૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે.

ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ

સહભાગી સિંચાઇ યોજના અન્વયે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસિત કરવા માટે ભૂગર્ભ પાઇપ લાઇનથી સબમાઇનોરની કામગીરી માટે રૂા.૧૦૦૪.૩૧ કરોડની જોગવાઇ કરી છે.

30 હજાર કિ.મી. નહેર પૂરી

માર્ચ-૨૦૧૯ સુધીમાં ૨૯,૨૩૧ કિ.મી. લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇનથી પ્રશાખાની કામગીરી પૂર્ણ કરી  દેવાઇ છે.  આ નવી નીતિના પરિણામે જૂન-૨૦૧૯ સુધીમાં ૧૧.૧૮ લાખ હેક્ટર પિયત વિસ્તારને આવરી લેવા ૨૯,૩૬૦ કિ.મી. લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇનથી પ્ર-પ્રશાખાના કામો પૂર્ણ કરાયા છે.

900 કરોડનું નુકસાન

સાથે સાથે નર્મદા ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પણ જે સબમાઇનોરમાં તૂટફાટ થઇ છે એવી ૭૪૪૬ કિ.મી. લંબાઇની સબમાઇનોરની જગ્યાએ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રૂા.૯૦૭.૩૫ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાઇ હતી તે પૈકી રૂા.૭૪૧.૩૮ કરોડના કામો પૂર્ણ કરાયા છે તેમ નીતિન પટેલે ઉમેર્યુ હતું.

નર્મદા માટે 500 કરોડની જમીન ખેડૂતો પાસેથી લેવાશે

ચાલુ વર્ષના અંદાજપત્રમાં જે મુખ્ય જોગવાઇઓ કરી છે એમાં જમીન સંપાદન માટે રૂા.૫૦૦ કરોડ, ગરૂડેશ્વર વિયર, ગોરાબ્રિજના બાંધકામ તથા પાવરહાઉસ જાળવણી માટે રૂા.૨૪૭.૪૪ કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન કામગીરી માટે રૂા.૩૭૧.૪૧ કરોડ, કચ્છ શાખા નહેરના ત્રણ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે રૂા.૩૧૬.૩૨ કરોડ, વિવિધ શાખા નહેરો પર નાના વીજ મથકો સ્થાપવા માટે રૂા.૧૫૨.૫૫ કરોડ, સૌરાષ્ટ્ર શાખા નહેરના પાંચ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે રૂા.૯૧ કરોડ,મુખ્ય બંધના આનુસાંગિક કામો પુનઃવસન તથા પર્યાવરણીય કામગીરી માટે રૂા.૭૫.૧૧ કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે રૂા.૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે.

99 કૃષિ સિંચાઈ યોજના મંજૂર

રાજ્યની આ મહત્વની યોજનાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ મળતી કેન્દ્રીય સહાય ઉપરાંત દેશની અગ્રીમતાના ધોરણે પૂરી કરવા માટેની ૯૯ યોજનામાં સમાવેશ થતા રાજ્ય સરકારના હિસ્સાની રકમ લોન્ગ ટર્મ ઇરીગેશન ફંડની રૂા.૮૯૭.૯૬ કરોડ લોન પણ મળનાર છે. ‘‘હર ખેત કો પાની’’ યોજના હેઠળ આ વર્ષે નર્મદા યોજના માટે રૂા.૧૫૧૧ કરોડની કેન્દ્રીય સહાય પણ મળશે.