૩૬ દેશના ૧૦૦ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ભાગ લેશે

ભારત દેશમાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌ પ્રથમ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૮મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન તા.૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન કરાયું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે ૧૦-૦૦ કલાકે આ ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડમી (ઇન્ટરપા) કોન્ફરન્સને ખુલ્લી મૂકીને પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત ઇન્ટરપાના પ્રમુખ શ્રી પ્રો. ડૉ. ઇલમાઝ કોલક કી નોટ એડ્રેસ આપશે એમ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા જણાવાયું છે.

ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ઓડિટોરીયમ હોલ ખાતે યોજાનાર આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ૩૬ થી વધુ દેશના ૧૦૦ થી વધુ જેટલા સીનીયર પોલીસ અધિકારીઓ ભાગ લેનાર છે. આ કોન્ફરન્સમાં ‘‘સાયબર સીક્યુરીટી એન્ડ કોમ્બાટીંગ સાયબર ક્રાઇમ’’ થીમ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે કોન્ફરન્સ દરમિયાન ઉઝબેકિસ્તાનની એકેડમી ઓફ મીનીસ્ટ્રી ઓફ ઇન્ટીરિયર, મોંગોલીયાની લો એન્ફોર્સમેન્ટ યુનિવર્સિટી અને રિ-પબ્લીક ઓફ કઝાખસ્તાનની અને કારાગાંડી એકેડમી, મીનીસ્ટ્રી ઓફ ઇન્ટરનલ અફેર્સ દ્વારા જી.એફ.એસ.યુ. સાથે એમ.ઓ.યુ. કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ એસોસીયેશન ઓફ પોલીસ એકેડમી (INTERPA) એ દુનિયામાં આવેલી પોલીસ એકેડમીઝ અને તેને સમકક્ષ, સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનું વિશ્વભરનું એસોસીએશન છે. જેની સ્થાપના તા.૨ જુલાઇ, ૨૦૧૧નાં રોજ ઇસ્તંબુલમાં થઇ હતી. જેમાં પુરોપ, એશિયા, આફ્રીકા અને લેટીન અમેરિકાના દેશો જેવા કે ભારત, મલેશીયા, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલીયા, યુ.કે., ઉઝબેકીસ્તાન, વિગેરે કુલ ૫૬ દેશનાં કુલ ૭૨ સભ્યો છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (GFSU) આ ઇન્ટરપાની સભ્ય છે. જેનો ઉદેશ પોલીસ તાલીમ અને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોમ્યુનીકેશન એન્ડ કોલોબોરેશનનું પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે

આ ૮મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સમાં સીનીયર પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ એકેડમીના વડાશ્રીઓ, પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટના વડાશ્રીઓ ભાગ લેનાર છે અને આ કોન્ફરન્સમાં ક્રાઇમ સીન ઇન્વેસ્ટીગેશન, ડીજીટલ એવીડન્સ, હેટ ક્રાઇમ ઓન સાયબર સ્પેસ, સીનરજેસ્ટીક ઇફેક્ટ ઓન ટેકનોલોજી ઇન કોમ્બેટીંગ ક્રાઇમસ, મોડર્ન ટેકનીકસ / મેથડ્સ ઓફ કોમ્બેટીંગ સાયબર ક્રાઇમ્સ, ટેકલીંગ ડીસ્ટબીંગ ઇનફોર્મેશન ઓન સોશ્યલ મીડિયા વિગેરે જેવા વિષયો ઉપર તલસ્પર્શી ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આજના આ સાયબર વર્લ્ડમાં સાયબર ને લગતા ગુન્હાઓ દેશ અને તેની વિવિધ સંસ્થાઓ માટે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (GFSU) એ ક્રીમીનલ જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને સુદ્રઢ બનાવવા, બોર્ડરપોલ, એશીયનપોલ, ઇન્ટરપા વિગેરે સંસ્થાઓ સાથે જોડાણ કરીને વિશ્વભરના પોલીસ અધિકારીઓને સતત તાલીમ આપવાની તેમજ ફોરેન્સિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી કરી રહી છે. જેના કારણે ખુબ જ ટુંકા સમયમાં જી.એફ.એસ.યુ. એ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરી છે. જેને ધ્યાનમાં લઇ ઇન્ટરપા કમિટીએ તા.૮મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સમાં આયોજન માટે જી.એસ.એફ.યુ., ગાંધીનગરને પસંદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ૭ દેશોમાં આ ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સનું એન્ટાલીયા, તુર્કી ખાતે એપ્રીલ, ૨૦૧૨માં ‘કમ્પેરેટીવ પોલીસ એઝયુકેશન’નાં થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું. બીજી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ સાઉદી અરેબીયાના રીયાધ ખાતે એપ્રીલ-૨૦૧૩માં ‘કન્ટેપરરી ઇસ્યુ ઇન પોલીસ એઝયુકેશન, ટ્રેનીંગ એન્ડ રીસર્ચ’નાં થીમ ઉપર ૩જી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ મલેશિયાના કુઆલાલુમ્પુરમાં ‘ડેવલપમેન્ટ ઓફ ટીચીંગ સ્ટાફ ઇન પોલીસ એકેડમી’ ના થીમ ઉપર એપ્રીલ-૨૦૧૪માં, ૪થી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ યુનાઇટેડ આરબ એમીરેટ્સના અબુ ધાબી ખાતે ‘ટ્રેનીંગ ઓફ ઓફીસર્સ ઇન ધ ફીલ્ડ ઓફ પોલીસીંગ ધેટ નીડ્સ એક્સપર્ટીઝ’ ના થીમ ઉપર મે-૨૦૧૫માં, ૫મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ સુદાનના ખારટોમમાં ‘ગ્લોબલ રેફ્યુઝી ક્રાઇસીસ’ ના થીમ ઉપર માર્ચ-૨૦૧૬માં, ૬ઠ્ઠી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ તુર્કીસ રીપબ્લીક ઓફ નોર્ધન સાયપ્રસ ખાતે ‘ડ્રગ્સ ઇસ્યુ એન્ડ ન્યુ એપ્રોચ ઇન પોલીસ ટ્રેનીંગ ઇન કોમ્બેટીંગ ડ્રગ્સ’ ના થીમ ઉપર માર્ચ,૨૦૧૭માં અને ૭મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ કતાર ખાતે ‘ન્યુ ટેન્ડ્રસ ઇન કોમ્બેટીંગટેરરીઝમ એન્ડ એકસ્ટ્રીમીઝમ’ એપ્રીલ-૨૦૧૮માં આયોજન કરવામાં આવ્યું હતું.