રુપમાં નવા કલેક્ટર મળી ગયા હતા. મૂળરીતે રાજસ્થાનના વિજય નેહરા પહેલા વડોદરામાં કલેક્ટર તરીકે હતા. ત્યારબાદ અમદાવાદમાં તેમની બદલી કરવામાં આવી હતી. નેહરાએ આ હોદ્દા ઉપર રહેલા મુકેશકુમારની જગ્યા લીધી હતી.
અમદાવાદમાં રસ્તાઓની ખરાબ હાલત
અમદાવાદમાં રસ્તાઓની ખરાબ હાલતને લઇને ભારે ચર્ચા રહી હતી. અમદાવાદ શહેરના ખરાબ રસ્તાઓ, અનિયંત્રિત ટ્રાફિક અને અન્ય કારણોસર ભારે ટિકાટિપ્પણી થતી રહી હતી. રસ્તાઓ ઉપર પશુઓ અને અન્ય તકલીફોને લઇને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુદા જુદા આદેશો આ ગાળા દરમિયાન જારી કરવામાં આવ્યા હતા. કઠોર વલણ અપનાવામાં આવ્યા બાદ ટ્રાફિકમાં સુધારની કામગીરી જોવા મળી હતી જેને લીધે પાર્કિંગને લઇને પણ આક્રમક કાર્યવાહી હાથ ધરાઈ હતી. વધુ સારા કામને લઇને હાઈકોર્ટે શહેર પોલીસ કમિશનર એકે સિંહ અને નવા કલેક્ટર વિજય નેહરાની પ્રશંસા પણ કરી હતી.
સોહરાબુદ્દીન કેસમાં છુટતા વણઝારા સંતુષ્ટ
સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં મુંબઇની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એ સમયના ગુજરાતના ડીઆઈજી વણઝારા સહિત કથિત ૨૨ આરોપીઓને રાહત આપી તેમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જેને પગલે ગુજરાતના પોલીસ આલમમાં ભારે ખુશી અને હર્ષની લાગણી છવાઇ ગઇ હતી. કારણ કે, એન્કાઉન્ટર કેસમાં ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ જેલમાં ધકેલાતા પોલીસના નૈતિક મનોબળ પર માઠી અસર પડી હતી પરંતુ આજના ચુકાદા બાદ ફરી એકવાર ગુજરાત પોલીસનું નૈતિક મનોબળ નિશંકપણે ઉંચુ આવ્યું હશે તે નક્કી છે. એન્કાઉન્ટર કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાતાં પૂર્વ ડીઆઇડી ડી.જી.વણઝારાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે એ વખતે કરેલા એન્કાઉન્ટર સાચા જ હતા, હું પહેલેથી જ કહેતો આવ્યો છું.
જસદણ પેટાચૂંટણીમાં ભાજપની જીત
ગુજરાતમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ ૨૩મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી. ભાજપના કુંવરજી બાવળિયાએ જીત મેળવી ભાજપની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. આ જીતની સાથે જ ભાજપની વિધાનસભાની સીટોની સંખ્યા વધીને ૧૦૦ ઉપર પહોંચી ગઈ હતી. ભાજપના કુંવરજી બાવળિયાને ૯૦૨૬૨ મત મળ્યા હતા આની સાથે જ બાવળિયાએ ૧૯૯૭૯ મતે ભવ્ય જીત મેળવી હતી. અવસર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા. અન્ય પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. છ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી હતી. આ પ્રતિષ્ઠિત જંગના પરિણામ પર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું હતું. બાવળિયા ઉપર કમળ ખિલતા ભાજપના કાર્યકરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ અવસર નાકિયાની હાર સાથે કોંગ્રેસે એક અવસર ગુમાવી દીધો હતો. ગુજરાતના રાજકારણમાં પ્રતિષ્ઠાભર્યા અને ઇજ્જતના સવાલ સમા જંગમાં ભાજપે ફરી એકવાર તેનો દબદબો પ્રસ્થાપિત કર્યો હતો અને ભાજપના કુંવરજી બાવળિયાએ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને આંચકાજનક હાર આપી હતી. ચૂંટણી પંચ દ્વારા જસદણ પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે.
એલઆરડી પેપર લીકથી ચકચાર
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ કર્યા બાદ રાજયભરના પોણા નવ લાખ જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો રઝળી પડયા હતા અને ભયંકર હાલાકી અને હતાશાનો ભોગ બન્યા હતા. આ સમગ્ર કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા હતા. બીજીબાજુ, પોલીસે આ ખૂબજ ચકચારભર્યા પ્રકરણમાં એક મહિલા સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં ભાજપના બે અગ્રણી મનહર પટેલ અને મુકેશ ચૌધરીની સંડોવણી સામે આવતાં ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા. તો, આ કૌભાંડમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની મહિલા રેકટર રૂપલ શર્માનું નામ ખુલતાં પોલીસે આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ કર્યા હતા. આ પ્રકરણમાં સંડોવણી બહાર આવતાં પીએસઆઇ પી.વી.પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. બીજીબાજુ, ભાજપ દ્વારા બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દીધા હતા.