૧૫ નવેમ્બર-૨૦૧૮થી ૩જી જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં રાજ્યભરમાં ૧,૧૯,૨૭૯ ખેડૂતો પાસેથી રૂ.૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તા. ૩જી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૫,૦૮૯ ખેડૂતોને રૂા.૮૫૫.૦૬/- કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટરશ્રી દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા.
આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૦૩/૦૧/૨૦૧૯ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૧,૧૯,૨૭૯ ખેડૂતો પાસેથી કુલ રૂ. ૧૧૮૯.૯૧ કરોડની કુલ ૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. રાજ્યભરના ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને તા.૦૪/૦૧/૨૦૧૯થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.