ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ચમારડી ગામની સ.નં. ૧૦૪૫/૯ની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન દબાણમુક્ત કરાવવા માટે તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે ઉપવાસ આંદોલન ઉપર હતા. આ આગેવાનો પૈકી એક આગેવાન શ્રી રેવાભાઈ ગોદડભાઈ, ઉં.વ. ૫૩નું આજે આંદોલન દરમ્યાન અવસાન થયું છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના ૧૨૫ જેટલા પરિવારો રહેતા હતા અને પશુપાલન કરી પરિવાર તથા પશુઓનો નિભાવ કરતા હતા. અમુક ભુમાફીયાઓ દ્વારા ચમારડી ગામની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન પર દબાણ કરી પચાવી પાડેલ. જેના કારણે ગામમાં ગૌચરની જમીન ન રહેતા આ માલધારી પરિવારોને જીવનનિર્વાહ તથા પશુઓના નિર્વાહ માટે મુશ્કેલી ઉભી થઈ હતી. આ જમીન દબાણમુક્ત કરાવવા માટે તા. ૨૦-૮-૨૦૧૬થી માલધારી સમાજના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે આંદોલન ચલાવવામાં આવેલ, જેના પરિણામસ્વરૂપ તા. ૨૨-૮-૨૦૧૬ના રોજ કલેક્ટરશ્રી, ભાવનગર દ્વારા ગૌચરની જમીનની સરકારી ખર્ચે માપણી કરાવવા તેમજ આ જમીન પર થયેલ દબાણ ખુલ્લું કરાવવા હુકમ કરવામાં આવેલ. આ હુકમને બાવીસ માસ જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થયેલ ન હોવાથી આ આગેવાનો ગત તા. ૧૪-૫-૨૦૧૮થી પુનઃ ઉપવાસ આંદોલન પર બેઠેલ અને જો તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો તા. ૧-૬-૨૦૧૮ના રોજ ચમારડી ગામેથી હિજરત કરી અહિંસક આંદોલન કરવાની અને તેની સધળી જવાબદારી પણ સરકારની રહેશે તેવી ચીમકી આપી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નહોતી. આ આંદોલનકારીઓએ વિરોધપક્ષના નેતાને પણ અરજી કરી આ બાબતે યોગ્ય કરાવવા રજૂઆત કરેલ હતી. તેઓની રજૂઆત સંદર્ભે વિરોધપક્ષના નેતાશ્રીના કાર્યાલયના તા. ૧૫-૫- ૨૦૧૮ના પત્રથી કલેક્ટરશ્રી, ભાવનગરને જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં પુનઃ માલધારી સમાજના આગેવાનોએ તા. ૨૨-૫-૨૦૧૮ના રોજ વિરોધપક્ષના નેતાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ અંગે જરૂરી કાર્યવાહી કરાવવા વિનંતી કરેલ હતી. જે અન્વયે વિરોધપક્ષના નેતાના કાર્યાલય દ્વારા કલેક્ટરશ્રી, ભાવનગરને આ બાબતે નિયમોનુસારની કાર્યવાહી કરવા પુનઃ વિનંતી કરેલ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષના નેતા તરીકે બે-બે વખત રજૂઆત કરી હોવા છતાં નિંભર તંત્રએ ધ્યાન નહીં આપતાં ઉપવાસ આંદોલન પર બેઠેલા માલધારી સમાજના આગેવાને આજે જીવ ગુમાવવો પડયો છે. ખેડૂતો અને પશુપાલકો માટે આ સરકાર સંવેદનશીલ નથી તે સાબિત થઈ ગયું છે. માનીતા ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. ગૌચર-પડતર-ખરાબાની જમીનો ખેરાતમાં આપીને રાજ્યના ગામોને ગૌચરમુક્ત બનાવવા ભાજપ સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યના ૧૮,૦૦૦ ગામો પૈકી ૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના છે. ગૌચરખાઉ ભાજપ સરકારના રાજમાં આજે માલધારીઓ અને પશુઓ અકાળે મૃત્યુ પામી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી જવાબદારો સામે સત્વરે પગલાં લેવા, રાજ્યમાં ગૌચરની જમીનો પર થયેલ દબાણ ખુલ્લું કરાવવા અને ભુમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે.