૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જોડાયા

હું કોંગ્રેસ કાર્યાલયે માનસિંહને મળવા ગયો હતો અને કોંગ્રેસવાળાઓએ મને ઘેરી લઇને કોંગ્રેસમાં જોડી દીધાની સુંદરસિંહની કેફિયત
30/11/2018

લોકસભા ચૂંટણી નજીક આવી રહ્યાના અણસારા સાથે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહ્યાનું ચોમેર જોવા મળી રહ્યું છે. જેમાં ખેડા જિલ્લામાં પણ આશ્ચર્યજનક બનાવ બન્યો છે. જેમાં હજી તો બે દિવસ અગાઉ ભાજપની ખેડૂત વિરોધી નીતિ હોવાનું કારણ આગળ ધરીને ભાજપના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે કોંગ્રેસનો હાથ પકડયો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત કોંગી અગ્રણીઓ સાથે તેઓના ફોટોગ્રાફ પ્રસિદ્વ થયા હતા. પરંતુ આ ઘટનાના ૪૮ કલાક બાદ ફરી સુંદરસિંહ ચૌહાણ પલ્ટી મારીને પુન: ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોએ મને છેતરીને કોંગ્રેસમાં જોડી દીધો હતો. જયારે ખેડા જિલ્લા ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સુંદરસિંહ ચૌહાણ ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

ચૂંટણીઓ નજીક આવતા નેતાઓના શરૂ થતા પક્ષ-પક્ષંાતરનો નમૂનો ખેડા જિલ્લાના રાજકારણમાં પણ જોવા મળ્યો છે. મહેમદાવાદ વિધાનસભામાંથી ચાર, ચાર વખત ચૂંટણી જીતી ભાજપના ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારના સંસદીય સચિવ રહી ચુકેલા સુંદરસિહ ચૌહાણ બે દિવસ અગાઉ ૨૭ નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેઓએ ભાજપને ખેડુત વિરોધી નીતિઓ ધરાવતી પાર્ટી ગણાવી હતી.

આ ઘટનાને હજ ુતો ૪૮ કલાક જેટલો સમય માંડ વિત્યો છે ત્યાંજ હ્રદય પરિવર્તિત થયું હોય તેમ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પુન: ઘર વાપસી કરી છે. આજે મોડી સાંજે ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા સુંદરસિહ ચૌહાણે જણાવ્યુ હતુ કે હુ તા.૨૭ ના રોજ અમારા મુરબ્બી અને કોંગ્રેસના ઉપપ્રમુખ માલસિહ રાઠોડને મળવા કોંગ્રેસ સમિતિએ ગયો હતો. જ્યા કોંગ્રેસના કાર્યકરોએ મને ઘેરી લીધો હતો અને બળજબરીથી મને કોંગ્રેસ જોઇન કરાવી હતી. જ્યારે બીજી તરફ ખેડા ભાજપના સાંસદ દેવુસિહ ચૌહાણે જણાવ્યું હતુ કે સુંદરસિહ ચૌહાણ અમારા વરિષ્ઠ નેતા છે. તેઓ પહેલા પણ ભાજપમા ંહતા અને આજે પણ ભાજપમાં છે. બે દિવસ અગાઉ તેઓને છેતરપીંડી અને ષડયંત્રના ભાગરૂપે કોંગ્રેસ સમિતિ ખાતે લઇ જવાયા હતા. જ્યાં એક લેખિત સ્ટેટમેન્ટ પર તેમની જાણ બહાર સાઇન લેવામાં આવી હતી. જે વાતની જાણ અમને થતા અમે તેમની મુલાકાત લીધી હતી. તે દરમ્યાન તેઓએ અમને જણાવ્યુ ંહતુ કે અમારી સાથે બનાવટ કરીને અમને અમદાવાદ કોંગ્રેસ સમિતિ ખાતે લઇ જવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું છેકે હુ ભાજપનો જ છું. આમ, બે દિવસ દરમ્યાન ખેડા જિલ્લાના રાજકારણમાં થયેલ ઉતાર-ચઢાવના કારણે રાજકીય તજજ્ઞો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.